રાજકોટ:લાયસન્સવાળા હથિયાર જમા કરાવવા આદેશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઇ છે. જો કે, ચૂંટણીની તારીખો જાહેર થઇ નથી. આ તરફ રાજકોટ શહેરમાં પરવાનાવાળા હથિયારો ધરાવતા નાગરિકોને હથિયાર જમા કરાવી જવાની સૂચના આપી દેવાઈ છે. જે માટે હથિયારનું લાયસન્સ ધરાવતા લોકોને ફોન કરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
આ તરફ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જુદા-જુદા મુદ્દે જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે જેમાં આગામી દિવસોમાં યોજાનાર જુદા જુદા કાર્યક્રમો, રેલી, ધરણા વગેરે તથા સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતા આ સમય દરમ્યાન સમગ્ર રાજકોટમાં કાયદો વ્યવસ્થા, શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે શારીરિક ઇજા થાય તેવી વસ્તુઓ કે હથિયારો તથા સ્ફોટક પદાર્થો રાખવા તેમજ હેરફેર કરવા તેમજ વિવિધ પ્રદર્શનો યોજવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર જુદી-જુદી ધાર્મિક શોભાયાત્રાઓ અને ધાર્મિક તહેવારોમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પરવાનગી વગર ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર કોઇ સભાબોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો, ઓફીસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે.
જે મુજબ કોઇ ઔદ્યોગિક એકમો-મકાનો, ઓફીસો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને ભાડે આપી શકશે નહિ. ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરુરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે તમામની જરુરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરુરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશને મોકલી આપવાનું રહેશે.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓ તથા શહેરોમાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ, પોલીસ ગણવેશ અને તેની સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ તથા તેનો ઉપયોગ થકી થતી દેશદ્રોહી, ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતાં રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા બિનઅધિકૃત રીતે સૈન્ય તથા સશસ્ત્ર દળોનાં ગણવેશ તથા સૈન્ય ગણવેશ સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ કે ઉપયોગ કરવા પર તા. 1 નવેમ્બરથી 31 ડીસેમ્બર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.