રાજેશ ખન્નાની એક્ટ્રેસ, જે પરિવાર સાથે ગુમ થયાં:લૈલા ખાનનું હાડપિંજર એક વર્ષ પછી મળ્યું, સાવકા પિતાને આપ્યું દર્દનાક મોત - At This Time

રાજેશ ખન્નાની એક્ટ્રેસ, જે પરિવાર સાથે ગુમ થયાં:લૈલા ખાનનું હાડપિંજર એક વર્ષ પછી મળ્યું, સાવકા પિતાને આપ્યું દર્દનાક મોત


દર ગુરુવારે વણકહી વાર્તામાં અલગ-અલગ સિતારાઓ વિશે આવે છે. આ વખતે લૈલા ખાનની વાત કરીશું. હત્યા અને ષડયંત્રની આ કહાનીમાં અનેક ટ્વિસ્ટ છે. દેખાવમાં ખૂબ જ સુંદર લૈલા ખાન રાજેશ ખન્ના સાથે ફિલ્મ 'વફા'માં જોવા મળી હતી. આ એક ફિલ્મ બાદ લૈલાને બીજી ઘણી ફિલ્મો પણ મળી, પરંતુ કમનસીબે એ ફિલ્મમાં કામ કરવા માટે જીવિત ન હતાં. વર્ષ 2011માં લૈલા ખાન તેના પરિવાર સાથે રજાઓ ગાળવા મહારાષ્ટ્રના ઈગતપુરી ગયાં હતાં, પરંતુ એ પછી તેમના તરફથી કોઈ જ સમાચાર મળ્યા નહિ. જે નિર્માતાઓએ લૈલાને મોટી રકમ ચૂકવીને ફિલ્મમાં સાઈન કરી હતી તેઓ લૈલાના ગુમ થવાથી ચિંતિત થવા લાગ્યા હતા. શરૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લૈલા ખાન નિર્માતાઓના પૈસા લઈને ફરાર થઈ ગયાં, પરંતુ જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા. માત્ર લૈલા જ નહીં, પરંતુ વેકેશન પર ગયેલો તેનો આખો પરિવાર ગુમ હતો. લૈલા ખાનની આ વાત એક સવાલ હતી. કૌટુંબિક અશાંતિ, માતાનાં ત્રણ લગ્નો અને લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શનની થિયરી વચ્ચે એક વર્ષ પછી લૈલાનું હાડપિંજર તેના ત્રણ ભાઈ-બહેન, માતા અને પિતરાઈ સાથે મળી આવ્યું હતું. તેમની સાથે પાલતુ કૂતરાઓનાં હાડપિંજર પણ દફનાવવામાં આવ્યાં હતાં. પત્રકાર નિશાત શમ્સીએ લૈલાના ગુમ થવાની તપાસ શરૂ કરવા માટે ઘણા મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો હતો. આવી સ્થિતિમાં લૈલાની વાર્તાને ઊંડાણપૂર્વક જાણવા માટે દિવ્ય ભાસ્કરે પત્રકાર નિશાત પાસેથી અલગ-અલગ એન્ગલની વાર્તા સમજી હતી. આજે વાંચો લૈલા ખાનનું ફિલ્મી ગ્લેમર, ગાયબ, ષડયંત્ર અને તપાસની વાર્તા 5 પ્રકરણમાં- લૈલા ખાનનું સાચું નામ રેશમા પટેલ. તેમનો જન્મ 1978માં મુંબઈમાં થયો હતો. જોકે અસલી જન્મ તારીખનો કોઈ ઉલ્લેખ નથી. તપાસ દરમિયાન પોલીસે લૈલાને પાકિસ્તાની જાહેર કર્યાં હતાં, જોકે આ પાયાવિહોણી વાત છે. લૈલા ખાનની માતાનું નામ આથિયા પટેલ હતું, જોકે બધા તેમને સેલિના કહીને બોલાવતા હતા. તેમના પ્રથમ લગ્ન નાદિર પટેલ સાથે થયા હતા, જેનાથી તેમને 4 બાળક હતાં. ચાર ભાઈ-બહેનોમાં, લૈલા ખાનને એક મોટી બહેન અને બે જોડિયા ભાઈ-બહેન હતાં. લૈલાને હંમેશાં ગ્લેમર વર્લ્ડ તરફ રસ વધારે હતો. આ જ કારણ હતું કે તેમણે મોડલિંગ કરવાનું શરૂ કર્યું. કન્નડ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી, પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી
લાંબા સંઘર્ષ બાદ લૈલા ખાનને 2002ની બિગ બજેટ કન્નડ ફિલ્મ 'મેકઅપ'માં કામ મળ્યું. 30 નવેમ્બર 2002ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મની ક્રિટિક્સે પણ ખૂબ જ પ્રશંસા કરી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર એ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ ફિલ્મથી મેકર્સને 75 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પહેલી ફિલ્મ ફ્લોપ રહેવાનું દુ:ખ અને બીજી તરફ માતા સેલિનાએ પિતા નાદિરને છૂટાછેડા આપી દીધા. નાદિર એક સરળ વ્યક્તિ હતા. સેલિનાથી અલગ થયા બાદ નાદિરે ફરીથી લગ્ન કરી લીધા. જ્યારે સેલિનાએ ચારેય બાળકોને પોતાની પાસે રાખ્યાં અને મીરા રોડમાં રહેતા આસિફ સાથે બીજી વાર લગ્ન કર્યા. જોકે આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં અને સેલિનાએ પરવેઝ નામની વ્યક્તિ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા. લૈલા ખાન રાજેશ ખન્નાની કમબેક ફિલ્મમાં જોવા મળ્યાં
જો પહેલી ફિલ્મ ફ્લોપ રહી તો લૈલા ખાનને ઘણાં વર્ષો સુધી કોઈ કામ ન મળ્યું, પણ કહેવાય છે કે ધીરજનાં ફળ મીઠાં હોય છે. લૈલા ખાનને તેમની કમબેક ફિલ્મ 'વફાઃ અ ડેડલી લવસ્ટોરી'માં ભારતના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની વિરુદ્ધ કાસ્ટ કરવામાં આવ્યાં હતાં. ફિલ્મમાં લૈલા ખાનને બેવફા પત્ની તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. આ ફિલ્મનું નિર્દેશન રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતે કર્યું હતું. 19 ડિસેમ્બર 2008ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ વફા બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી અને સી-ગ્રેડ ફિલ્મ કરવા બદલ રાજેશ ખન્નાને પણ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. રાખી સાવંતના ભાઈએ લૈલાને કાસ્ટ કર્યા
આ ફિલ્મ પણ લૈલાને નામ અને ખ્યાતિ અપાવી શકી નથી. થોડો સમય વીતી ગયો હતો કે લૈલા ખાનને 'વફા' ફિલ્મના દિગ્દર્શક રાકેશ સાવંતે તેમની બીજી ફિલ્મમાં સાઈન કરી હતી. ફિલ્મનું નામ જિન્નત હતું, જેના માટે રાકેશે લૈલાને સાઈનિંગ અમાઉન્ટ તરીકે મોટી રકમ આપી હતી. આ ફિલ્મમાં રાખી સાવંત પણ લીડ રોલમાં હતી. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને એક શિડ્યૂલ પૂરું થયું. આગામી શૂટિંગ શિડ્યૂલ શરૂ થવામાં થોડો સમય હતો, તેથી લૈલા ખાને તેમના પરિવાર સાથે ઇગતપુરીમાં વેકેશનનું આયોજન કર્યું. 30 જાન્યુઆરી, 2011ના રોજ લૈલા ખાન તેમની માતા સેલિના, મોટી બહેન હાશિમા, જોડિયા ભાઈ-બહેન ઈમરાન-ઝારા અને પિતરાઈ રેશમા સાથે ઈગતપુરીના ફાર્મહાઉસ માટે રવાના થયાં હતાં. રેશમા લૈલાના પરિવાર સાથે રહેતાં હતાં. લૈલા આ વેકેશનમાં તેમના પાલતુ કૂતરાઓને પણ લઈને ગયાં હતાં. આખા પરિવારે 3 કારમાં મુંબઈથી 126 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. લગભગ 9 દિવસ જ થયા હતા. 9 ફેબ્રુઆરી 2011ના રોજ સેલિનાને તેમની બહેન અલ્બાના પટેલનો ફોન આવ્યો. જ્યારે અલ્બાનાએ પૂછ્યું કે તે ક્યાં છે, તો સેલિનાએ જવાબ આપ્યો કે તે તેમના ત્રીજા પતિ પરવેઝ ટાક સાથે ચંદીગઢમાં છે. સેલિના એ સમયે ઇગતપુરીમાં હોવાથી ખોટું બોલ્યાં હતાં. આ છેલ્લો દિવસ હતો જ્યારે રજા પર ગયેલી વ્યક્તિના પરિવાર સાથે કોઈ વાતચીત થઈ હતી. થોડા દિવસો પસાર થયા અને ફિલ્મ જિન્નતના બીજા શિડ્યૂલની તારીખો નજીક આવવા લાગી. જ્યારે ફિલ્મ-નિર્માતાઓએ લૈલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો નંબર સ્વિચ ઓફ જોવા મળ્યો હતો. ફિલ્મ-નિર્માતાઓને લૈલા વિશે સમાચાર ન મળવાથી ચિંતા થવા લાગી, કારણ કે તેમણે તેની ફી ચૂકવી દીધી હતી. પહેલા દિવસો, પછી મહિનાઓ વીતી ગયા, પરંતુ લૈલા અને તેના પરિવારના કોઈ સમાચાર નહોતા. એક પત્રકારના પ્રયાસથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો
ફિલ્મ 'જિન્નત'ના દિગ્દર્શક રાકેશ સાવંતે આ બાબતે એ સમયે ટીવી પત્રકાર નિશાત શમ્સી સાથે વાત કરી હતી. રાકેશ સાવંતે તેને કહ્યું હતું કે એક્ટ્રેસ લૈલા ખાને તેમની પાસેથી ફિલ્મની ફી લીધી. તેઓ પૈસા લઈને જતાં રહ્યાં છે. નિશાત શમ્સીએ સમાચાર પ્રકાશિત કરવાને બદલે મામલાને ગંભીરતાથી લીધો અને તપાસ શરૂ કરી હતી. આ બાબતને નજીકથી સમજવા માટે દિવ્ય ભાસ્કરે પત્રકાર નિશાત શમ્સી સાથે વાત કરી અને તેમણે ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા. નિશાત શમ્સીએ કહ્યું, 'હું એ સમયે ટીવી રિપોર્ટર હતો. એ વખતે એક વાર્તા મારી પાસે આવી. એક ફિલ્મ-પ્રોડ્યુસર હતા, તેમણે મને ફોન કરીને કહ્યું કે એક ફિલ્મ એક્ટ્રેસ છે, અમે તેમને કાસ્ટ કર્યા હતા અને ફી ચૂકવવામાં આવી હતી, પરંતુ હવે તે ન તો પૈસા પરત આપે છે અને ન તો સામે આવે છે. જ્યારે મેં આ સ્ટોરી પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે આ છેતરપિંડીનો મામલો હતો, પરંતુ જ્યારે મેં તપાસ શરૂ કરી તો ખબર પડી કે લૈલા ખાન ઘણા મહિનાઓથી ગાયબ છે અને તેમની કાર પણ ઘણા મહિનાઓથી દેખાઈ નથી. માત્ર એક્ટ્રેસ જ નહીં, તેમનો આખો પરિવાર ગાયબ છે. જ્યારે નિશાત શમ્સી આ કેસમાં ફરિયાદ નોંધાવવા ગયા તો પોલીસે ફરિયાદ નોંધવાનો ઈનકાર કરી દીધો. પોલીસે તેમને કહ્યું કે જ્યાં સુધી લૈલાના સાચા સંબંધીઓ આવીને રિપોર્ટ નહીં નોંધાવે ત્યાં સુધી તેઓ તપાસ નહીં કરે. અહીંથી લૈલાના પરિવારને શોધવા માટે નિશાત શમ્સીનો અસલી સંઘર્ષ શરૂ થયો. આ અંગે તેઓ કહે છે કે 'લૈલાની માતા સેલિનાએ તેના બાયોલોજિકલ પિતા નાદિર પટેલને પહેલેથી જ છૂટાછેડા આપી દીધા હતા. તેમના બીજા લગ્ન આસિફ શેખ નામની વ્યક્તિ સાથે થયા. ઘણી મહેનત પછી અમે આસિફ શેખને શોધી કાઢ્યો. આસિફે મને લૈલાના બાયલોજિકલ પિતા નાદિરનો નંબર આપ્યો. જ્યારે મેં તેમને ફોન કર્યો ત્યારે મને ખબર પડી કે તેઓ આફ્રિકાના ઈથોપિયામાં કામ કરે છે. આર્થિક સંકડામણને કારણે નાદિરે શરૂઆતમાં ભારત આવવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં પત્રકાર નિશાત શમ્સીએ તેમને 11 હજાર રૂપિયા આપીને ભારત આવવાની વ્યવસ્થા કરી. નિશાત શમ્સી આગળ જણાવે છે, 'આ બધું કરતાં 4 મહિના વીતી ગયા. નાદિર સાથે મેં લૈલા અને તેના પરિવારના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ સમય દરમિયાન મારી તપાસ દ્વારા મને ખબર પડી કે લૈલાની માતા સેલિનાએ પણ તેમના બીજા પતિ આસિફ શેખને છૂટાછેડા આપી દીધા હતા અને ત્રીજા લગ્ન કર્યા હતા. જોકે તે વ્યક્તિ કોણ છે એ અંગે કોઈને ખ્યાલ નહોતો. પોલીસે કેસની તપાસ ન કરી, કહ્યું- તેઓ પાકિસ્તાની એક્ટ્રેસ
પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવા છતાં મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ન હતી. નિશાત શમ્સીએ આ વિશે જણાવ્યું, 'મુંબઈ પોલીસે એક્ટ્રેસ લૈલા ખાન પાકિસ્તાની હોવાનું કહીને કેસ મોકૂફ રાખ્યો હતો. એ સમયે પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે પણ બિગ બોસમાં એન્ટ્રી કરી હતી અને લગભગ 3-4 દિવસ સુધી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. પોલીસકર્મીઓએ પણ મીડિયાને આ જ વાત કહી કે લૈલા ખાન પાકિસ્તાની છે. લાંબા સમય સુધી ઇન્ટરનેટ પર તેમના જન્મ સ્થળને બદલે પાકિસ્તાન લખવામાં આવતું હતું. લૈલાના પિતા નાદિરે આ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ તેમને પાકિસ્તાની કેવી રીતે કહી શકે. તેમના પિતા નાદિર ભરૂચના હતા, જ્યારે તેમની માતા સેલિના લખનઉની હતી. તેમનો પાકિસ્તાન સાથે દૂર સુધી કોઈ સંબંધ ન હતો, પરંતુ પોલીસ આવું કહીને આ મામલે ખૂબ જ બેદરકાર હતી. પહેલા ફરિયાદ નોંધવામાં સમય લાગ્યો અને પછી તપાસ ન કરી. પિતાએ કેસ NIAને સોંપવાની અપીલ કરી
આ કેસમાં પોલીસની બેદરકારી જોઈને 17 જુલાઈ 2012ના રોજ લૈલા ખાનના પિતા નાદિરે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કેસ NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવાની અપીલ કરી હતી. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે મામલાની સત્યતા સામે આવી
લૈલા ખાન ગુમ થયાના એક વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદી હુમલો થયો હતો. તપાસ દરમિયાન લૈલા ખાનની કાર આતંકી હુમલાના સ્થળની નજીકથી મળી આવી હતી. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાએ લીધી હતી. મીડિયામાં સમાચાર ફેલાયા કે લૈલા ખાન અને તેની માતા સેલિના લશ્કર-એ-તૈયબા સાથે નજીકથી કામ કરે છે. આતંકવાદી હુમલાના કેસમાં પરવેઝ ઈકબાલ ટાકની 21 જૂન 2012ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એ જ પરવેઝ, જેમની સાથે લૈલા ખાનની માતા સેલિનાએ ત્રીજી વખત લગ્ન કર્યા હતા. પરવેઝની ધરપકડ લૈલા ખાનના ગુમ થવાના કેસમાં મહત્ત્વની કડી સાબિત થઈ હતી. પરવેઝ એકમાત્ર એવી વ્યક્તિ હતા, જે છેલ્લે ઇગતપુરીમાં લૈલાના પરિવાર સાથે જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં શંકા તેમના પર જ હતી. પરવેઝ ટાકે મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું, લૈલા અને તેના પરિવારની ફેબ્રુઆરી 2011માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુમ થવાનો મામલો હવે હત્યાના કેસમાં ફેરવાઈ ગયો છે. પરવેઝ ટાકે બીજા જ દિવસે આ નિવેદન પાછું ખેંચ્યું હતું. તેમણે કહ્યું, લૈલા ખાન અને તેનો પરિવાર જીવિત છે. આના પર પોલીસ અપહરણના એંગલથી કેસની તપાસ કરવા પરવેઝ ટાક સાથે મુંબઈ આવી હતી. પરવેઝ ટાકને 10 જુલાઈ 2012ના રોજ દક્ષિણ મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 19 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની કડકાઈ પર પરવેઝ ટાકે ત્રીજી વખત પોતાનું નિવેદન બદલ્યું, પરંતુ આ વખતે તેમણે જે કહ્યું એ ચોંકાવનારું હતું. લૈલા ખાનના સાવકા પિતા પરવેઝ ટાકે ગુનાની કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ લૈલાની માતા સેલિનાને મારવા માગતા હતા. સેલિના તેમની સાથે નોકરની જેમ વર્તે છે અને અન્ય પુરુષો સાથે સંબંધ રાખતાં હતાં. પોતાના અપમાનનો બદલો લેવા માટે પરવેઝે તેમના મિત્ર સાજિદ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે દુબઈ જઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં તક જોઈને તેણે લૈલાની માતાને કહ્યું કે તે દુબઈ જતાં પહેલાં વેકેશનમાં પરિવાર સાથે ઈગતપુરી જવા માગે છે. લૈલા અને તેમનો પરિવાર ઇગતપુરી પહોંચે એ પહેલાં જ પરવેઝે તેમના મિત્રને ફોન કર્યો હતો. એક દિવસ તક મળતાં જ તેમણે તેમના મિત્ર સાજિદને ફાર્મહાઉસ પર બોલાવ્યો. દલીલબાજી બાદ સાજિદે સેલિનાનો હાથ પકડી લીધો હતો અને પરવેઝે તેમના પર સળિયાથી હુમલો કર્યો હતો. સેલિનાની હત્યા થતી હતી ત્યારે જ લૈલા ખાન ત્યાં પહોંચ્યાં. સાજિદ અને પરવેઝે લૈલાની પણ હત્યા કરી હતી. ફસાઈ જવાના ડરથી પરવેઝ અને સાજિદે લૈલા અને સેલિના પછી ફાર્મહાઉસમાં હાજર બધાને મારી નાખ્યા. તેઓ જે પાલતુ શ્વાન પોતાની સાથે લઈ ગયા હતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. મૃતદેહોની શોધ અને ચોંકાવનારા ઘટસ્ફોટ
પરવેઝ ટાક સતત પોતાનાં નિવેદનો બદલી રહ્યો હતો. આવી સ્થિતિમાં મુંબઈ પોલીસ તેને ઈગતપુરીના ફાર્મહાઉસમાં લઈ ગઈ. ફાર્મહાઉસની દીવાલો જોઈને પોલીસને લાગ્યું કે દીવાલો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ પરવેઝની સૂચના પર પોલીસે ફાર્મહાઉસના પાછળના ભાગમાં ખોદકામ શરૂ કર્યું. ખોદકામ દરમિયાન પોલીસને લૈલા ખાન સહિત પરિવારના 6 સભ્યોનાં હાડપિંજર મળ્યાં હતાં. લશ્કર-એ-તૈયબા દ્વારા કેસમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો
પરવેઝે પોલીસને જણાવ્યું કે તેણે હત્યા બાદ તમામના મૃતદેહને દફનાવી દીધા હતા. પોલીસને ચકમો આપવા માટે તેણે તેના મિત્રો જોલી ગિલ્ડર અને મહેબૂબની મદદ લીધી અને ત્રણેય કારનો નાશ કર્યો. પ્રથમ કાર ઈન્દોર અને બીજી કાર દિલ્હી મોકલવામાં આવી હતી. ત્રીજી કારને કિશ્તવાડ લઈ જવામાં આવી હતી, જેના દ્વારા કિશ્તવાડમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ પરવેઝ ટાક લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓની મદદથી નેપાળ ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે આ પહેલાં કિશ્તવાડમાં આતંકી હુમલો થયો હતો, જેમાં પરવેઝની ધરપકડ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં લૈલા ખાન અને પત્રકાર પર ફિલ્મ બનશે
પત્રકાર નિશાત શમ્સીએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ફિલ્મ 'ટોઈલેટઃ એક પ્રેમ કથા'નું નિર્દેશન કરનાર શ્રી નારાયણ સિંહ ટૂંક સમયમાં લૈલા ખાન હત્યા કેસ અને એમાં પત્રકાર નિશાત શમ્સીના યોગદાન પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.