મહાપાલિકા 100 કરોડના બોન્ડનો ઈસ્યૂ બહાર પાડવા તૈયાર - At This Time

મહાપાલિકા 100 કરોડના બોન્ડનો ઈસ્યૂ બહાર પાડવા તૈયાર


એક બોન્ડ સફળ થયા બાદ રિવરફ્રન્ટ સુધીના પ્રોજેક્ટ માટે ગ્રાન્ટને બદલે બજારમાંથી પૈસા મળશે

રાજકોટ સહિતની રાજ્યની મહાપાલિકાઓ હાલ રાજ્ય સરકારની ગ્રાન્ટ આધીન જ કામ કરે છે. સરકારી ગ્રાન્ટ સિવાય વેરા વસૂલાતની આવક છે પણ તે ખૂબ જ ઓછી હોય છે જેને લઈને આવકના નવા સ્રોત માટે અલગ અલગ વિચારણાઓ કર્યા બાદ મ્યુનિસિપલ બોન્ડનો વિચાર દરેક મહાનગરપાલિકા કર્યો છે. જે પૈકી રાજકોટ મહાનગરપાલિકા પણ તેમાં સ્થાન લેવાની છે. જેની શરૂઆત 100 કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડવાથી થશે.

મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર 100 કરોડ રૂપિયાના બોન્ડ 5 વર્ષની પાકતી મુદતના હશે. આ માટે લિસ્ટિંગ થશે એટલે જે પણ સંસ્થા કે વ્યક્તિ ઓછામાં ઓછું વાર્ષિક વ્યાજ દર ઓફર કરશે તેને બોન્ડ આપવામાં આવશે. આ બોન્ડનું પાછળથી ટ્રાન્ઝેક્શન પણ થઈ શકશે. મનપાને આ 100 કરોડ રૂપિયા મળશે એટલે નિયમિત વ્યાજની ચૂકવણી પણ કરાશે. સેબીમાં બોન્ડ બહાર પાડવાથી ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ માટે દ્વાર ખૂલી જશે. જેમ કે લાયન સફારી પાર્ક કે પછી રિવરફ્રન્ટ જેટલો મોટો પ્રોજેક્ટ હોય તે માટે પણ બોન્ડ બહાર પાડી શકાશે. જેને લઈને સરકારી ગ્રાન્ટ આવે છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે વાપરી શકાશે અને અન્ય પ્રોજેક્ટ બોન્ડ પરથી બનાવીને સરકાર પરનું પણ ભારણ ઘટાડી નાખવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ 150 કરોડ રૂપિયા નક્કી કર્યા હતા પણ હાલ તેટલી રકમને બદલે 100 કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડવા નક્કી કરાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.