આગામી બજેટમાં રાજકોટ માટે બે મહત્વની જોગવાઈ હશે
રાજય સરકારના આગામી બજેટમાં રાજકોટ માટે બે મહત્વની જોગવાઈ હશે. જેમાં રૈયા ખાતે પદ્મકુંવરબા હોસ્પિટલ અને માધાપર ખાતે ગ્રામ્ય અને સિટી-2 પ્રાંત કચેરી માટે નાણાની ફાળવણી કરવામાં આવનાર છે. જૂની કલેકટર કચેરીમાં બેસતી શહેર પ્રાંત-2 અને રાજકોટ ગ્રામ્ય પ્રાંત કચેરીના સ્થળાંતર કરવામાં આવશે. આ બન્ને કચેરી માટે જામનગર રોડ ઉપર માધાપર નજીક નવા સેવા સદન બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે.જૂની કલેકટર કચેરીમાં અત્યારે સીટી-1 પ્રાંત, સીટી-2 પ્રાંત, સબ રજિસ્ટ્રાર, તાલુકા મામલતદાર, પૂર્વ મામલતદાર, ગ્રામ્ય પ્રાંત સહિતની કચેરીઓ કાર્યરત છે. તેમાંથી હવે સીટી-2 અને ગ્રામ્ય પ્રાંત માટે જામનગર રોડ ઉપર 5000 ચોરસમીટર જમીનમાં નવા સેવા સદન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં કેન્દ્રીય ચુંટણી પંચના ઈવીએમનું ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેની બાજુમાં જ અદ્યતન સેવા સદન બનાવવામાં આવનાર છે. ઈવીએમ ગોડાઉન પાસે કલેકટર તંત્ર હસ્તકના બે મોટા પ્લોટ ખાલી પડ્યા છે. તેમાં નવી કચેરી બનાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.
જૂની કલેકટર કચેરીમાંથી બે કચેરીનું સ્થળાંતર થતાં હવે માત્ર ત્યાં મામલતદાર અને સિટી પ્રાંત-1 કચેરી જ કાર્યરત રહેશેે. બાકી જૂની કલેકટર કચેરીના બિલ્ડીંગો ખાલી પડનાર છે. આ બન્ને નવી કચેરીના નિર્માણ માટે રાજ્યસરકાર આગામી બજેટમાં જોગવાઈ કરશે.
આ ઉપરાંત રાજકોટની આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલમાં દૂરથી દર્દીઓ આવી રહ્યા હોવાથી આ પ્રકારની બીજી નવી વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે નિર્ણય લીધો છે અને તે માટે પધ્મકુંવરબા હોસ્પિટલ પાર્ટ-ટુ રૈયામાં બનાવવાનો નિર્ણય કરાયો છે. પદ્મકુંવરબા સિવિલ હોસ્પિટલ માટે 10 હજાર ચો.મી. જમીનની ફાળવણી કરી છે. જ્યાં રૈયામાં આવેલી સરકારી ખરાબાની જમીન ફાળવવાનો હાલ નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવનાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.