ફજેતફાળકા વિનાનો લોકમેળો, ખાનગી મેળા નહીં થાય
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ભાતીગળ મેળો રાઇડ્સ વગર યોજાઇ તેવી ભીતિ
ગુરુવારે બપોર બાદ યોજાયેલી પ્લોટની હરાજીમાં એકપણ રાઇડ્સ સંચાલકે ભાગ ન લીધો
રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર ભાતીગળ લોકમેળો અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત યાંત્રિક રાઇડ્સ વગર યોજાઇ તેવા સંકેતો મળી રહ્યા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુરુવારે ત્રીજી વખત યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજી માટેનું આયોજન કર્યું હતું જેમાં રાઇડ્સ સંચાલકોએ ભાગ ન લેતા રાજકોટના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત લોકમેળો ફજેતફાળકા વગર યોજાઇ તેવા સંકેતો મળી રહ્યા છે. બીજી તરફ ખાનગી મેળા યોજવા માટે પોલીસ તંત્રની મંજૂરી માટે હજુ એકપણ અરજી મળી નથી એટલે આ વર્ષે રાજકોટમાં ખાનગી મેળાના આયોજન પણ ન થાય તેવી સ્થિતી છે.
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારે મેળા અને અન્ય આયોજનોમાં રાઇડ્સ માટે નવી એસઓપી જાહેર કરી હતી જે મુજબ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળાના આયોજનની કવાયત હાથ ધરી હતી, પરંતુ યાંત્રિક રાઇડ્સના સંચાલકોએ નવી એસઓપી મુજબ મેળામાં રાઇડ્સ મૂકવી શક્ય ન હોય તેનો વિરોધ કર્યો હતો. જે મુદ્દે જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી સાથે બેઠકો યોજાયા બાદ પણ નિવેડો આવ્યો ન હતો.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ માટેની માર્ગદર્શિકા લોકોની સુરક્ષા માટેની છે. તેમાં ફેરફારને કોઇ અવકાશ નથી. સરકારે બનાવેલી એસઓપીનું અમારે પાલન કરાવવાનું રહેશે. આ વાતને સમજીને રાઇડ્સ સંચાલકો હરાજીમાં ભાગ લ્યે તેવી અપીલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.