પોરબંદર શહેર અને ગ્રામ્યપંથકમાં વીજ સમસ્યા બની ગંભીર - At This Time

પોરબંદર શહેર અને ગ્રામ્યપંથકમાં વીજ સમસ્યા બની ગંભીર


પોરબંદર શહેર અને ગ્રામ્યપંથકમાં વીજ સમસ્યા બની ગંભીર

ઉદ્યોગનગર, બગવદર અને કોસ્ટલ સબડિવિઝનમાં ફરિયાદો વધીઃ રાણાવાવ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પણ લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાનઃ બરડા પંથકની કાંઠાળ પટ્ટી ઉપર પણ વીજ ધાંકીયા વધ્યા: પૂરતા પ્રમાણમાં સ્ટાફની નિમણૂંક કરવા ભાજપ અગ્રણી દ્વારા ઉર્જામંત્રીને થઈ રજૂઆત

પોરબંદર શહેર અને ગ્રામ્યપંથકમાં વીજ સમસ્યા ગંભીર બની છે અને ભાજપ અગ્રણી દ્વારા તે અંગે ઉર્જામંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.

પોરબંદરના ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાએ ઉર્જામંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી જુદાજુદા વિસ્તારોમાં વીજળીની સમસ્યા ગંભીર બની છે. કોસ્ટલ સબડિવિઝનમાં વારંવાર વીજ વિક્ષેપ સર્જાય છે તો ઉદ્યોગનગર સબડિવિઝનમાં પણ વારંવાર ખામીઓ સર્જાય છે તેવી જ રીતે જ્યોતિગ્રામ ફીડરમાં પણ વારંવાર ફોલ્ટ હોવાને લીધે પોરબંદર જિલ્લાભરના લોકો હેરાન પરેશાન બની ગયા છે. તેમણે જણાવ્યુ હતુ કે બરડા પંથકના મોટાભાગના ગામડાઓમાં હાલ વીજળીની ખાસ જરૂરિયાત છે ત્યારે જ સમયસર અને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી જેના કારણે ગ્રામજનો ખૂબજ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે તો બીજી બાજુ શહેરના રોકડીયા હનુમાન મંદિર પાછળની સોસાયટીઓ, ઉદ્યોગનગર વિસ્તાર, ગાયત્રી મંદિર આસપાસનો વિસ્તાર, ખાપટ, બોખીરા, સીતારામનગર, સુભાષનગર, કોલખડા સહિત આજુબાજુનો વાડી વિસ્તાર, ઝુંડાળા, કડિયાપ્લોટ, મીલપરા વગેરે જેવા અલગ અલગ વિસ્તારોમાં દિવસમાં અને રાત્રે પણ અનેકવખત વીજળી ગુલ થઇ જાય છે જેના કારણે પોરબંદરના હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વોલ્ટેજમાં વધઘટથી વીજઉપકરણોને પણ મોટું નુકશાન થઈ રહ્યુ છે.

રામદેવભાઈ મોઢવાડીયાએ કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે બરડા પંથકની કાંઠાળ પટ્ટી ઉપર પણ બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી વીજપ્રવાહ ખોરવાઈ જાય છે. બગવદર સબ ડિવિઝન વિસ્તારના અડવાણાથી સીમર સુધીના અને બરડા પંથકથી મીયાણી સુધીના વિસ્તારમાં વીજળી ખોરવાઈ જાય છે. મહત્વની બાબત એ છે કે સેટઅપ ઓછું છે અને વિસ્તાર મોટો છે તેથી પૂરતા પ્રમાણમાં પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ દ્વારા સ્ટાફની ભરતી કરવી જોઈએ તે જરૂરી બન્યુ છે. હાલમાં કોન્ટ્રાક્ટબેઇઝ કર્મચારીની ભરતી કરીને પણ આ સમસ્યાના તાત્કાલિક ધોરણે કામગીરી કરવી જોઇએ.

રાણાવાવમાં વરસાદની અમીવર્ષાનું આગમન થતા જ વીજળી ગુલ થઈ જતા પી.જી.વી.સી.એલ.ના તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કરેલ કામગીરીની ઘોર બેદરકારી લોકનજરે પડી છે. આખી રાત ગરમીના બફારામાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ત્યારે ફોનને વ્યસ્ત કરીને તેઓ સમય વિતાવી રહ્યા હતા. ચોમાસામાં હજુતો વરસાદે શ્રી ગણેશ કર્યા હોય ત્યાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અવારનવાર રાણાવાવ શહેરમાં વીજ ધાંધિયા તો રહેતા જ હોય છે ત્યારે પ્રથમ વરસાદે જ એવું લાગ્યું છે કે જાણે પ્રિમોન્સુનની કામગીરી કાગળો ઉપર જ થઇ હોય તેવું લાગી રહ્યુ છે. ઝરમર વરસાદ શરૂ થતા જ વીજળી ગુલ થઇ ગઇ હતી. દોઢ બે કલાકે વીજળી આવ્યા બાદ વહેલી સવારે પાછી વીજળી ગુલ થઈ ગઇ હતી જયારે આદિત્યાણા સ્ટેશન અને અન્ય ગામડાઓ બીલેશ્વર, ખંભાળા રાત્રે એક વાગ્યાથી લાઇટ જ ગુલ થઇ ગઇ હોય સવારે ૧૦ વાગ્યા પછી લાઇટ આવી હતી. પી.જી.વી.સી.એલ. નો કોન્ટેકટ કરતા જણાવવામાં આવ્યુ હતુ કે વરસાદની પહેલી જ સીઝનમાં ૧૨ કલાકમાં ૯૪ ફોલ્ટ નોંધાયા હતા ત્યારે ૪૫ ફીડરોમાંથી ૪૦ ફીડરોમાં વીજળી ગુલ થઇ હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પી.જી.વી.સી.એલ. દ્વારા પ્રિમોન્સુન ની કામગીરી શું કરવામાં આવી હતી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાએ ઉર્જામંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે પોરબંદર

જિલ્લામાં વીજળીનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે તેથી રાજ્યસરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં વધારાના
સ્ટાફની ફોલ્ટના રીપેરીંગ માટે નિમણૂંક કરવામાં આવે અને જે પ્રમાણે જરૂરિયાત હોય તે પ્રમાણે જુદાજુદા ફોલ્ટ સેન્ટરો ખાતે ફોન રીસીવ કરવા માટે ઓપરેટરોની નિમણૂંક કરવામાં આવે તેવી પણ માંગણી
રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.