પોરબંદર જિલ્લાના અસલી તબીબો ની માહિતી આરોગ્યતંત્ર જાહેર કરે - At This Time

પોરબંદર જિલ્લાના અસલી તબીબો ની માહિતી આરોગ્યતંત્ર જાહેર કરે


*પોરબંદર જિલ્લાના અસલી તબીબો ની માહિતી આરોગ્યતંત્ર જાહેર કરે*

*વારંવાર નકલી ડોક્ટરો પકડાતા હોવાથી અસલી ડોક્ટરોની યાદી જાહેર કરવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રજૂઆત: પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારા ઉઘાડા પડે તેવા હેતુ સાથે થયું છે સૂચન: તબીબોના એસોસિયેશન પાસેથી માહિતી લઈને પ્રજાજનો સમક્ષ લાવવી જરૂરી બની*

પોરબંદર જિલ્લામાં ઘણા લાંબા સમયથી એવું જોવા મળ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોક્ટરો અવારનવાર પકડાઈ રહ્યા છે ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં આવા ઉઘાડપગા ડોક્ટરોનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે તેથી પોરબંદર વાસીઓની ચિંતા સેવીને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એવી અપીલ થઈ છે કે આરોગ્ય વિભાગે અસલી ડોક્ટરોના નામ અને તેની વિગત જાહેર કરવી જોઈએ જેથી લોકો અસલી અને નકલી ડોક્ટર વચ્ચેનો ભેદ પારખી શકે તેવી માંગ થઈ છે.

હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ તંત્રના કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં અવારનવાર બોગસ તબીબો પકડાય છે ડિગ્રી વગરના આવા ડોક્ટરો માત્ર થોડા સમયથી નહીં વર્ષોથી દવાખાના ધમધમાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ગ્રામ્ય પંથકની અભણ અને ભોળી જનતાની બીમારી નો લાભ ઉઠાવીને મન પડે તેવા રૂપિયા ખંખેરે છે એટલું જ નહીં પરંતુ તેની સાથો સાથ આવડત નહીં હોવા છતાં બાટલા અને ઇન્જેક્શન આપવા સહિત ઘણી વખત તો મહિલાઓ સગર્ભા બની હોય ત્યારે તેની સારવાર પણ કરી નાખે છે માટે આ પ્રકારની પરિસ્થિતિમાં લોકોના આરોગ્ય જોખમમાં મુકાતા હોય છે.
તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ દ્વારા અસલી અને નકલી ડોક્ટરો વચ્ચેનો ભેદ પારખીને તેની યાદી પ્રજા વચ્ચે જાહેર કરવી જોઈએ. પોરબંદરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપરાંત આયુર્વેદિક તબીબોના એસોસિએશન અને હોમિયોપેથિક ડોક્ટરોના એસોસિએશન સહિત જુદા જુદા એસોસિયેશન કાર્યરત છે તેમની પાસેથી ઓથેન્ટિક માહિતી સાથેના તબીબોના નામ નંબર અને સરનામા મેળવીને આરોગ્ય વિભાગે એ વિગતની જાહેર જનતા જોગ યાદી જાહેર કરવી જોઈએ. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સહિત સોશિયલ મીડિયા જેવા જુદા જુદા સમૂહ માધ્યમ દ્વારા તબીબોની નામોની યાદી જાહેર કરવી જોઈએ જેથી લોકોને સાચા અને ડિગ્રી વગરના બોગસ એવા ખોટા ડોક્ટરો વિશેનો ખ્યાલ આવી શકે તે જરૂરી બન્યું છે.

હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ વધુમાં ઉમેર્યું છે કે પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અવારનવાર બોગસ તબીબો પકડાય છે તેથી આરોગ્ય વિભાગ એ આ બાબતે પણ સંકલન સાધીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા આવા તત્વો સામે કડકમાં કડક સાથે પગલાં લેવા જોઈએ તેવી પણ માંગણી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.