શંભુલાલ ટીડાભાઈ પટેલ પભુ ની ફૂલવાડી નું અણમોલ પુષ્પ સમાજ માટે આયખું અર્પણ કરનાર જ્યોતિધર - At This Time

શંભુલાલ ટીડાભાઈ પટેલ પભુ ની ફૂલવાડી નું અણમોલ પુષ્પ સમાજ માટે આયખું અર્પણ કરનાર જ્યોતિધર


શંભુલાલ ટીડાભાઈ પટેલ પભુ ની ફૂલવાડી નું અણમોલ પુષ્પ સમાજ માટે આયખું અર્પણ કરનાર જ્યોતિધર

આખુંય હિન્દુસ્તાન આચાર્યોની, માતાની, પિતાની વંદના કરતું આવ્યું છે. ખેડૂત જગતનો તાત કહેવાતો આવ્યો છે. અને આવા કચડાયેલા ખેડૂત સમાજમાં, ખેડૂતોનાં એક ગુરૂવર્ય જન્મ્યા હતા. તોરીના ટીંબે શંભુલાલ ટીડાભાઈ બોરડ. તેમનો જન્મ આજથી ૧૦૫ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૮૯૪માં રાજાશાહી યુગમાં થયો હતો. એ જમાનામાં અભણ, અજ્ઞાન અને અબૂઝ ખેડૂત શાહુકારોના વ્યાજની ઘંટીમાં પીસાતો હતો એવા સમયમાં શંભુલાલ જન્મ્યા હતા. કોહિનૂર હીરો જે ખાણમાંથી નીકળ્યો એને કોણ સંભારે છે કે જાણવા માગે છે. માણસોને મન તો કોહિનૂરની જ કિંમત છે. તેમ તોરી ગામ ભલેને નાનું રહ્યું પણ તેમાં પેદા થયેલા આ નરરત્ને સૌરાષ્ટ્રના સમસ્ત પટેલ સમાજને ઉજાળી દીધી. એ તોરી ગામને અને જેનો ચોરો (રામજી મંદિર) જઈને રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીએ "ચોરાનો પોકાર" નામનો પ્રસિદ્ધ લેખ લખીને તોરી ગામની કીર્તિ વધારી દીધી હતી. ગુજરાતમાં વલ્લભભાઈ પટેલે રાજકીય ક્ષેત્રે રાષ્ટ્રની સરદારી લીધી હતી તો સૌરાષ્ટ્રમાં શંભુલાલ પટેલે સમાજની શિક્ષણ ક્ષેત્રે સરદારી લીધી હતી.
સ્વ. શંભુભાઈ જન્મ્યા તોરીમાં તો શિક્ષણ લીધું હતું શેડુભાર અને ચિત્તલમાં, વધુ અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યુ હતું. મૂળથી જ શિક્ષકનો જીવ એટલે જોડાયા રાજકોટની હટર ટ્રેનિંગ કોલેજમાં ત્યાં તેમણે તેજસ્વી કારકિર્દી બનાવી અને માન ચાંદ અને ઇનામો પ્રાપ્ત કર્યા. શિક્ષણ પૂરૂં કરી, શિક્ષકનો વ્યવસાય શરૂ કર્યો. જયાં ગયા ત્યાં લોકચાહના પ્રાપ્ત કરી અને સર્વત્ર સુવાસ પ્રસરાવતા રહ્યા.
પણ તેમને થયું કે, પટેલ જ્ઞાતિ પછાત છે તેમાં કંઈક જરૂરી સુધારા વધારા કરવા આવશ્યક છે પણ તે શિક્ષણના પ્રચાર વિના શકય નથી. ખેડૂત સમાજ રાજાશાહીની ભીંસમાં રીબાઈ રહ્યો હતો. દબાઈ રહ્યો હતો, કચડાઈ રહ્યો હતો,
ઉપાયો ધરવા શિક્ષણ સંસ્થાની સગવડ ઉભી કરવી, લોકોને પ્રોત્સાહિત કરવા એ જરૂરી હતું. આ માટે ભેખ લેવો જરૂરી હતો. લોકોને ઢંઢોળવાના હતા, જાગૃત કરવાના હતા, દોરવાના હતા અને સુધારાના ફળ ચખાડવાના હતા. આ શિક્ષણની ગંગા વહેડાવવા માટે ભગીરથ પ્રયત્નો માંગી લેતું એટલે તરત જ તેમણે ૧૯૨૮–૨૯માં આણંદની ટ્રેઈનીંગ સ્કૂલમાંથી માસિક સો રૂપિયાના પગારવાળી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સમાજના શ્રેય અર્થે ફકીરી સ્વીકારી તેમજ ચિત્તલ ખાતેથી "હાલારી લેઉવા હિતેચ્છુ” માસિકના તંત્રી પદે માત્ર રૂા. ૩૦જેવી મામૂલી રકમ શૂલ્ક જીવન નિર્વાહ માટે સ્વીકારી સેવાભાવે સમાજના ઉત્થાન માટે જીવન સમર્પિત કર્યુ અને સમાજ માટે અતૂટ શ્રદ્ઘા તથા નીતિમત્તાનું જવલંત ઉદાહરણ પુરૂં પાડયું હતું. જે લેઉવા પટેલ સમાજના ઈતિહાસમાં તેમના નામ અને કામને સદાયે અમર રાખશે. હાથ પણ
પહેલું કામ તેમણે પટેલ જ્ઞાતિનું સંમેલન બોલાવીને ક્યું. સવંત ૧૯૭૮નાં ચિત્તલના આંગણે સમસ્ત સૌરાષ્ટ્ર પટેલ જ્ઞાતીની અગ્રણી વ્યકિતઓ ઉતરી પડી. જ્ઞાતિનો ઉત્કર્ષ કેમ સધાય તેની ચર્ચા વિચારણા થઈ અને જ્ઞાતિની ઉન્નતિ અને પ્રગતિ કાજે એક બંધારણ ઘડવામાં આવ્યું. સંમેલનમાંથી છુટા પડેલા પ્રતિનિધિઓએ દૂર દુર સુધી સંમેલનનો પૈગામ પહોંચાડયો. પટેલ જ્ઞાતિમાં કંઈક સળવળાટ શરૂ થયો, તેમને નવી દષ્ટિ મળી અને નવો નેતા મળ્યો. સ્વ. શંભુભાઈના પગલે પગલે પ્રગતિના મંડાણ થયા. સંમેલનને સુધારણાનું સાધન બનાવ્યું, તેમ પટેલ જ્ઞાતિની પ્રગતિનું વાહન બનાવવા માટે માસિકનું સાતેક વર્ષ સંચાલન કર્યું "પ્રભુની ફૂલવાડી" નામે લેઉવા પટેલ જ્ઞાતિનો ઐતિહાસિક સંદર્ભગ્રંથ પ્રગટ કર્યો. જે સર્વ સાધન દ્વારા તેમણે સાહિત્યની અને સમાજની સેવા કરી. તે સ્વ. શંભુભાઈ ટીડાભાઈ બોરડના વ્યકિત્વની આભાનું આબેહૂબ પ્રતિબિંબ અને પ્રતિભાનું દર્શન કરાવે છે. શ્રી
તેમણે જ્ઞાતિના રૂઢિ, રિવાજ, શિક્ષણ, સંસ્કાર, ખેતી પદ્ધતિ, દેશ–કાળની પરિસ્થિતિ વગેરેનું જ્ઞાન જ્ઞાતિને આપ્યું અને મહેનતકશ માનવી, ખેડૂત અ ક્ષેત્રે પણ વામણો ન રહે તેની કોશિશ તેમણે કરી, તેના ફળ આપણે મેળવી રહ્યા છીએ. ત્યારે એ મહામાનવને વંદના કર્યા વગર રહી શકતા નથી.
યાદ રાખવું ઘટે છે કે, આ કામ કજિયા અને કલહથી ડૂબેલા, કુરિવાજમાં ફસાયેલા, દેવાના બોજામાં દબાયેલા, વેઠ અને વેરાથી ત્રાસેલા, તન અને મન ભાંગેલા, પૃથ્વીના પોઠી તરીકે ભાર વહન કરતા ખેડૂત સમાજમાં કર્યું હતું. ત્યારે ન હતી સ્વતંત્રતા, ન હતી સરકારી હુંફ, ન હતી આપણામાં સમાજદારી કે શિક્ષણ પ્રત્યેની રૂચિ. ત્યારે આવા કઠિન સેવાકાર્યની કોઠાસૂઝ ધરાવતા શંભુભાઈમાં એક દૈવી તત્વ ડોકિયા કરતું હતું, તેમનામાં ભાવના ભરી હતી, લોકોને સંપીલા અને સુસંગઠિત કરવાની તાલાવેલી લાગી હતી એનું પરિણામ એ આવ્યું કે એની અહાલેકે સમાજના સૌ નર–નાર જાગી ઉઠયા. અને અમરેલીમાં વકીલ શ્રી વીરજીભાઈ સેંજલીયાના સહકારથી પટેલ વિધાર્થી ભવનની શરૂઆત ઈ.સ. ૧૯૨૫થી કરી દીધી.
તેમણે માત્ર લેઉવા પટેલ જ્ઞાતિનું જ હિત હૈયે રાખ્યું નથી પણ કડવા પટેલ જ્ઞાતિને પણ પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડયા છે. તેઓ માત્ર શિક્ષક હતા પણ સમાજ સેવામાં પડી લોક શિક્ષક બની ગયાં. પહેલાં માત્ર બાળકને શિક્ષણ આપતા હતા પણ પછી તેમણે બાળકથી માંડી બુઢ્ઢા સુધી સૌને શિક્ષણ આપવા માંડયું.વર્ષો પહેલા ભરેલ સંમેલનમાં ઘડાયેલ બંધારણ અને વર્ષો પહેલા સ્થાપિત બોર્ડિંગ બન્ને એમની પ્રવૃત્તિના પ્રતિકો બની ગયા છે. અને એમની સ્મૃતિને તાજી કરાવ્યા કરે છે. તેમની આ પ્રવૃત્તિના કારણે આપણો સમાજ કેટલો આગળ આવ્યો, આપણને કેટલા ડોકટરો, વકીલો, ઈજનેરો અને આગેવાનો મળ્યા તેનો હિસાબ લાવવા બેસીએ તો પાર આવે તેમ નથી.
આ મહાનુભાવ શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા તેમણે તેમના આખરી શ્વાસ પણ પોતે સ્થાપેલ બોર્ડિંગમાં જ છોડયાં, ઈ.સ.૧૯૩૩માં ટી.બી. હોવા છતાં અનશન ઉપવાસથી આત્માને દેહથી અળગો કર્યો અને પ્રભુએ એક પરોપકારી, પરદુઃખભંજન, સેવાભાવી સજ્જન અને અડીખમ આગેવાનને આપણા સમાજ પાસેથી ઉપાડી લીધો. ભલેને તેમનાં અક્ષર દેહે આપણા પાસેથી વિદાય લીધી હોય પણ હજી તેનાં અક્ષર દેહ અને અક્ષરકીર્તિ આપણા વચ્ચે પડયા છે. અને પ્રેરણાના પીયૂષ પાયા કરે છે. તેને યાદ કરીને અંકિચન પણ સમાજ ઉદ્ધારક મહામાનવને આપણા લાખો વંદન

સૌજન્ય સૌરાષ્ટ્ર લેઉવા પટેલ નો ઇતિહાસ

સંકલન નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.