'રાહુલની રાજનીતિ અલગ લેવલની...':સ્મૃતિ ઈરાનીએ પહેલીવાર કર્યાં રાહુલ ગાંધીનાં વખાણ; મંદિર પોલિટિક્સમાં ફેઇલ, જાતિને હથિયાર બનાવ્યા પાછળની રણનીતિ જણાવી - At This Time

‘રાહુલની રાજનીતિ અલગ લેવલની…’:સ્મૃતિ ઈરાનીએ પહેલીવાર કર્યાં રાહુલ ગાંધીનાં વખાણ; મંદિર પોલિટિક્સમાં ફેઇલ, જાતિને હથિયાર બનાવ્યા પાછળની રણનીતિ જણાવી


'રાહુલ ગાંધીની રાજનીતિમાં પરિવર્તન આવ્યું છે. તેમને લાગે છે કે તેઓ હવે સફળ થઈ રહ્યા છે. જો તેઓ જાતિની વાત કરે છે તો આટલાં વર્ષની રાજનીતિમાં પહેલી વખત જાતિને સાધન બનાવીને બોલી રહ્યા છે. સંસદમાં તેઓ સફેદ ટી-શર્ટ પહેરે છે, જેનાથી તેઓ યુવા પેઢીને શું સંદેશ આપવા માગે છે
એ જાણે છે. આપણે એવી ગેરસમજમાં ન રહેવું જોઈએ કે તેમણે કોઈપણ પગલું એમ ને એમ ન ભર્યું હોય. તેમનું પગલું સારું લાગે કે ખરાબ, તેઓ અલગ લેવલની રાજનીતિ કરી રહ્યા છે.' 2024માં અમેઠી બેઠક પર હાર્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત હાર વિશે ખૂલીને વાત કરી છે. તેમણે એક યુટ્યૂબ પોડકાસ્ટમાં રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં છે. સ્મૃતિએ કહ્યું હતું, રાહુલ એક અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર બાદ સ્મૃતિએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. ત્યારથી આ બેઠક પર એક રાઇવલરી જોવા મળે છે. રાહુલને સામાજિક ન્યાયમાં કોઈ નિષ્ઠા નથી: સ્મૃતિ
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું કહેવું છે કે રાહુલ ગાંધી હવે અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિએ કહ્યું હતું કે તેમના રાજકીય કરિયરમાં પહેલીવાર રાહુલ ગાંધીએ જાતિને રાજકીય હથિયાર બનાવ્યું છે. રાહુલની સામાજિક ન્યાયમાં કોઈ નિષ્ઠા નથી, પરંતુ તેઓ પોતાના ફાયદા માટે જાતિનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, જેથી તેમને સમયાંતરે હેડલાઇન મળી રહે અને ચર્ચામાં આવતા રહે. મંદિર પોલિટિક્સમાં ફેઇલ રાહુલે જાતિને હથિયાર બનાવ્યું: સ્મૃતિ
બીજેપીના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી બહુમતી હિન્દુઓને રીઝવવા માટે મંદિર ગયા, પરંતુ તેમને કોઈ સફળતા મળી નહીં, તેથી હવે તેમણે જાતિનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે. સ્મૃતિ અનુસાર, રાહુલ પહેલા ધાર્મિક રૂપથી છેતરવા માગતા હતા, જ્યારે તેઓ નિષ્ફળ ગયા ત્યારે હવે સામાજિક રીતે છેતરવામાં લાગેલા છે. જો આમાં પણ નિષ્ફળતા મળશે તો તેઓ કોઈ ત્રીજો મુદ્દો પસંદ કરશે. આ એટલા માટે છે, કારણ કે તેમને સત્તા સિવાય કોઈની સાથે નિષ્ઠા નથી. સ્મૃતિએ આ વાત યુટ્યૂબ પોડકાસ્ટમાં કહી હતી. સ્મૃતિએ કહ્યું હતું કે જ્યારે રાહુલ ગાંધી મંદિર-મંદિર જતા હતા ત્યારે તેમને શું ટ્રેક્શન મળી રહ્યું હતું? નહોતું મળી રહ્યું. ઉપહાસનો વિષય બની રહ્યા હતા. લોકોને લાગ્યું કે તેઓ છેતરે છે. રાહુલના તમામ રણનીતિકારો છે, તેમને લાગ્યું કે સંગઠિત સમાજને ભગવાનની સામે નતમસ્તક થઈને અમે ખુશ કરી શકતા નથી, તો આપણે કયા આધારે તેમનું ધ્યાન ખેંચી શકીએ? તેમણે વિચાર્યું કે તેઓ જાતિના આધારે મેળવી શકે છે, તેથી આ (જાતિની વસતિગણતરી) રાજકીય ચાલાકીનો મામલો છે. હેડલાઇન્સ મેળવવા મિસ ઇન્ડિયામાં પણ જાતિ શોધે છે!
સ્મૃતિ વધુમાં કહે છે, જો સામાજિક ન્યાય પ્રત્યે તેમની રાજકીય પ્રતિબદ્ધતા હોત તો તે તેમની રાજકીય સફરમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાત, તેથી રાહુલ હવે જાતિ ગણતરીની જે વાત કરી રહ્યા છે એ તેમની રાજકીય ચાલ છે, બીજું કંઈ નથી. એટલા માટે એ જાણવા છતાં કે મિસ ઈન્ડિયા સરકાર બનાવતી નથી, તેઓ હજી પણ એના પર બોલે છે, કારણ કે ઓછામાં ઓછી તેમને હેડલાઈન્સ તો મળે. સ્મૃતિ કહે છે, જો તમને રાહુલની આવી વાતોથી ગુસ્સો આવે છે તો તમે તેમની રમતનો હિસ્સો બની જાઓ છો. આ રીતે રાહુલ પોતાના ઉદ્દેશમાં સફળ થાય છે. રાહુલ ગાંધી આવા મુદ્દાઓમાં માનતા નથી, પરંતુ વ્યૂહાત્મક રીતે તેમના ફાયદા માટે એનો ઉપયોગ કરે છે. રાહુલની રાજનીતિ બદલાઈ છેઃ સ્મૃતિ
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની રાજનીતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે રાહુલ ગાંધીની રાજનીતિમાં બદલાવ આવ્યો છે. તેમને લાગે છે કે તેમણે સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આટલાં વર્ષોના રાજકારણમાં પહેલીવાર તેઓ જાતિનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેઓ સંસદમાં ટીશર્ટ પહેરે છે, કારણ કે તેઓ જાણે છે કે એ સફેદ ટી-શર્ટ દ્વારા તેઓ યુવાપેઢીને શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના પગલાં તમને સારા, ખરાબ કે બાલિશ લાગશે, પરંતુ તેઓ હવે અલગ રાજનીતિ કરી રહ્યા છે. રાહુલે સ્મૃતિ ઈરાનીનો બચાવ કર્યો હતો
2024ની લોકસભા ચૂંટણીમાં ઈરાનીને અમેઠી સીટ પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કિશોરી લાલથી હારનો સામનો કરવો પડ્યો હતો. એ બાદ ઈરાની સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ હતી. એ બાદ રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાનીના બચાવમાં આગળ આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સ્મૃતિ ઈરાનીને સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો અને ઈરાનીના અન્ય ઘણા વિરોધીઓ તરફથી અપમાનજનક ટિપ્પણીઓ સાંભળવી પડી છે. રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટમાં આ વિશે લખ્યું છે, “જીવનમાં જીત અને હાર થતી રહે છે. હું દરેકને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનું ટાળવા અને સ્મૃતિ ઈરાની અથવા અન્ય કોઈ નેતા પ્રત્યે ખરાબ વર્તન કરવાનું ટાળવા વિનંતી કરું છું."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.