રાહુલે કહ્યું- ભાગવતનું નિવેદન દેશદ્રોહ:ક્યાંય બીજે બોલ્યા હોત તો તેમની ધરપકડ થાત; RSS ચીફ બોલ્યા હતા- સાચી આઝાદી રામલલ્લાના જીવનમાંથી મળી
કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું- મોહન ભાગવત કહી રહ્યા છે કે 1947માં ભારતને સાચી આઝાદી મળી ન હતી. મોહન ભાગવતની આ ટિપ્પણી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું તેમજ દરેક ભારતીય નાગરિકનું અપમાન છે. ભાગવતની ટિપ્પણી આપણા બંધારણ પર હુમલો સમાન છે. કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું- મોહન ભાગવત દર બે-ત્રણ દિવસે પોતાનાં નિવેદનો દ્વારા દેશને જણાવતા રહે છે કે તેઓ સ્વતંત્રતા ચળવળ અને બંધારણ વિશે શું વિચારે છે. તેમણે તાજેતરમાં જે કહ્યું એ દેશદ્રોહ છે, કારણ કે તેમના નિવેદનનો અર્થ એ છે કે બંધારણની કોઈ માન્યતા નથી. રાહુલે કહ્યું હતું કે ભાગવતના મતે અંગ્રેજો સામે આઝાદીની લડાઈનું કોઈ મહત્ત્વ નથી. જો મોહન ભાગવતે આવાં નિવેદનો અન્ય કોઈ દેશમાં આપ્યાં હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત. તેમની સામે કેસ પણ કરવામાં આવત. હકીકતમાં ભાગવતે 13 જાન્યુઆરીએ ઈન્દોરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની તારીખને 'પ્રતિષ્ઠા દ્વાદશી' તરીકે ઊજવવી જોઈએ, કારણ કે સદીઓથી દુશ્મનોના હુમલાનો સામનો કરી રહેલા દેશને સાચી આઝાદી આ દિવસે મળી હતી. રાહુલે કહ્યું- આપણી પાસે કૃષ્ણ, નાનક, બુદ્ધ, કબીર, શું આ બધી RSSની વિચારધારા છે? ગઈકાલે આપણી વિચારધારા સામે આવી ન હતી. આપણી વિચારધારા હજારો વર્ષ જૂની છે. એ હજારો વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિચારધારા સામે લડી રહ્યું છે. આપણી પાસે આપણાં પોતાનાં પ્રતીકો છે. આપણી પાસે શિવ છે. આપણી પાસે ગુરુ નાનક છે. આપણી પાસે કબીર છે. આપણી પાસે મહાત્મા ગાંધી છે. તે બધા આપણને દેશને સાચો રસ્તો બતાવે છે. શું ગુરુ નાનક સંઘની વિચારધારા છે? શું બુદ્ધ સંઘની વિચારધારા છે? શું ભગવાન કૃષ્ણ સંઘની વિચારધારા છે? આમાંથી કોઈ નહીં. તે બધા લોકો સમાનતા અને ભાઈચારા માટે લડ્યા. રાહુલે RSS અને કોંગ્રેસની વિચારધારા વચ્ચેનો તફાવત સમજાવ્યો
રાહુલે કહ્યું- એવું ન વિચારો કે આપણે ન્યાયી લડાઈ લડી રહ્યા છીએ. આમાં કોઈ ન્યાયીપણું નથી. જો તમે માનતા હોવ કે આપણે ભાજપ કે RSS નામના રાજકીય સંગઠન સામે લડી રહ્યા છીએ, તો તમે સમજી શકતા નથી કે શું ચાલી રહ્યું છે. આ બે વિચારો વચ્ચેનો સંઘર્ષ છે. એક તરફ આપણો દૃષ્ટિકોણ છે, જે બંધારણનો દૃષ્ટિકોણ છે અને બીજી તરફ RSSનો દૃષ્ટિકોણ છે, જે એનાથી વિરુદ્ધ છે. રાહુલે ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા
રાહુલે કહ્યું- આજે બધી તપાસ એજન્સીઓને ફક્ત આ જ કામ સોંપવામાં આવ્યું છે કે તેઓ વિપક્ષી નેતાઓને ઘેરી લે અને તેમને જેલમાં મોકલે. આજે ચૂંટણીપંચે પણ પોતાને શુદ્ધ કરવાની જરૂર છે. ચૂંટણીપંચે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીનો ડેટા પણ આપવો જોઈએ, પરંતુ ચૂંટણીપંચ તેને અવગણી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આપણે કેવી રીતે વિશ્વાસ કરી શકીએ કે ચૂંટણી પ્રણાલી સાચી છે. ચૂંટણીપંચે સાબિત કરવું જોઈએ કે ચૂંટણીઓ પારદર્શક રીતે થઈ રહી છે, પરંતુ આવું થતું નથી. ખડગે અને સોનિયાએ એનું ઉદ્ઘાટન કર્યું સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ નવા કોંગ્રેસ મુખ્યાલય 'ઇન્દિરા ગાંધી ભવન'નું ઉદ્ઘાટન કર્યું. 9A, કોટલા રોડ, નવી દિલ્હી હવે કોંગ્રેસ પાર્ટીનું નવું સરનામું છે. પાર્ટીએ લગભગ 46 વર્ષ પછી પોતાનું સરનામું બદલ્યું છે. અગાઉ જૂની ઓફિસ 24, અકબર રોડ ખાતે હતી. નવી ઓફિસનો શિલાન્યાસ 2009માં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો. એ ભાજપ મુખ્યાલયથી 500 મીટર દૂર છે. એને બનાવવામાં 252 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ભાજપ કાર્યાલય દોઢ વર્ષમાં બનાવવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.