રાફેલ મરીન જેટ ડીલ- ફ્રાન્સે રકમ ઘટાડી:ભારતને 26 જેટ માટે અંતિમ ઓફર મોકલી; હિંદ મહાસાગરમાં INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે
ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન જેટ ખરીદવાનો સોદો લગભગ ફાઈનલ થઈ ગયો છે. ફ્રાન્સે ભારતને ડીલની અંતિમ કિંમત ઓફર કરી છે. આ વખતે ફ્રાન્સે રકમમાં ઘટાડો કર્યો છે. 26 રાફેલ મરીન જેટની ખરીદીને લઈને ઘણા મહિનાઓથી બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. જો કે, ફાઇનલ ડીલની કિંમત કેટલી હશે તે અંગેની માહિતી બહાર આવી નથી. ભારત નૌકાદળ માટે રાફેલ-M ડીલની મૂળ કિંમત એ જ રાખવા માગે છે જે તેણે 2016માં એરફોર્સ માટે 36 એરક્રાફ્ટ ખરીદતી વખતે રાખી હતી. આ ડીલની કિંમત 50 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાની આશા છે. ચર્ચાનો પ્રથમ રાઉન્ડ જૂન 2024માં થયો હતો
26 રાફેલ-એમ ફાઇટર જેટ ખરીદવાની ડીલ પર ચર્ચાનો પ્રથમ રાઉન્ડ ગયા મહિને શરૂ થયો હતો. ત્યારબાદ ફ્રાન્સની સરકાર અને દસોલ્ટ કંપનીના અધિકારીઓએ સંરક્ષણ મંત્રાલયની કોન્ટ્રાક્ટ નેગોશિયેશન કમિટી સાથે ચર્ચા કરી હતી. જો રૂ. 50 હજાર કરોડની આ ડીલ ફાઇનલ થાય છે તો ફ્રાન્સ રાફેલ-એમ જેટ સાથે હથિયારો, સિમ્યુલેટર, ક્રૂ માટે તાલીમ અને લોજિસ્ટિક્સ સપોર્ટ પણ આપશે. ગયા વર્ષે પીએમ મોદીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન આ ડીલની જાણકારી સૌથી પહેલા સામે આવી હતી. આ પછી, સંરક્ષણ મંત્રાલયે વિનંતીનો પત્ર જાહેર કર્યો, જેને ફ્રાન્સે ડિસેમ્બર 2023માં સ્વીકાર્યો. આ ડીલમાં બીજું શું-શું સામેલ હશે
ફ્રેન્ચ ઓફરમાં ફાઈટર જેટ પર ભારતીય શસ્ત્રોને એસેંબલ કરવા માટેના પેકેજનો સમાવેશ થાય છે. આ શસ્ત્રોમાં એસ્ટ્રા એર-ટુ-એર મિસાઇલ, એરક્રાફ્ટ કેરિયર્સથી ઓપરેટ કરવા માટે જેટમાં ઈન્ડિયન સ્પેસિફિક લેંડિંગ ઈક્વિટમેન્ટ અને જરૂરી સાધનોનો સમાવેશ થાય છે. ફ્રાન્સે ટ્રાયલ દરમિયાન ભારતીય એરક્રાફ્ટ કેરિયર્સમાંથી રાફેલ જેટના લેન્ડિંગ અને ટેક-ઓફ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે, પરંતુ રિયલ ટાઈમ ઓપરેશન માટે કેટલાક વધુ સાધનોનો ઉપયોગ કરવો પડશે. આ પણ ભારતની ડીલનો એક ભાગ હશે. રાફેલ મરીન જેટ હિન્દ મહાસાગરમાં તહેનાત કરવામાં આવશે
નૌકાદળ માટે ખરીદવામાં આવી રહેલા 22 સિંગલ સીટ રાફેલ-એમ જેટ અને 4 ડબલ ટ્રેનર સીટ રાફેલ-એમ જેટને હિન્દ મહાસાગરમાં ચીનનો સામનો કરવા માટે INS વિક્રાંત પર તહેનાત કરવામાં આવશે. ભારતીય નૌકાદળ આ એરક્રાફ્ટને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં INS ડેગા ખાતે તેના હોમ બેઝ તરીકે તહેનાત કરશે. નૌકાદળના ડબલ-એન્જિન જેટ સામાન્ય રીતે વિશ્વભરના હવાઈ દળો દ્વારા ઉપયોગમાં લેવાતા સમાન વિમાનો કરતાં વધુ ખર્ચાળ હોય છે કારણ કે દરિયામાં ઓપરેશન માટે જરૂરી વધારાની ક્ષમતાઓ છે. આમાં કેરિયર્સ પર લોડિંગ માટે ઉપયોગમાં લેવાતા લેન્ડિંગ ગિયરનો પણ સમાવેશ થાય છે. શું છે રાફેલ મરીન જેટની ખાસિયતો... પ્રથમ બેચને 2-3 વર્ષ લાગી શકે છે, એરફોર્સ માટે એરક્રાફ્ટ આવતાં 7 વર્ષ લાગ્યાં હતા
INS વિક્રાંતનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ફાઇટર ઓપરેશનનું પરીક્ષણ કરવાનું બાકી છે. ડીલ સીલ થયા પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી ટેકનિકલ અને ખર્ચ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે, રાફેલ નૌકાદળ માટે પણ યોગ્ય છે કારણ કે વાયુસેનાએ રાફેલની જાળવણી સાથે સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. આ નેવી માટે પણ ઉપયોગી થશે. આનાથી ઘણા પૈસાની બચત થશે. સૂત્રોનું કહેવું છે કે રાફેલ-એમની પ્રથમ બેચ આવવામાં 2-3 વર્ષ લાગી શકે છે. એરફોર્સ માટે 36 રાફેલની ડીલ 2016માં થઈ હતી અને તેને ડિલિવરી પૂરી કરવામાં 7 વર્ષ લાગ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.