કપાસના બગાડને અટકાવવા માટેના પગલાઓ
(અજય ચૌહાણ દ્વારા)
કપાસને જમીન ઉપર કપડુ અથવા પ્લાસ્ટીક પાથરી તેની ઉપર મુકવો, જેથી જમીન ઉપરની માટી, ધુળ વગેરેથી બગાડ ન થાય: વીણેલો કપાસ ૭ થી ૯ % ભેજ રહે તે રીતે સાફ જગ્યામાં સંગ્રહ કરવો. ખેડૂત મિત્રો હાલમાં કપાસની વીણવાની કામગીરી ચાલુ હશે. ત્યારે કપાસની ગુણવત્તાને ધ્યાનમાં રાખી વીણી કરવામાં આવે તો, માર્કેટમાં ખુબ સારો ભાવ મળી શકે છે. કપાસમાં કીટ- કસ્તરનું પ્રમાણ ૧૬-૧૭ ટકા જેટલુ જોવા મળે છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં ટકી રહેવા માટે અને કપાસને નિકાસ લાયક બનાવવા માટે કીટ-કસ્તરનું પ્રમાણ ઓછું કરવુ ખુબ જ અગત્યનું છે. વીણીનો ખર્ચ ઘટાડવાનાં આશયથી એક જ વીણી કરવામાં આવે તો ધૂળનાં રજકણો, કીટી ચોંટવાથી તેમજ કેટલીકવાર કમોસમી વરસાદથી કપાસની ગુણવત્તા ઘટી જાય છે. તારની ચમક ઓછી થાય છે. સુંવાળાપણું ઘટે છે. મજબુતાઇ પર અસર થાય છે અને રંગ ઝાંખો પડે છે પરિણામે કપાસની કિંમત ઓછી મળે છે. માટે કપાસની વીણી કાલા ફાટે ત્યારે જમીન પરનાં સુકાં પાન, ધૂળ વગેરે ના ચોંટે તે રીતે સમયસર બે થી ત્રણ વખત કરવી જોઇએ. કપાસના બગાડને અટકાવવા માટે નીચે મુજબના પગલા લેવા જોઈએ. ખેતર પર લેવાના પગલાઓ:- સંપુર્ણ રીતે ખુલેલા જીંડવામાથી કપાસ કાઢવો, અપરિપક્વ જીંડવામાથી કપાસ વીણવાથી તેની ગુણવતા હલકી થાય છે. સડેલી પેશીઓ, જીવાણુંઓવાળા, ડાઘા પડેલા, જમીન ઉપર પડેલ અને માટી લાગેલ કપાસની વીણી અલગથી કરી તેને જુદી બેગમાં ભરવો. કપાસની વીણી કરતી વખતે કીટી કસ્તરનું પ્રમાણ ઓછામાં ઓછુ આવે તેની કાળજી રાખવી. બીજા ફાલનો અથવા પાછલી વીણીનો કપાસ અલગ રાખવો જોઇએ. ખેતરમાં કપાસ વીણવા માટે સુતરાઉ કાપડની બેગનો ઉપયોગ કરવો જોઇએ. કપાસને જમીન ઉપર કાપડ અથવા પ્લાસ્ટીક પાથરી તેની ઉપર મુકવો, જેથી જમીન ઉપરની માટી, ધુળ વગેરેથી બગાડ ન થાય. વિણેલો કપાસ ૭ થી ૯ % ભેજ રહે તે રીતે સાફ જગ્યામાં સંગ્રહ કરવો. કપાસ વિણનાર મજૂરોને તેમના માથા ઉપર સુતરાઉ કાપડ બાંધવાની સુચના આપવી જેથી એમના વાળ કપાસમાં ચોંટી ન જાય. કપાસની હેર ફેર વખતે હાથ ગાડી અથવા ટ્રેક્ટરને સાફ કર્યા પછી જ કપાસ ભરવો. ખેતરમાં ૫૦% જીંડવાઓ ખુલે ત્યારબાદ જ કપાસની વીણી કરવી જોઇએ. કપાસ ભર્યા પછી હાથ ગાડી અથવા ટ્રેક્ટરને ચારે બાજુથી સુતરાઉ કાપડ, કંતાન, કેનવાસથી બરાબર ઢાંકી લેવુ જોઇએ. સવારનો ઝાકળ અથવા ભેજ ઉડી જાય ત્યારબાદ જ કપાસની વીણી કરવી જોઈએ. કપાસના છોડમાં નીચેના ભાગમાં આવેલ જીંડવાઓ પહેલા વીણવા જેથી છોડ હલાવાથી ખરતા સુકાં પાન કપાસ સાથે ચોંટી ના જાય અને કીટી કસ્તરનું પ્રમાણ ઘટાડી શકાય. જુદી જુદી કપાસની જાતોની વીણી અલગ કરીને તેને અલગ-અલગ ટ્રાન્સપોર્ટના સાધનોથી ગોડાઉન અથવા જીન સુધી કપાસ લઇ જવો જોઇએ. કપાસનો સંગ્રહ કર્યા બાદ ગોડાઉનનાં બારી-બારણાં બંધ કરી દેવા જોઇએ. જેથી હવા સાથે બહારથી આવતો કચરો રોકી શકાય. કપાસનો જથ્થો રાખવાની જગ્યા ઝાડવાઓથી દુર હોવી જોઇએ. જેથી પાંદડા, ડાળીઓ કે પક્ષીઓના ઉપદ્રવથી કપાસને બચાવી શકાય. ખેતર પર "ના" લેવાનાં પગલાઓ:- સવારના ભેજ વાળા વાતાવરણમાં કપાસની વીણી કરવી જોઈએ નહી. જુદી જુદી જાતોનો કપાસ અથવા આગલી પાછલી વીણીનો કપાસ એક બીજામાં ભેળવવો ન જોઇએ. કપાસનું વજન વધારવા માટે માટી, મીઠું કે પાણીથી કપાસને ભીંજવવાથી રૂ ની ગુણવત્તા હલકી બને છે તેથી આવી પ્રવૃત્તિ કરવી નહીં. કપાસ વીણતી વખતે છોડના પાંદડા, ડાળી, ડાળખાના ભાગો ચુંટાવા ના જોઇએ. કપાસના સંગ્રહ સ્થાનની નજીક ઝડપથી સળગી શકે તેવા કેરોસીન, પેટ્રોલ, ડીઝલ જેવા પદાર્થો ન રાખવા જોઇએ. કપાસની હેરફેર વખતે કપાસના ઢગલા ઉપર બેસવું ના જોઇએ. કપાસના ઢગલા પાસે ઢોર અને અન્ય પ્રાણીઓને બાંધવા ના જોઇએ.(માહિતી: આણંદ કૃષિ યુનિ.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.