રાહુલની ‘મોહબ્બતની દુકાન’ ચાલી ગઈ:કોંગ્રેસના ‘પપ્પુ’ને કોને બનાવ્યા ગેમચેન્જર?, જાણો ભાજપના IT સેલને ઘૂંટણિયે પાડનાર કોંગ્રેસના મીડિયા સેલની ઇનસાઇડ સ્ટોરી... - At This Time

રાહુલની ‘મોહબ્બતની દુકાન’ ચાલી ગઈ:કોંગ્રેસના ‘પપ્પુ’ને કોને બનાવ્યા ગેમચેન્જર?, જાણો ભાજપના IT સેલને ઘૂંટણિયે પાડનાર કોંગ્રેસના મીડિયા સેલની ઇનસાઇડ સ્ટોરી…


મોટા ઘરના પરિવારમાં જન્મ, 14 વર્ષની ઉંમરે દાદીની અને 21 વર્ષની ઉંમરે પિતાની હત્યા, રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે પપ્પુનું ટેગ, સતત હારનો ડંખ...કોઈ સામાન્ય વ્યક્તિ કે કોઈ અન્ય નેતા હોય તો તેને ક્યારનો રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો હોય. પરંતુ વિરાસતમાં જેને દેશ સેવા મળી છે તેવા રાહુલ ગાંધીએ હતાશ થવાની જગ્યાએ સંઘર્ષનો રસ્તો અપનાવ્યો. વિવિધતાથી ભરેલા આ દેશમાં પ્લેનથી કે ટ્રેનથી મુસાફરી કરીએ તો પણ થાકી જવાય ત્યાં રાહુલ ગાંધીએ ચાલતા-ચાલતા જ આખા દેશને માપી લીધો. પપ્પુની ઈમેજ તોડવા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા ભારત જોડો યાત્રા શરૂ કરી. કન્યાકુમારીથી નીકળેલી યાત્રા કાશ્મીર પહોંચતા-પહોંચતા તો દેશને એક અલગ જ રાહુલ ગાંધી જોવા મળ્યા. ચોક્કસથી આ ઈમેજ મેકઓવરમાં રાહુલનો ભારે સંઘર્ષ છે પણ તેની પાછળ કોંગ્રેસ મીડિયા સેલના યોગદાનને પણ ઓછું આંકી શકાય નહીં. તો ચાલો જોઈએ કે કેવી રીતે કોંગ્રેસના મીડિયા સેલે ભાજપના આઈટી સેલને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધા. એક એવી પાર્ટી જેના પર વંશવાદી હોવાનો, સામાન્ય લોકોથી દૂર થવાનો, તેના નેતાઓ પર ઈલીટ ખાન માર્કેટ ગેંગથી પ્રભાવિત હોવાનો આરોપ લાગેલો હોય, એક એવી પાર્ટી જેના સૌથી મોટા નેતાને ‘યુવરાજ’કહીને મજાક ઉડાવવામાં આવતી હોય, જેને જનતા વચ્ચે મૂર્ખ સાબિત કરવા માટે તેનું નામકરણ જ ‘પપ્પુ’ કરી દેવામાં આવ્યું હોય, જે પાર્ટીથી દેશને મુક્ત કરવાના નારા બનાવી દેવામાં આવ્યા હોય, જે પાર્ટીના પીઢ નેતાઓમાં તેમની પાર્ટી છોડવા માટે હરીફાઈ લાગી હોય, જે પાર્ટી વિશે એવું માનવામાં આવતું હોય કે હવે તેનું ફરી ઊભું થવું અશક્ય છે, તે પાર્ટીને અચાનક જીવનદાન કેવી રીતે મળ્યું?. આ સવાલનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. ધ ગ્રાન્ટ ઓલ્ડ પાર્ટીને પુન:જીવિત કરવામાં જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો તે છે પાર્ટી હાઈકમાન્ડનો...જી...હા વાત થઇ રહી છે ગાંધી પરિવારના રાહુલ ગાંધીની. વાત થઈ રહી છે તે યુવાનની જે રાજકારણને એક્ટિવિઝમના રૂપમાં લે છે. વાત થઈ રહી છે તે રાજનેતાની કે જેને લોકો રાજનીતિ પ્રત્યે ગંભીર નહોતા માનતા. રાજકીય વિશ્લેષકોને હવે તે વ્યક્તિમાં અચાનક આશાના કિરણો દેખાવા લાગ્યા છે. આવું અચાનક કેમ થઈ ગયું, તે પણ કઈં ઓછું આશ્ચર્યજનક નથી. આની પાછળ કોંગ્રેસમાં પડદા પાછળ કામ કરતા લોકો, પાર્ટીના સલાહકારો અને મીડિયા સેલની બહું મોટી ભૂમિકા છે. ડેડિકેટેડ વોર રૂમના ઈનોવેટિવ આઈડિયાઝ
સામાન્ય રીતે તો આજકાલ દરેક પક્ષ ચૂંટણી પ્રચાર માટે વોર રૂમ બનાવે છે. જેનો વોર રૂમ જેટલો પાવરફુલ અને સંગઠિત હોય છે, તે તેટલો જ પાવરફુલ ચૂંટણીના મેદાનમાં નજરે ચડે છે. કોંગ્રેસનો વોર રૂમ આ વખતે સૌથી મજબૂત હતો. ડાયનેમિક માર્કેટ પ્રોફેશનલ્સથી ભરેલી ટીમ જાણતી હતી કે મજાક-મજાકમાં કામની વાત લોકોના દિલ સુધી કેવી રીતે પહોંચાડવી? આ માટે નાનો-મોટો જો ડ્રામા ક્રિએટ કરવો પડ્યો તો એ પણ કર્યું. ઉદાહરણ તરીકે, ભાજપને એવી લોન્ડ્રી તરીકે વર્ણવવામાં આવ્યું કે તેના વોશિંગ મશીનમાં અન્ય પક્ષોના ભ્રષ્ટ લોકોને નાખીને ઈમાનદાર બનાવી દેવામાં આવે છે. જરૂર પડી તો કોંગ્રેસની રેલીઓમાં પણ પ્રતિકના રૂપમાં આવા વોશિંગ મશીનો રાખવામાં આવ્યા જે લોકોને ભ્રષ્ટમાંથી ઈમાનદાર બનાવી દે છે. એ જ રીતે, તેલંગાણા ચૂંટણી દરમિયાન નકલી એટીએમ મશીનો મૂકવામાં આવ્યા હતા જે નકલી નોટો વિતરિત કરતા હતા. જે તેલંગાણામાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયા હતા. કેરળ કોંગ્રેસનું ટ્વીટર હેન્ડલ આ મામલે સૌથી વધુ ઈનોવેટિવ રીતે કામ કરી રહ્યું હતું, ભાજપની ઝાટકણી કાઢવામાં આ હેન્ડલ સૌથી આગળ હતું. અજય માકનની અધ્યક્ષતાવાળી એક પેનલ જેમાં કે.સી. વેણુગોપાલ અને જયરામ રમેશ જેવા અનુભવી મહત્વના વ્યક્તિઓ પાર્ટી વોર રૂમની ટીમોની સાથે-સાથે જાહેરાત અને મીડિયા એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા. એક મીડિયા અહેવાલ મુજબ વર્ષની શરૂઆતમાં ભાષા અને ક્ષેત્રના આધારે ચાર ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમમાં લગભગ 900થી 1000 ઈન્ટર્નની ભરતી કરવામાં આવી હતી. એડ કેમ્પેઈન ભાજપની સરખામણીમાં આગળની વિચારસરણીવાળું હતું
કોંગ્રેસની જાહેરાતો અને પ્રચારની વિચારસરણી અલગ હતી, જ્યારે ભાજપનું મીડિયા સેલ હજુ પણ કોંગ્રેસ પર જૂની શૈલીમાં પ્રહારો કરી રહ્યું હતું. બીજેપીનું એડ કેમ્પેઈન લોકોને ધાર્મિક આધાર પર વિભાજિત કરી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસનું એડ કેમ્પેઈન મોહબ્બતની દુકાનથી પ્રેરિત હતું. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પર પણ આકરા પ્રહારો ચાલુ રહ્યા. એ પણ ધ્યાન આપવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસના કેમ્પેઈનમાં ભાજપના કેમ્પેઈન અને વડાપ્રધાનના ભાષણોને મુદ્દો બનાવીને તેને કેવી રીતે બિનઅસરકારક કરી શકાય. જેમ કે પીએમ મોદીનું મંગળસૂત્ર છીનવી લેશે તેવું નિવેદન, પીએમના 400 પ્લસના નારા વગેરેને સામાન્ય લોકોના અધિકારો સાથે જોડી દેવામાં આવ્યા. કોંગ્રેસના બંધારણ બચાવો અને અનામત બચાવવાના અભિયાને હકીકતમાં લોકોને ડરાવી દીધા હતા કે જો ફરી ભાજપની સરકાર આવશે તો બધું તબાહ થઈ જશે. હાથ બદલેગા હાલાત, કોંગ્રેસ કા હાથ-આમ આદમી કે સાથ જેવા નારા લોકોમાં લોકપ્રિય બન્યા. આ સાથે જ મેરે વિકાસ કા દો હિસાબ, સબ ઠીક નહીં હૈં જેવા નારા બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારની વાતો કરતા-કરતા લોકોના દિલમાં ઉતરી ગયા. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વિશેષ મુદ્દાઓ જેમ કે પાંચ ન્યાય, મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા, જાતિની વસ્તી ગણતરી, યુવાનોને રોજગાર વગેરે એવી રીતે ઘડવામાં આવ્યા કે તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા હતા. કોંગ્રેસની ધૂન પર નાચી રહ્યું હતું ભાજપનું આઈટી સેલ
આ સમય દરમિયાન સૌથી મહત્વની વાત એ હતી કે કોંગ્રેસ ક્યારેય પણ ભાજપે સેટ કરેલા ગોલ પર રમતી નહોતી, પરંતુ તેનાથી ઉલટું, ભાજપ પોતે કોંગ્રેસ મીડિયા સેલના ઈશારે નાચતું હતું. ઘણી વાર એવું થયું કે કોંગ્રેસના લોકોએ અધૂરી માહિતી સાથે ભાજપ પર કોઈ પણ આરોપ લગાવી દીધો તેના પછી ભાજપના મંત્રીઓ તેનો જવાબ આપતા રહેતા હતા. ઘણી વખત એવું પણ બન્યું કે ભાજપનું એડ કેમ્પેઈન કોંગ્રેસની જાહેરાત અને હુમલાનો જવાબ તેવી જ ભાષામાં આપતું હતું. મતલબ સ્પષ્ટ હતો કે ભાજપનું આઈટી સેલ કોંગ્રેસના આઈટી સેલના હાથમાં રમી રહ્યું હતું. જે રીતે બાપ બાપ હી હોતા હૈં સિરીઝમાં કોંગ્રેસે નેહરુ અને મોદીની સરખામણી કરી તો ભાજપનું મીડિયા સેલે એકદમ તેવા અંદાજમાં મોદીને પાવરફુલ બતાવવાનું શરૂ કર્યું હતું. ભાજપની પાપાવાળી એડને તો બરબાદ કરી દીધી કોંગ્રેસના આઈટી સેલે. ભારતીય જનતા પાર્ટીની 'વૉર રુકવા દિયા' જાહેરાતના સંદર્ભમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની એક્સ પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક છોકરી પીએમ મોદી પર કટાક્ષ કરતા કહેતી હતી, વૉર રુકવા દિયા... તે અમને નોકરી કેમ નથી આપતા? આગળ આ યુવતી કહે છે કે પરંતુ ઈમેજ તો એવી જ બનાવવામાં આવી રહી છે કે પીએમ મોદીએ વૉર રુકવા દિયા થા? તેના પર યુવતીએ કહ્યું- અરે, આ બધો પ્રોપેગેન્ડા છે. ઈલેક્ટોરલના પૈસા છે. ક્યાંક તો ઉપયોગ થશે. કોઇ એક્ટરને ઉભી કરીને બેટી બનાવી દેશે અને કહેડાવશે કે વૉર રુકવા દિયા. PM મણિપુરમાં રમખાણો કેમ નથી અટકાવતા અને લદ્દાખ તરફ કેમ જોતા નથી? પાછળથી, આ પા-પા વાળી જાહેરાતના એટલા બધા મીમ્સ બનાવવામાં આવ્યા કે ભાજપે આ જાહેરાતને બંધ જ કરી દીધી. આ રીતે એડ કેમ્પેઈનની હારે એ નક્કી કરી દીધું હતું કે ચૂંટણી કઈ દિશામાં જઈ રહી છે. આ બધાનું પરિણામ એ આવ્યું કે 2021 સુધીમાં યુટ્યુબ પર રાહુલ ગાંધીના 5 લાખ સબસ્ક્રાઇબર્સ હતા જે 7.2 મિલિયન સુધી પહોંચી ગયા. એ જ રીતે ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 1.7 મિલિયનથી વધીને 9.4 મિલિયન થઈ ગઈ. રાહુલની બે યાત્રાઓને ઘણી રીતે પ્લાન કરવામાં આવી આ પહેલા રાહુલ ગાંધીની બંને ભારત જોડો યાત્રાઓને તેમના મેકઓવર માટે ખૂબજ સુંદર રીતે પ્લાન કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4000 કિલોમીટરની આ યાત્રા ખૂબ જ ચર્ચામાં રહી હતી. તેનાથી પણ વધુ ચર્ચા તેમની અસ્તવ્યસ્ત દાઢીની હતી, જેની તુલના ક્યારેક સદ્દામ હુસૈન, કાર્લ માર્ક્સ અને ક્યારેક ફોરેસ્ટ ગમ્પ સાથે કરવામાં આવી. નિષ્ણાંતોનું માનવું છે કે આ યાત્રાએ થોડાક અંશે રાહુલની ઈમેજ બદલવામાં મદદ કરી. હકીકતમાં, રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાનો અજાણ્યો હેતુ તેમની છબી બદલવાનો હતો, જેના માટે કોંગ્રેસ પાર્ટીએ ઘણો ખર્ચ કર્યો હતો. એટલા સુધી કે પાર્ટી તંત્ર પણ આ સમગ્ર યાત્રાથી લગભગ અલગ હતું. એનજીઓ, જાહેરાત અને પીઆર એજન્સીઓ અને ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ પર વધુ વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન રાહુલ શું કહેશે, શું પહેરશે, કોને મળશે, કેવા કેવા વીડિયો બનશે, કેવા પ્રકારના ફોટો મીડિયાનો ફ્લો હશે બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેનું પરિણામ એ આવ્યું કે રાહુલ ગાંધી એક એવા નેતા તરીકે ઉભરી આવ્યા જે કહી શકે છે કે તે દેશની નાડી સમજે છે. એડવર્ટાઇઝિંગ દિગ્ગજ પ્રહલાદ કક્કડ કહે છે કે ભારત જોડો યાત્રા તેમની ઇમેજ મેકઓવર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને આખરે તેમને ઘણી હદ સુધી સ્વીકૃતિ મળી ગઈ છે. ભારત જોડો યાત્રાની લગભગ આખી યાત્રા દરમિયાન સફેદ ટી-શર્ટ પહેરીને જોવા મળેલા રાહુલે બધાને ચોંકાવી દીધા છે. તેમનું કહેવું છે કે આ દાઢીના કારણે જ રાહુલ ગાંધી એક પરિપક્વ માણસમાં પરિવર્તિત થઈ ગયા છે. આવો હવે જાણીએ કે રાજકીય પાર્ટીના આઈટી સેલ કેવી રીતે કામ કરે છે? રાજકીય પક્ષોના આઈટી સેલ આઈટી સેવાઓ પૂરી પાડવા અને ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવામાં નિપુણતા પ્રદાન કરે છે, પરંતુ તેની સાથે તે રાજકીય કાર્યકરોને પણ ટેકનિકલ સહાય પ્રદાન કરે છે. આ સેલમાં વિવિધ વિભાગો કામ કરે છે. ડેટા એનાલિટિક્સ: રાજકીય પક્ષોના આઈટી સેલ ડેટા એનાલિટિક્સનું કામ કરે છે, કારણ કે તે નાગરિકોની રુચિઓ, વિચારો અને વોટિંગ પેટનર્સને સમજી શકે. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ: રાજકીય પક્ષોના આઇટી સેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું સંચાલન કરે છે, જે રાજકીય સંદેશા અને અભિયાનના પ્રસાર માટે મહત્વપૂર્ણ હોય છે. ઈમેઈલ અને મેસેજ મેનેજમેન્ટઃ આ સેલનો ઉપયોગ કરીને ઈમેઈલ અને અન્ય મેસેજનું સંચાલન કરવામાં આવે છે, જે ચૂંટણી પ્રચાર અને સંગઠનાત્મક કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ડિજિટલ માર્કેટિંગ: રાજકીય પક્ષોના આઈટી સેલ ડિજિટલ માર્કેટિંગ કાર્યક્રમો પણ ચલાવે છે જેમાં ઑનલાઇન જાહેરાતો અને અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. મતદાર ડેટા મેનેજમેન્ટ: આઈટી સેલ મતદારોના ડેટાનું મેનેજમેન્ટ કરે છે, જે રાજકીય પક્ષોના ચૂંટણી અભિયાન માટે ખૂબજ મહત્વપૂર્ણ હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.