ભગવાન જગન્નાથની યાત્રા માટે રથ નિર્માણ શરૂ:320 કારીગરો રોજ 14 કલાક કામ કરે છે, એક ટાઈમ ખાય છે, લસણ-ડુંગળીનો ત્યાગ કરે છે - At This Time

ભગવાન જગન્નાથની યાત્રા માટે રથ નિર્માણ શરૂ:320 કારીગરો રોજ 14 કલાક કામ કરે છે, એક ટાઈમ ખાય છે, લસણ-ડુંગળીનો ત્યાગ કરે છે


ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રા માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 10 મેથી 320 કારીગરો આ રથને 14 કલાક તૈયાર કરવામાં વ્યસ્ત છે. રથ બનાવનારા આ કારીગરોને ભૂઇ કહેવાય છે. આ રથ નિર્માણ કાર્યશાળા જગન્નાથ મંદિરના મુખ્ય સિંહ દરવાજાથી માત્ર 70-80 મીટર દૂર છે. રથયાત્રામાં તેમની અતૂટ શ્રદ્ધાને કારણે આ કારીગરો 10 જુલાઈ સુધી દિવસમાં માત્ર એક જ વાર ભોજન કરશે. તેમના ભોજનમાં ડુંગળી અને લસણ નહીં હોય. ભૂઈના પ્રમુખ રવિ ભોઈએ ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રથ બનાવવાથી લઈને યાત્રાએ પરત ફર્યા ત્યાં સુધી અમારામાંથી કોઈ લસણ-ડુંગળી ખાતું નથી. દિવસ દરમિયાન ફળો અથવા કંઈક હળવું ખાવાનો પ્રયાસ કરીએ છીએ. કાર્ય પૂર્ણ થયા બાદ મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ મહાપ્રસાદ પ્રાપ્ત થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે 35થી 40 ડિગ્રીના ભેજ અને આકરી ગરમીમાં દરરોજ 12થી 14 કલાક કામ કરીએ છીએ. આળસ અને બીમાર પડવાથી બચવા માટે, અમે કડક દિનચર્યાનું પાલન કરીએ છીએ. રવિએ જણાવ્યું કે તેમનો પરિવાર 4 પેઢીથી રથ બનાવી રહ્યો છે. હાલમાં તેમનો યુવાન પુત્ર પણ રથ નિર્માણ સાથે સંકળાયેલો છે. 7 પ્રકારના કારીગર રથ બનાવે છેઃ-
ભગવાન જગન્નાથના રથ બનાવવાનું કામ મોટાભાગે પુશ્તૈની કામ જેવું છે. આ કલાકારોના પૂર્વજ પણ આ જ કામ કરતાં હતાં. આ કારણે રથ નિર્માણમાં આ લોકોની વિશેષ યોગ્યતા છે. તેઓ પુસ્તક જ્ઞાન વિના પરંપરાઓના આધારે જ રથ નિર્માણનું કાર્ય કરે છે. રથ નિર્માણમાં 8 પ્રકારના વિવિધ કળાના જાણકાર હોય છે. તેમના અલગ-અલગ નામ પણ હોય છે. ગુણકાર- આ લોકો રથના આકાર પ્રમાણે લાકડાઓની સાઇઝ નક્કી કરે છે. પહિ મહારાણા- રથના પૈડા સાથે જોડાયેલું કામ આ લોકોનું હોય છે. કમર કંટ નાયક/ઓઝા મહારાણા- રથમાં ખીલીથી લઇને એંગલ સુધી લોખંડનું જે કામ હોય છે તે આ લોકોની દેખરેખ હેઠળ થાય છે. ચંદાકાર- આ લોકોનું કામ રથના અલગ-અલગ બનેલાં ભાગને એકઠા કરવાનું હોય છે. રૂપકાર અને મૂર્તિકાર- રથમાં જોડવામાં આવતાં લાકડાનું કામ આ લોકોનું હોય છે.ચિત્રકાર- રથ પર ચિત્રકારીનું બધું જ કામ આ લોકોની દેખરેખમાં થાય છે. સુચિકાર/ દરજી સેવક- રથની સજાવટ માટે કપડા સિવવાનું અને ડિઝાઇન કરવાનું કામ આ લોકોનું હોય છે. રથ ભૂઈ- આ લોકો કારીગરોના મદદગાર અને મજૂર હોય છે. રથયાત્રામાં જોવા મળતાં રથ કેવા હોય છેઃ- ભગવાન જગન્નાથનો રથ- આ રથના અનેક નામ છે જેમ કે, ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે. 16 પૈડાવાળો આ રથ 13 મીટર ઊંચો હોય છે. રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત તથા હરિદાશ્વ છે. આ રથ સફેદ રંગના હોય છે. સારથીનું નામ દારૂક છે. રથ ઉપર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. રથ ઉપર રક્ષાનું પ્રતીક સુરદર્શન સ્તંભ પણ હોય છે. આ રથના રક્ષક ગરુડ છે. રથની ધ્વજા ત્રિલોક્યવાહિની કહેવાય છે. રથના દોરડાને શંખચૂડ કહેવામાં આવે છે. તેને સજાવવા માટે 1100 મીટર કાપડની જરૂર પડે છે. બળદેવનો રથ- આ રથનું નામ તાલધ્વજ છે. રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. તેના રક્ષક વાસુદેવ અને સારથી માતલિ છે. રથના ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેમના ઘોડા છે. આ રથ 13.2 મીટર ઊંચો અને 14 પૈડાવાળો હોય છે. લાલ અને લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાથી બને છે. રથના ઘોડા વાદળી રંગના હોય છે. સુભદ્રાનો રથ- આ રથનું નામ દેવદલન છે. રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક હોય છે. તેના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. રથનો ધ્વજ મદંબિક કહેવાય છે. રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા તેના અશ્વ છે. આ રથને ખેંચવા માટેના દોરડાને સ્વર્ણચૂડા કહેવામાં આવે છે. આ રથ 12.9 મીટર ઊંચો અને 12 પૈડાવાળો લાલ અને કાળા કપડા સાથે લાકડાના 593 ટુકડાથી બને છે. રથના ઘોડા કોફી રંગના હોય છે. છે. ભાસ્કરના રિપોર્ટર પ્રિયંકા સાહુના ઇનપુટ્સ સાથે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.