રેપ દોષિતને 10 જ દિવસમાં ફાંસી:ભોગ બનનારી યુવતીનું મૃત્યુ થશે કે કોમામાં જશે તો ગુનેગારને લટકાવી દેવાશે, બંગાળમાં એન્ટી રેપ બિલ પાસ
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મંગળવારે એન્ટી રેપ બિલ પસાર કરવામાં આવ્યું છે. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે. આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો 10 દિવસની અંદર દોષિતને ફાંસી આપવામાં આવશે. હવે એને રાજ્યપાલને મોકલવામાં આવશે. તેમની સહી બાદ એ કાયદો બની જશે. ગૃહમાં સરકાર અને વિપક્ષનાં 2 નિવેદન...
અમે કાયદાનો તાત્કાલિક અમલ કરવા માગીએ છીએ, એ રાજ્ય સરકારની જવાબદારી છે. અમને પરિણામ જોઈએ છે, કોઈ વિભાજન નહીં. અમે સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. મુખ્યમંત્રી જે ઈચ્છે એ કહી શકે છે, પરંતુ આ બિલને તાત્કાલિક લાગુ કરવામાં આવશે એની ગેરંટી આપવી પડશે. - સુવેન્દુ અધિકારી, વિરોધ પક્ષના નેતા, બંગાળ વિધાનસભા અમે કેન્દ્રીય કાયદામાં રહેલી છટકબારીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષે રાજ્યપાલને ખરડા પર હસ્તાક્ષર કરવા માટે કહેવું જોઈએ, ત્યાર બાદ એને લાગુ કરવાની જવાબદારી અમારી છે.- મમતા બેનર્જી, મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ. એન્ટી રેપ બિલની જોગવાઈઓ 4 મુદ્દામાં વાંચો... 1. અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ 2024નો હેતુ મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે. 2. પ્રસ્તાવિત બિલ કાયદા હેઠળ બળાત્કાર સંબંધિત કેસમાં તપાસ 21 દિવસમાં પૂર્ણ કરવાની છે, જે 15 દિવસ સુધી લંબાવી શકાય છે. 3. બળાત્કારના કેસમાં દોષિત વ્યક્તિ માટે મૃત્યુદંડની જોગવાઈ હશે, જો પીડિતા મૃત્યુ પામે અથવા કોમામાં જાય તો. 4. આ બિલ જિલ્લા સ્તરે 'સ્પેશિયલ ટાસ્કફોર્સ'ની રચનાનું પણ સૂચન કરે છે, જેને 'અપરાજિતા ટાસ્કફોર્સ' કહેવામાં આવશે. એનું નેતૃત્વ ડેપ્યુટી એસપી સ્તરના અધિકારીઓ કરશે. બિલને લગતા સવાલ-જવાબ... 1. બિલનું નામ અને એનો હેતુ શું છે?
જવાબ: બંગાળ સરકારે આ બિલને અપરાજિતા મહિલા અને બાળ બિલ 2024 નામ આપ્યું છે. એનો ઉદ્દેશ પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ બિલમાં ફેરફાર કરીને બળાત્કાર અને યૌનશોષણના કેસોમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા વધારવાનો છે. 2. દોષિતને ફાંસીની સજા ક્યારે થશે?
જવાબઃ જો બળાત્કાર દરમિયાન પીડિતાનું મૃત્યુ થાય અથવા તે કોમામાં જતી રહે તો આ સ્થિતિમાં બળાત્કારના ગુનેગારને ફાંસીની સજા થશે. 3. જો બળાત્કારીને આજીવન કેદની સજા આપવામાં આવે તો સજા કેટલાં વર્ષની હશે?
જવાબઃ બિલમાં કહેવામાં આવ્યું છે કે રેપ-ગેંગરેપના દોષિતોને આજીવન કેદની સજા થવી જોઈએ. આમાં તેની આખી જિંદગી જેલ જશે. આ દરમિયાન તેને પેરોલ પણ નહીં મળે. વર્તમાન કાયદા હેઠળ આજીવન કેદની લઘુતમ સજા 14 વર્ષની છે. આજીવન કેદની સજા ફટકાર્યા બાદ સજા માફ થઈ શકે છે અથવા પેરોલ મંજૂર થઈ શકે છે. સજા પણ ઘટાડી શકાય છે, પરંતુ દોષિતે 14 વર્ષ જેલમાં કાઢવાં પડશે. 4. બિલમાં કઈ કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે?
જવાબ: બિલના ડ્રાફ્ટમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1) અને 124(2)માં ફેરફારનો પ્રસ્તાવ છે. આમાં મુખ્યત્વે બળાત્કાર, બળાત્કાર અને હત્યા, ગેંગરેપ, સતત ગુનો કરવો, પીડિતાની ઓળખ જાહેર કરવી, એસિડ-એટેકના કેસોનો સમાવેશ થાય છે. એમાં કલમ 65(1), 65(2) અને 70(2) હટાવવાનો પ્રસ્તાવ છે, જેમાં 12, 16 અને 18 વર્ષથી ઓછી ઉંમરના ગુનેગારોને સજા થાય છે. 5. બળાત્કાર-હત્યા અને ગેંગરેપની તપાસ અંગેના બિલમાં શું છે?
જવાબઃ બિલના ડ્રાફ્ટ મુજબ બળાત્કારના કેસમાં તપાસ 21 દિવસમાં પૂરી થવી જોઈએ. આ તપાસ 15 દિવસ સુધી લંબાવી શકાય છે, પરંતુ એ માત્ર પોલીસ અધીક્ષક અને સમકક્ષ કક્ષાના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવશે, એ પહેલાં તેમણે કેસ ડાયરીમાં લેખિતમાં કારણ જણાવવું પડશે. 6. શું રીઢા ગુનેગાર માટે કોઈ જોગવાઈ છે?
જવાબઃ બિલમાં આવા ગુનેગારોને આજીવન કેદની સજાની જોગવાઈ પણ છે. આમાં ગુનેગારને જીવે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. આ ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવશે. 7. શું બળાત્કાર અને હત્યાના કેસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવશે?
જવાબ: ડ્રાફ્ટ બિલ મુજબ, જિલ્લા સ્તરે એક વિશેષ ટાસ્કફોર્સ બનાવવાનો પ્રસ્તાવ છે, જેનું નામ અપરાજિતા ટાસ્કફોર્સ હશે. જેની આગેવાની ડીએસપી કરશે. આ ટાસ્કફોર્સ નવી જોગવાઈઓ હેઠળ કેસોની તપાસ માટે જવાબદાર રહેશે. 8. પીડિતોને ઝડપી ન્યાય મળે એ સુનિશ્ચિત કરવા માટે કયા ફેરફારો પ્રસ્તાવિત છે?
જવાબ: બિલમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ કોર્ટ અને સ્પેશિયલ તપાસ ટીમ બનાવવામાં આવશે. તેમને જરૂરી સંસાધનો અને નિષ્ણાતો પૂરાં પાડવામાં આવશે, જેઓ બાળકોના યૌનશોષણને લગતા કેસની તપાસ કરશે. તેમનું કામ ઝડપી તપાસ હાથ ધરવાનું, ઝડપી ન્યાય આપવાનું અને પીડિતને થતા આઘાતને ઘટાડવાનું રહેશે. 9. બળાત્કારના કેસના મીડિયા રિપોર્ટિંગ માટે કોઈ નવો નિયમ?
જવાબ: હા, કોર્ટની કાર્યવાહી છાપવા અથવા પ્રકાશિત કરતા પહેલાં મંજૂરી મેળવવાની રહેશે. જો આમ ન કરવામાં આવે તો દંડની સાથે 3 થી 5 વર્ષની જેલની જોગવાઈ છે. મમતા સરકારે એન્ટિ રેપ બિલ રજૂ કર્યું હતું
આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મમતા સરકારે એન્ટિ રેપ બિલ રજૂ કર્યું હતું. કાયદા પ્રધાન મોલોય ઘટકે બિલ રજૂ કર્યું હતું. તેને અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ, (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024 નામ આપવામાં આવ્યું છે. બિલમાં 10 દિવસની અંદર દોષિતને ફાંસીની સજા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સાથે જ આ કેસની તપાસ 36 દિવસમાં પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. બિલ પસાર કરવા માટે 2 સપ્ટેમ્બરથી બે દિવસ માટે વિશેષ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું હતું. બીજેપી નેતા સુકાંત મજુમદારે રવિવારે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમે મમતા બેનર્જીના આ બિલને સમર્થન આપીશું. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઊતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી હતી. જો કે બંગાળમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ ઘટના બાદ મમતા સરકાર એન્ટિ રેપ બિલ લાવી છે. સત્રનો પ્રથમ દિવસ: ભાજપે ગૃહમાં મૃત ટ્રેઈની ડૉક્ટરને શ્રદ્ધાંજલિ આપી હતી ભાજપે એસેમ્બલી સ્પીકર બિમાન બેનર્જીને આરજીના પીડિતાનો શોકસંદેશ પસાર કરવાની માંગ કરી હતી, જેને સ્પીકરે સ્વીકારી ન હતી. આ અંગે વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ સ્પીકર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. સુવેન્દુએ કહ્યું કે જો પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની યાદમાં કોઈ સંદર્ભ પસાર થઈ શકે છે તો આરજી કરમાં બનેલી જઘન્ય ઘટના માટે કેમ નહીં. આ બાબતે બિમાન બેનર્જીએ સુવેન્દુને પૂછ્યું - તમે મૃતકનું નામ લીધા વિના શોકસંદેશ કેવી રીતે પસાર કરી શકો છો, શું તમે પીડિતાનું નામ કહી શકો છો? બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવી એ સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે. આ પછી ભાજપના 52 ધારાસભ્યો ગૃહની લોબીમાં ભેગા થયા હતા. બધાએ મીણબત્તીઓ પ્રગટાવી અને પોસ્ટર બતાવીને ટ્રેઈની ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપી હતી. બધાએ કેમ્પસની મુલાકાત લીધી. પોસ્ટર પર લખવામાં આવ્યું હતું - 'અમે ડોક્ટર બહેનના દિવંગત આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ. RIP.' સુવેન્દુએ કહ્યું- શોક વ્યક્ત કરવા માટે નામની જરૂર નથી
સુવેન્દુએ કહ્યું કે અમે આરજી કર હોસ્પિટલના ડૉક્ટરના મૃત્યુ પર શોક વ્યક્ત કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવા માગીએ છીએ. અમે તેનાં માતાપિતાને પ્રસ્તાવ મોકલીશું. તેમણે જેમને મત આપવા વિનંતી કરી હતી તે લોકો પ્રત્યે આ રાજ્ય તંત્ર સંવેદનહીન બની ગયું છે. સુવેન્દુએ કહ્યું કે શોક વ્યક્ત કરવા માટે મૃતકનું નામ જાહેર કરવું ફરજિયાત નથી. શું વિધાનસભા કુદરતી આફતો અને રેલવે અકસ્માતોના ભોગ બનેલા લોકો માટે શોક ઠરાવ પસાર કરતી નથી? અમે (તે કિસ્સાઓમાં) મૃત વ્યક્તિઓનાં નામ વ્યક્તિગત રીતે લેતા નથી. હું 2006થી આ ગૃહનો સભ્ય છું. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી
કોલકાતામાં, 27 ઓગસ્ટે, વિદ્યાર્થી સંગઠનોએ આરજી કરની ઘટનાના વિરોધમાં રાજ્ય સચિવાલય સુધી રેલી કાઢી હતી. આ રેલીને નબન્ના અભિયાન નામ આપવામાં આવ્યું હતું. પોલીસે પશ્ચિમ બંગાળ છાત્ર સમાજના નેતા સાયન લાહિરીની ધરપકડ કરી હતી, જે રેલીના આયોજનમાં સામેલ હતો. પોલીસે જણાવ્યું કે રેલી દરમિયાન ભીડ હિંસક બની ગઈ હતી. આ દરમિયાન, જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન થયું હતું. તેમજ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. લાહિરીની માતા અંજલિએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરીને તેના પુત્ર સામેની કાર્યવાહી રદ કરવાની અને તેને જામીન આપવાની માંગણી કરી હતી. 30 ઓગસ્ટે હાઈકોર્ટે અરજી પર સુનાવણી કરતા લાહિરીને 31 ઓગસ્ટે બપોરે 2 વાગ્યા સુધીમાં પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે લાહિરીને છોડી મૂક્યો હતો. પરંતુ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે લાહિરીને જામીન ન મળવા જોઈએ. આજે થયેલી સુનાવણીમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી હતી. ખંડપીઠે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ જામીનનો મામલો છે. રેપ-હત્યાના ગુના સ્થળે ભીડની તસવીર વાઇરલ થઈ હતી કોર્ટે પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી હતી
20 ઓગસ્ટે કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એફઆઈઆર નોંધવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું- ક્રાઈમ સીન સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. એના પર જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું- કોલકાતા પોલીસની ભૂમિકા પર શંકા છે. મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં તપાસમાં આવી બેદરકારી ક્યારેય જોઈ નથી. બંગાળ બંધ દરમિયાન બીજેપી નેતાની કાર પર ફાયરિંગ થયું હતું કોલકાતા બળાત્કાર-હત્યા કેસના સંદર્ભમાં ભાજપે 28 ઓગસ્ટે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું હતું. ભાજપ 27 ઓગસ્ટે કોલકાતામાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને અટકાયતનો વિરોધ કર્યો હતો. બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપરામાં બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.