રાહુલ ગાંધીના બેવડા ધોરણ : ટીકાની તક ચૂકવી નહી પણ રોકાણ માટે લાલ જાજમ
- કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં અંબાણી-અદાણી રૂ.1.68 લાખ કરોડ સાથે સૌથી મોટું રોકાણકાર - ઉદ્યોગપતિઓની ટીકા કરવાનો મોકો નહી ચૂકતા રાહુલ ગાંધીના પક્ષની સરકાર છે ત્યાં કુલ રોકાણમાં અંબાણી - અદાણીનો 18 ટકા હિસ્સો નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી માટે જ નરન્દ્રમોદી સરકાર કામ કરે છે, અદાણી અને અંબાણી માટે જ સરકારની નીતિઓ ઘડાયેલી હોય છે એવો સતત રાગ આલાપે છે. આટલી ટીકા વચ્ચે કોંગ્રેસના શાસન હેઠળના રાજસ્થાનમાં સૌથી મોટા ઉદ્યોગ રોકાણકાર તરીકે દેશના આ બન્ને ટોચના ધનિક હોવાના આંકડા માહિતી અધિકાર હેઠળ બહાર આવ્યા છે. આ આંકડા અનુસાર આ બન્ને કોર્પોરેટ ગૃહ દ્વારા ડિસેમ્બર ૨૦૨૧ અને માર્ચ૨૦૨૨ વચ્ચે રાજસ્થાન રાજ્યમાં કુલ રૂ.૧.૬૮ લાખ કરોડનું મૂડીરોકાણ કરવા માટે સહમતિપત્ર હેઠળ કરાર કર્યા છે.રાજસ્થાનમાં ચાર મહિનામાં રજૂ થયેલા કુલ રોકાણ સહમતિપત્રોમાં રૂ.૯,૪૦,૪૫૩ કરોડનું મૂડીરોકાણ થવાનું છે તેમાંથી આ બન્ને ઉદ્યોગપતિઓએ ૧૮ ટકા માટે કટિબદ્ધતા દાખવી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર દ્વારા સ્થાનમાં રૂ.૧,૦૦,૦૦૦ કરોડ માટે તૈયારીઓ શરુ કરવામાં આવી છે. બીજી તરફ, ગૌતમ અદાણી જૂથની વિવિધ કંપનીઓમાંથી અદાણી ગ્રીને રૂ.૬૦,૦૦૦ કરોડ, અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રૂ.૫,૦૦૦ કરોડ, અદાણી ટોટલ ગેસ દ્વારા રૂ.૩૦૦૦ કરોડ અને અદાણી વિલ્મારે રૂ.૨૪૬ કરોડ માટે તૈયારી દાખવી હોવાનું આ માહિતીમાં બહાર આવ્યું છે. રાહુલ ગાંધીએ નામ લીધા વગર જણાવ્યું હતું કે મોદી સરકાર પોતાના મિત્રોએ ૫૦ વર્ષ માટે એરપોર્ટ આપવા તૈયાર છે જયારે દેશના યુવાનોને ચાર વર્ષની કોન્ટ્રાક્ટ જોબ જ આપે છે. અગ્નિપથ યોજના હેઠળ નિવેદન આપતા રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે મોદી સરકાર અગ્નિવીર નહી પણ પોતાના મિત્રોને દૌલતવીર બનાવવા માટે પ્રયત્નશીલ છે. અગાઉ, લોકસભામાં એક ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ આ બન્ને ઉદ્યોગોને દેશમાં એકહથ્થુ ધંધો કરવાનો મોનોપોલી ફેલાવવા માટે ડબલ એ વેરિએન્ટ તરીકે પણ ઉલ્લેખ્યા હતા. જોકે, મૂડીરોકાણ આકર્ષવામાં કોંગ્રેસની રાજ્ય સરકારને આવો કોઈ બાધ નડતો નથી. રાજસ્થાનમાં મૂડીરોકાણ આકર્ષવા માટે અશોક ગેહલોતના વડપણ હેઠળની સરકારે ઇન્વેસ્ટ રાજસ્થાન અંતર્ગત વિવિધ ઉદ્યોગોને રાજ્યમાં ઇન્વેસ્ટ કરવા માટે એક ખાસ સમિટનું આયોજન કરે છે. આ વખતે જાન્યુઆરીમાં આ સમિટ કોરોનાના કારણે રદ્દ કર્યું હતું અને હવે જયપુર ખાતે ઓક્ટોબરમાં યોજવા માટે તૈયારી ચાલી રહી છે તેના ભાગ રૂપે અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી સાથે ગેહલોતે મુલાકાત પણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.