રાજકૉટ :ફટાકડા સ્ટોલ 212 માંથી 67 અરજી મંજૂર
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ બાંધકામ અને ફાયર સેફટીના નિયમોનો આકરો અમલ કરાવવા મહાપાલિકા પ્રયાસો કરી રહી છે ત્યારે હવે દિવાળીના તહેવારોમાં પણ નાના મોટા ધંધાર્થીઓને આ નિયમોના કડક અનુભવ થાય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે રાજકોટમાં નાની મોટી દુકાનોમાં લાખો રૂપિયાના ફટાકડા વેંચાય છે, તો અનેક બજારોમાં છુટક ફટાકડા માર્કેટ ભરાતી હોય છે પરંતુ હવે ફાયર સેફટી વગરના સ્થળોએ ફટાકડા વેંચવા મંજૂરી ન આપવા નકકી કરાયું હોય, આવી છુટક બજાર ભરાશે કે કેમ તે પ્રશ્ન છે.
મહાપાલિકા તો જોખમી સ્થળે એનઓસી આપવાની નથી. તો પોલીસ તંત્ર મંજૂરી આપવામાં સખ્ત વલણ અપનાવે છે. કોઇપણ રીતે જાહેર સલામતીના ભોગે ફટાકડા વેચવા દેવા નહીં આવે તેવું અધિકારી સુત્રો કહી રહ્યા છે.
દર વર્ષે રાજકોટમાં આસો મહિનામાં ફટાકડાના જથ્થાબંધ ખરીદ-વેચાણ થવા લાગે છે. તે બાદ છેલ્લા દિવસોમાં છુટક ફટાકડા બજાર ભરાય છે. વર્ષોથી જુદા જુદા વિસ્તારમાં ફટાકડાના સ્ટોર પણ ઉભા કરવામાં આવે છે. કેટલાક મેદાન અને ચોકમાં ફટાકડા વેંચાતા હોય છે. ત્યાં દેખીતી નજરે ફાયર સેફટીના સાધનો હોય છે પરંતુ તંત્રવાહકો નાના ધંધાર્થીઓની રોજી ધ્યાને રાખી નિયમોની અમલવારી હળવી રાખે છે.
આ વખતે મનપા કે પોલીસ તંત્ર આવી કોઇ રહેમ રાખે તેવું લાગતું નથી. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડમાં ગત વર્ષની સરખામણીએ અડધી અરજીઓ આવ્યાનું જાણવા મળ્યું છે.
ફટાકડાના સ્ટોલ માટે અત્યાર સુધીમાં 212 જેટલી અરજી આવી છે. આ પૈકી અત્યાર સુધીમાં માત્ર 67 દુકાનદારોની અરજી મંજૂર કરવામાં આવી છે. અન્ય અરજીઓ ચકાસણીમાં અથવા પૂરતી સલામતી સુવિધાના વાંકે પેન્ડીંગ રહેલી છે. જુદા જુદા આઠ ફાયર સ્ટેશનમાં વિસ્તારવાઇઝ ફટાકડાના ધંધા માટે અરજી સ્વીકારવામાં આવે છે.
તેના પર નજર કરીએ તો કનક રોડ એટલે કે મનપા મુખ્ય કચેરી પાછળના સૌથી જુના ફાયર સ્ટેશનમાં આવેલી 47 પૈકી 30 અરજી મંજૂર થઇ છે. કોઠારીયા સ્ટેશનમાં 28 પૈકી 6, કાલાવડ રોડ સ્ટેશનમાં 20 પૈકી 4, મોરબી રોડ 19 પૈકી 5 અને રેલનગર સ્ટેશનમાં 26 પૈકી રર અરજી મંજૂર કરાઇ છે.
જયારે બેડીપરા ફાયર સ્ટેશનમાં 25, મવડીમાં 35 અને રામાપીર ચોક ફાયર સ્ટેશનમાં થયેલી 12 પૈકી કોઇ અરજીને હજુ મંજૂરી અપાઇ નથી. ફાયર એનઓસી હોય તે દુકાનને પોલીસની મંજૂરી મળે છે. કોર્પો.માં હજુ આ કામગીરી ધીમી ગતિએ ચાલે છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ ઓછો પડતો હોય, અરજીના વેરીફીકેશનમાં વધુ સમય જઇ રહ્યો છે. જે અગાઉના વર્ષોમાં ખુબ ઓછો (ધડાધડ) ચાલતો હતો. માત્ર કોર્પો. બિલ્ડીંગ પાછળના કનક રોડ ફાયર સ્ટેશનના બદલે વિસ્તારવાઇઝ અરજી કરવા વિભાગ દ્વારા ધંધાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.