રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા તમિલનાડુના મદુરાઈ ખાતે “ફિશરીઝ સમર મીટ-૨૦૨૪”નું આયોજન - At This Time

રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા તમિલનાડુના મદુરાઈ ખાતે “ફિશરીઝ સમર મીટ-૨૦૨૪”નું આયોજન


*રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા તમિલનાડુના મદુરાઈ ખાતે “ફિશરીઝ સમર મીટ-૨૦૨૪”નું આયોજન*
-----------------------
*ફિશરીઝ મીટમાં ગુજરાત તરફથી મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલી જોડાયા; ગુજરાતે માત્સોધ્યોગ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે માહિતી આપી*
-----------------------
*:: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ ::*
• ગુજરાતમાં ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ફંડ અંતર્ગત નવા ૪ ફિશિંગ હાર્બરનું નિર્માણ થશે
• ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ફ્લોટિંગ જેટ્ટીનું થશે નિર્માણ
• બોટ રજીસ્ટ્રેશન માટે રીયલ ક્રાફ્ટ બોટ સર્વે, ડીઝલ સબસીડી અને ઓનલાઈન ટોકન સીસ્ટમના ઉપયોગથી માછીમારોને યોજનાઓનો લાભ ઝડપી મળતો થયો
• વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી એક જ વર્ષમાં ગુજરાતના ૪૭૮ માછીમારો પાકિસ્તાનની જેલમાંથી વતન પરત ફર્યા
-----------------------
ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તેમજ નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા ૬૭માં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના ઉપલક્ષ્યમાં તમીલનાડુના મદુરાઈ ખાતે “ફિશરીઝ સમર મીટ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહના અધ્યક્ષ સ્થાને તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમર મીટમાં ગુજરાત તરફથી મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.

ગુજરાતમાં દરિયાઇ, આંતરદેશીય અને ભાંભરાપાણીનાં ક્ષેત્રમાં મત્સ્યોદ્યોગ વિકાસની વિપુલ પ્રમાણમાં તકો લભ્ય છે. આ તકોને પહોંચી વળવા અને બ્લ્યુ ઇકોનોમીને પ્રમોટ કરવા ગુજરાત સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. ફિશરીઝ સમર મીટ દરમિયાન મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાત સરકાર દ્વારા મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા હાથ ધરાયેલા પ્રયાસો, વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી સમયમાં ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ફંડ અંતર્ગત નવા ચાર ફિશિંગ હાર્બરનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ ગુજરાતના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે અદ્યતન તકનીકોના માધ્યમથી ફ્લોટિંગ જેટ્ટીનું પણ નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં બોટ રજીસ્ટ્રેશન માટે રીયલ ક્રાફ્ટ બોટ સર્વે, ડીઝલ સબસીડી અને દરિયામાં બોટ લઇ જવા માટેની ઓનલાઈન ટોકન સીસ્ટમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના ફળસ્વરૂપે માછીમારોને તેમને મળવાપાત્ર યોજનાઓનો લાભ સરળતાથી અને ઝડપી મળી રહ્યો છે.

મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને ભારત સરકાર તરફથી હરહંમેશ જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી છે. દુર્ભાગ્યવશ ગુજરાતના ઘણા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. ભારત સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત પ્રયાસોથી છેલ્લા એક વર્ષમાં ગુજરાતના આશરે ૪૭૮ જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઇ વતન પરત ફર્યા છે, તે બદલ મંત્રીશ્રીએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા બોટ પર સેટેલાઈટ આધારિત ટ્રેકિંગ અને સંચાર ઉપકરણ લગાવવાના રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં અવી છે, તેનાથી દરિયાઈ સીમા ઉલ્લંઘનની ઘટનામાં ઘટાડો આવશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારના ફિશરીઝ મીટના આયોજનથી વિવિધ રાજ્યોના મત્સ્યોદ્યોગ વિભાગો અને વિષય નિષ્ણાંતો સાથે વિચારોનું આદાન-પ્રદાન વધુ સરળ બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મત્સ્યોદ્યોગના વિકાસ માટે શરુ કરેલા પ્રયાસોને હાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રહેલી સંભાવનાઓને પરિપૂર્ણ કરવા ચાલુ વર્ષે મત્સ્યોદ્યોગ વિભાગ માટે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૧૩૦૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, મત્સ્યોદ્યોગલક્ષી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં ગુજરાતમાં થાય, તો રાજ્યના મત્સ્ય ખેડૂતો નવી તકનીક અને મત્સ્યપાલન અંગે યોગ્ય માર્ગદર્શન સાથે વધુ સારું ઉત્પાદન કરી શકશે. આ ઉપરાંત વિશ્વ સમક્ષ પર્યાવરણ સંરક્ષણ પણ ખૂબ જ મોટો પડકાર છે. સમુદ્ર અને જળાશયોનું સંરક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઉપર નિયંત્રણ લાવવા માટે પગલા ભરવા મંત્રીશ્રીએ નિવેદન કર્યું હતું.
******
નિતિન રથવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.