કરોડોના દેવાં પર રશ્મિ દેસાઈનું દર્દ છલકાયું:શેરીઓમાં દિવસો વિતાવ્યા, 20 રૂપિયાનું ભોજન ખાવું પડ્યું; કહ્યું- ‘મરી ગઈ હોત તો સારું થાત’
અભિનેત્રી રશ્મિ દેસાઈએ તાજેતરમાં જ પારસ છાબડાના પોડકાસ્ટમાં પોતાની આર્થિક મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. તેણે 4 દિવસ રસ્તા પર વિતાવ્યા અને આત્મહત્યાના વિચારો આવવાની પણ ચર્ચા કરી. મારા પર કરોડોનું દેવું હતું
રશ્મિએ જણાવ્યું કે તે એક સામાન્ય પરિવારમાંથી છે. તેની માતાએ તેને અને તેના ભાઈને ઉછેરવા માટે ખૂબ મહેનત કરી. તેણે કહ્યું, 'મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. 2017માં મારા પરિવારમાં ઝઘડા ચાલતા હતા. પૈસાની બાબતમાં હું ખૂબ જ નબળી હતી. મારી આવક શૂન્ય હતી. મારા પર કરોડોનું દેવું હતું.' 'પૈસાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે મને ખબર ન હતી'
તે જ સમયે રશ્મિને 'દિલ સે દિલ તક' શો મળ્યો. આ શો વિશે વાત કરતાં તેણે કહ્યું, 'શોની સફર રસપ્રદ રહી છે. મને સારા પૈસા મળ્યા જેણે મને મારું ભવિષ્ય સુરક્ષિત કરવામાં મદદ કરી. પરંતુ ભવિષ્યને સુરક્ષિત રાખવું એ જ બધું નથી. પૈસાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે મને ખબર ન હતી. ગમે તેટલા પૈસા આવ્યા, હું માત્ર એટલું જાણતી હતી કે મારે લોન અને ઉધાર ચૂકવવાના છે. પરંતુ ભવિષ્યનું નિર્માણ કરવા માટે, પ્લાન A, પ્લાન B જેવા પગલાં કેવી રીતે લેવા તે મને ખબર ન હતી.' 'બિગ બોસ 13' કરવાનો નિર્ણય
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તેની માતા એક સામાન્ય સરકારી શિક્ષિકા હતી. જે પણ આવડતું તેનાથી કામ ચલાવ્યું. પરંતુ જ્યારે રશ્મિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે અને તેનો ભાઈ પણ પરેશાન હતા. તે ફક્ત કામ કરવા, પૈસા કમાવવા અને તેના ભવિષ્યને સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. તેણે ઘર પણ ખરીદ્યું. આ દોડધામમાં તે બીમાર પડી. આ સમયે તેણે 'બિગ બોસ' કરવાનું નક્કી કર્યું. રશ્મિએ કહ્યું, 'મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. વિચાર્યું કે 'બિગ બોસ' કરીશ, પૈસા મળશે. પછી હું ઘરે બેસીશ.' તેણે જણાવ્યું કે તે સિઝનની સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક હતી. રિક્ષાચાલકોની જેમ વીસ રૂપિયાનું ખાવાનું ખાતી
રશ્મિએ દેવું અને શો બંધ થવાની મુશ્કેલીઓ વિશે પણ વાત કરી. એ દિવસોને યાદ કરતાં તેણે કહ્યું, 'હું 4 દિવસમાં રસ્તા પર આવી ગઈ હતી. મારી પાસે ઓડી A6 હતી. જેમાં હું સૂતી હતી. મારા મેનેજર પાસે મારા ઘરનો તમામ સામાન રાખ્યો હતો. હું મારા પરિવારથી અલગ થઈ ગઈ હતી.' તેણે જણાવ્યું કે તે રિક્ષાચાલકોની જેમ વીસ રૂપિયાનું ભોજન ખાતી હતી. આ ચાર દિવસમાં તેને સમજાયું કે તેણે ક્યારેય પોતાની જાતને પ્રાથમિકતા આપી નથી. આ સમય દરમિયાન તેણે જીવનના ઘણા પાઠ શીખવા મળ્યા. 'આ કેવી જિંદગી? આના કરતાં મરી જાઉં તો સારું'
તેણે છૂટાછેડા લીધા હતા. તેના મિત્રો તેને સમજી શક્યા નહીં. તેના પરિવારજનોએ ક્યારેય તેના નિર્ણયોને સમર્થન આપ્યું નથી. તેણે જણાવ્યું કે, તેને 'દિલ સે દિલ તક' એક નજીકના સહયોગી દ્વારા મળી હતી. રશ્મિએ આગળ કહ્યું, 'પછી મેં મારી લોન પૂરી કરી. ઘણા શો કર્યા. મને ઊંઘ ન આવી. અંદરથી તનાવથી ભરેલી હતી પણ બહારથી કશું દેખાતું ન હતું. હું વિચારતી હતી, આવું જીવન? આના કરતાં હું મરી જાઉં તો સારું.' 'બિગ બોસ 13' અને 'દિલ સે દિલ તક' સિવાય રશ્મિ દેસાઈએ બીજા ઘણા મહત્ત્વપૂર્ણ શો કર્યા છે. જેમાં 'ઉતરન' અને 'ખતરોં કે ખિલાડી 6'નો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.