CAA, કૃષિ બિલનો ઉલ્લેખ કરીને ઓવૈસીએ કહ્યું- એક દિવસ શ્રીલંકાની માફક PM હાઉસમાં ઘૂસી જશે લોકો
- ઓવૈસીએ ભારતના લોકોનો નેતાઓ પરનો વિશ્વાસ ઘટ્યો હોવાનું જણાવ્યુંજયપુર, તા. 01 ઓગષ્ટ 2022, સોમવારએઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત કેન્દ્રની નીતિઓ સામે સવાલ કર્યા છે. જયપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ શ્રીલંકાની પરિસ્થિતિ સાથે ભારતની સરખામણી કરીને ભારતમાં પણ તેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે, જે રીતે શ્રીલંકાના લોકો રાષ્ટ્રપતિ નિવાસમાં ઘૂસી ગયા હતા એ જ રીતે ભારતના લોકો પણ એક દિવસ પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસીને બેસી જશે. ઓવૈસીએ શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ માટે ત્યાંની સરકાર દ્વારા બેરોજગારી, મોંઘવારી મુદ્દે સમાધાન ન શોધાયું તેને કારણરૂપ ગણાવ્યા હતા. ઓવૈસીએ જણાવ્યું કે, ભારતના લોકો પણ હવે રસ્તાઓ પર ઉતરવા લાગ્યા છે. અગ્નિવીર યોજનાનો વિરોધ, ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરીને ઓવૈસીએ ભારતના લોકોનો નેતાઓ પરનો વિશ્વાસ ઘટ્યો હોવાનું જણાવ્યું હતું. ઓવૈસીએ કહ્યું હતું કે, 'સીએએ, કૃષિ બિલ, અગ્નિવીર જેવા મુદ્દાઓ પર જનતા રસ્તાઓ પર ઉતરી છે. જોઈ લેજો એક દિવસ જેમ શ્રીલંકામાં લોકો રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસીને બેસી ગયા હતા, એ જ રીતે અહીં પીએમ હાઉસમાં ઘૂસીને બેસી જશે તથા કહેશે કે અમને નોકરી ન આપી. હું આવું ઈચ્છતો નથી, નહીં તો કાલે મારા પર UAPA લાગી જશે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.