ભાજપની તૈયારી:રાજ્યસભા-વિધાન પરિષદમાં એસસી-એસટીને અનામત - At This Time

ભાજપની તૈયારી:રાજ્યસભા-વિધાન પરિષદમાં એસસી-એસટીને અનામત


જાતિ આધારિત વસ્તીગણતરી અને અનામત મુદ્દે વિપક્ષના આક્રમક વલણનો સામનો કરવા માટે ભાજપ રાજ્યસભા અને રાજ્યોની વિધાન પરિષદમાં એસસી/એસટી વર્ગને અનામત આપવાનો વાયદો કરી શકે છે. આ મુદ્દે કેરળમાં 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી RSSની સાથે સમન્વય બેઠકમાં અંતિમ નિર્ણય થઇ શકે છે. સૂત્રો અનુસાર શનિવારે દિલ્હીમાં થયેલી ભાજપ પદાધિકારીઓની બેઠકમાં તેના પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં તમામ પ્રદેશ અધ્યક્ષ પણ સામેલ હતા. બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિને લઇને જે મુદ્દા પર વાત થઇ હતી તેમાં અનામત પણ છે. લોકસભા ચૂંટણી પર ચર્ચા દરમિયાન એ વાત સામે આવી કે ‘અનામત ખતમ કરવા’, ‘બંધારણમાં ફેરફાર’ જેવા વિપક્ષના નેરેટિવથી નુકસાન થયું. એ પણ સામે આવ્યું કે આ મુદ્દા પર હજુ પણ એસસી-એસટી સમુદાયોમાં શંકા છે, જેને વિપક્ષ વિધાનસભા ચૂંટણી દરમિયાન મુદ્દા તરીકે ચગાવી શકે છે. દરમિયાન ભાજપ તેનો ઉકેલ શોધી રહી છે. હવે પાર્ટી વિધાનસભા અને લોકસભા હેઠળ અનામતને વિસ્તાર આપવાનો વાયદો કરીને વિપક્ષના નેરેટિવને બગાડી શકે છે. છ રાજ્યોમાં વિધાન પરિષદ | રાજ્યસભા ઉપરાંત યુપી, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વિધાન પરિષદ છે. ભાજપ વિધાન પરિષદોમાં એસસી-એસટી માટે 5% અનામત પર વિચાર કરી રહી છે. સંઘની સમન્વય બેઠકમાં સહમતિ બનશે તો સંસદના શિયાળુ સત્રમાં તેનાથી જોડાયેલું બંધારણીય સુધારા બિલ લાવી શકાય છે. લોકસભા અને વિધાનસભામાં SC-ST વર્ગ માટે અનામત
બંધારણની કલમ 332 હેઠળ વિધાનસભામાં SC-ST સમુદાય માટે જનસંખ્યાના ગુણોત્તરમાં સીટો અનામત છે. જ્યારે, લોકસભામાં એસસી-એસટી માટે 131 સીટ અનામત છે, એસસીની 84 અને એસટીની 47 સીટ છે. જોકે કલમ 171 હેઠળ વિધાન પરિષદો તેમજ રાજ્યસભામાં એસસી-એસટી અનામતની જોગવાઇ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.