વડોદરા ખાસવાડી સ્મશાનના રીનોવેશનના બહાને મરાઠી સમાજને અન્યાય મુદ્દે હોબાળો
વડોદરા,તા.22 જુન 2022,બુધવારવડોદરા શહેરના ખાસવાડી સ્મશાનના ડેવલપમેન્ટ મુદ્દે મહારાષ્ટ્ર સમાજનું વિધિ સ્થળ અન્યત્ર ખસેડવાનો વિવાદ વકર્યો છે. આજે સર્વે અંગેની ટીમ સ્થળ પર પહોંચતા મરાઠી સમાજના લોકો અને ભાજપના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવતા સાંસદ મેયર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનના ડેવલોપમેન્ટ મુદ્દે મરાઠી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓનું કહેવું છે કે, અંતિમક્રિયા વખતે દશપિંડની વિધિ માટેની હાલ જે જગ્યા છે તે અગાઉથી નાની છે અને ડેવલોપમેન્ટ બાદ વધુ નાની થશે જેથી સમસ્યા સર્જાશે. આ ઉપરાંત કન્સ્ટ્રકશન સમયે એક વર્ષ માટે સ્મશાન બંધ રાખવામાં આવશે. દશપિંડ વિધિ બાદ કેટલીક વસ્તુ નદીમાં વિસર્જન કરવામાં આવે છે .જેથી નજીકમાં નદી હોવી પણ જરૂરી છે. દરમિયાન આજરોજ સર્વે માટે અધિકારીઓની ટીમ ખાસવાડી સ્મશાન પહોંચતા મરાઠી સમાજના આગેવાનો સ્થળ પર દોડી જતા વિવાદ વકર્યો હતો. જે અંગેની જાણ થતા સાંસદ, મેયર, ડેપ્યુટી મેયર ,કોર્પોરેટર સહિત મરાઠી સમાજના આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. આ દરમિયાન મેયરએ જણાવ્યું હતું કે, આર્કિટેક સાથે મહારાષ્ટ્રીયન સમાજની બેઠક બાદ સારી જગ્યા મળે તેવું ડેવલોપમેન્ટ થશે. એક વર્ષ માટે સ્મશાન બંધ રાખવાના નિર્ણય વખતે મહારાષ્ટ્રીયન સમાજની વિધિ માટે નજીકમાં પતરાનો શેડ ઉભો કરી ટેમ્પરરી સુવિધા ઊભી કરી આપીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.