લઘુમતીઓને ‘સેકન્ડ ક્લાસ’ નાગરિક બનાવવાથી દેશમાં તિરાડ પડી જશે : રઘુરામ રાજન
રાયપુર, તા.૩૧દેશમાં લઘુમતીઓને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો પ્રયત્ન થશે તો દેશમાં તિરાડ સર્જાશે તેવી ચેતવણી આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપી છે. દેશમાં આવી સ્થિતિ સર્જાશે તો વિદેશી દખલ વધશે. તેનાથી ભારત વધુ નબળો થશે તેમ રાજને છત્તિસગઢના રાયપુરમાં ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ (એઆઈપીસી) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.દેશમાં ચોક્કસ વર્ગ દ્વારા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગણી વધી રહી છે તેવા સમયે રઘુરામરાજને લઘુમતીઓને બીજા દરજ્જાના નાગરિકો બનાવવાના કોઈપણ પ્રયત્નોનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે બહુમતીવાદ અને સરમુખત્યારશાહીનો વિરોધ કરવાનો સમય આવી ગયો છે. ભૌગોલિક-રાજકીય વિકાસનો આ યુગ આપણને સંવેદનશીલ બનાવશે અને તે વિદેશી દખલને આમંત્રણ આપશે. તેમના મુદ્દાને સમજાવવા તેમણે શ્રીલંકાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, આ બાબત સમજવા માટે આપણે દક્ષિણ તરફ નજર દોડાવવી જોઈએ. આપણે એ સમજવું જોઈએ કે દેશ રોજગારી સર્જવામાં નિષ્ફળ જાય અને લઘુમતીઓનું શોષણ કરવાનો પ્રયત્ન કરે તો શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિના પરિણામ ક્યારેય સારા નથી હતો.રાજને દેશના વિકાસ માટે ઉદાર લોકશાહી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા માટે ઉદાર લોકશાહી જરૃરી છે. ઉદાર લોકશાહી અને લોકતાંત્રિક સંસ્થાઓની મજબૂતીમાં જ આપણું ભવિષ્ય સમાયેલું છે. આ બાબતો લોકતંત્રને નબળું નહીં પડવા દે. ઉદારવાદના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ઉદારવાદ કોઈ ધર્મ વિરોધી નથી. પ્રત્યેક ધર્મ વ્યક્તિમાં રહેલી સારપને બહાર લાવે છે. ઉદાર લોકશાહીનો પણ આ જ સાર છે. ભારતમાં વિકાસ માટે સરમુખત્યાર નેતૃત્વની જરૃરિયાતના વિચારનો રાજને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશને સત્તાવાદી નેતૃત્વની જરૃર નથી. તે વિકાસનું જૂનું થઈ ગયેલું મોડેલ છે, જેમાં ગૂડ્સ અને કેપિટલ પર ફોકસ કરવામાં આવતું હતું. હકીકતમાં લોકો અને આઈડિયા પર ફોકસ હોવું જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.