પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે સાડી વિતરણના મુદ્દે ઉગ્ર ઝઘડો: મહિલા મોરચાના હોદ્દેદારના પતિનું ગભરામણથી મોત
વડોદરા,તા.23 જુન 2022,ગુરૂવારવડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં ચાલતી જૂથબંધીની અસર હવે વોર્ડ કક્ષાએ પણ પડી રહી છે ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી તે મુદ્દે દક્ષિણ વિસ્તારમાં ભાજપની મહિલા કોર્પોરેટર અને તેના પતિએ મહિલા મોરચાના એક હોદ્દેદારના ઘરે જઈ હોબાળો મચાવ્યો હતો જેમાં મહિલા મોરચાના હોદ્દેદારના પતિને લાગી આવતા ગભરામણ થતાં મોડી રાત્રે મોત થયું હતું પરંતુ આ સમગ્ર મામલે પડદો પાડી દેવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રી ની ઉપસ્થિતિમાં મહિલા સંમેલનનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીને મળવામાં ભાજપના કોર્પોરેટરોની બાદબાકી કરવામાં આવી હતી જે અંગે વિવાદ સર્જાયો છે ત્યારે વોર્ડ કક્ષાએ પણ મહિલાઓને સાડીની વહેંચણી અંગે વિવાદ થયો છે તેમાં એક મહિલા હોદ્દેદારના પતિનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.વડોદરાના દક્ષિણ વિસ્તારમાં મહિલા મોરચાના એક હોદ્દેદારને પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર મહિલા સંમેલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપના મહિલા કોર્પોરેટરે તેઓને સાડીઓનું વિતરણ કરવાની જવાબદારી આપી હતી અને સાડીઓનો જથ્થો મહિલા મોરચાના હોદ્દેદારને આપ્યો હતો અને તેઓએ મહિલા કાર્યકર્તાઓને અને સંમેલનમાં હાજરી આપે તેવી મહિલાઓને સાડી વિતરણ કર્યું હતું પરંતુ મહિલા કોર્પોરેટરને શંકા ગઈ હતી કે મહિલા મોરચાના આ હોદ્દેદારે યોગ્ય રીતે સાડી વિતરણ કરી નથી જેથી ગત સોમવારે સવારે મહિલા કોર્પોરેટર અને તેમના પતિ મહિલા મોરચાના હોદ્દેદારના નિવાસ્થાને પહોંચી ગયા હતા અને તેમની પર આક્ષેપ કર્યો હતો કે તમે સાડીઓનું વિતરણ યોગ્ય રીતે કર્યું નથી અને બધી સાડીઓ વગૅ કરી છે જેથી મહિલા મોરચાના હોદેદારો અને તેમના પતિએ સ્પષ્ટતા કરવા અને તેઓને સમજાવવા પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ મહિલા મોરચાના હોદેદારો તેમના પતિ અને ભાજપના મહિલા કોર્પોરેટર અને તેમના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેથી સોસાયટીના રહીશો પણ ભેગા થઇ ગયા હતા અને ચર્ચાનો વિષય બન્યો હતો.ભાજપના મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા મોરચાના હોદ્દેદાર અને તેમના પતિ વચ્ચે ઉગ્ર થયેલા ઝઘડા બાદ મહિલા મોરચાના હોદેદારોના પતિને લાગી આવતા અચાનક તેઓને ઝઘડા બાદ બપોરે ગભરામણ થઇ હતી અને તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે તેઓનું મોત નીપજ્યું હતુ.જેથી ભાજપમાં અને મહિલા હોદ્દેદારના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી અને ભાજપના મહિલા કોર્પોરેટર અને તેમના પતિએ કરેલા હોબાળા અંગે પણ ભારે ટીકા થઇ હતી. આ સમગ્ર મામલા પર ભાજપના સ્થાનિક આગેવાનો ની દરમિયાનગીરીથી પરદો પાડી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.