મવડી ચોકડી પાસે બે બાઇકને ઉલાળી કાર વીજપોલ સાથે અથડાઇ, થાંભલો તૂટી ગયો - At This Time

મવડી ચોકડી પાસે બે બાઇકને ઉલાળી કાર વીજપોલ સાથે અથડાઇ, થાંભલો તૂટી ગયો


રાજકોટમાં બેફામ ગતિએ દોડતાં વાહનોની સ્પીડ કાબૂમાં લેવામાં પોલીસ નિષ્ફળ

શહેરના મવડી ચોકમાં મંગળવારે રાત્રીના પૂરપાટ ઝડપે નીકળેલી કારે બે બાઇકને ઉલાળ્યા હતા. મવડી ચોકડી પાસેના સિદ્ધિ આઇકોનમાં રહેતા પ્રફુલભાઇ મગનભાઇ નામના 50 વર્ષના પ્રૌઢ બાઇક ચલાવીને જતા હતા અને મવડી ચોકડી નજીક સંજીવની હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા ત્યારે એક આઇ-20 કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને પ્રફુલભાઇને ઉલાળ્યા હતા. થોડે દૂર જઇ અન્ય એક બાઇકને પણ ઠોકર મારી હતી.

બબ્બે બાઇકને ઠોકર માર્યા બાદ ચાલક આગળ વધ્યો હતો અને કાર વીજથાંભલા સાથે અથડાવી હતી. કારની સ્પીડ એટલી હતી કે વીજથાંભલો કારની ટક્કરથી ધરાશાયી થઇ ગયો હતો. થાંભલો પડતાં કાર ઊભી રહી ગઇ હતી. લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, કારચાલક નશાખોર હાલતમાં હતો જેથી કાર બેફિકરાઇથી ચલાવતો હતો. પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.