બે સંતાનની માતા જેઠના 15 વર્ષના દીકરા સાથે ભાગી ગઇ
તરૂણના પિતાની નાનાભાઇની પત્ની સામે ફરિયાદ
પારિવારિક સંબંધોને શર્મસાર કરતો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. 15 વર્ષના જેઠના દીકરાના પ્રેમમાં પડેલી બે સંતાનની માતા ભગાડી જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ભાવનગર રોડ, રાજમોતી મિલ પાછળ આવેલા સતારામનગરમાં રહેતા ગિરીશભાઇ નરશીભાઇ સાંગાવરિયા નામના યુવાને તેના જ સગા નાનાભાઇની પત્ની ચંદ્રિકા મનોજ સાંગાવરિયા સામે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શાકભાજીનો વેપાર કરતા યુવાનની ફરિયાદ મુજબ, તેમને સંતાનમાં એક દીકરી, બે દીકરા છે. ગત તા.7ની રાતે વેપાર કરી પરત ઘરે આવ્યા હતા. ઘરે તાળું લગાવ્યું હોય બીજી ચાવીથી ઘર ખોલ્યું હતું. જો કે, ઘરમાં ત્રણેય સંતાનો જોવા નહિ મળતા તેઓ અવારનવાર ભાઇના ઘરે જતા હોવાથી ત્યાં તપાસ કરવા ગયા હતા. જ્યાં એક દીકરો અને દીકરી મળ્યા હતા. પરંતુ મોટો દીકરો જોવા મળ્યો ન હતો. જેથી ભત્રીજાને પુત્ર અંગે પૂછતા તે સાઇકલ રિપેર કરાવવા ગયાની વાત કરી હતી.
બાદમાં મોડે સુધી પુત્રની ભાળ નહિ મળતા પિતાના ઘરે તપાસ કરવા ગયા હતા. ત્યારે નાનાભાઇની પત્ની ચંદ્રિકા પણ તેના બે સંતાનને બીજાભાઇને ત્યાં મુકી ક્યાંક જતી રહી હોવાનું જાણવા મળ્યું હતુ. બાદમાં પરિવારના બધા સભ્યો પુત્ર અને ભાઇની પત્નીની ભાળ મેળવવા બહારગામ રહેતા સગાસબંધીઓને ત્યાં તપાસ કરાવી હતી. ત્યારે 15 વર્ષના પુત્ર અને નાના ભાઇની પત્ની ચંદ્રિકા વચ્ચે પ્રેમસબંધ બંધાયો હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી નાનાભાઇની પત્ની જ તરૂણવયના પુત્રને ભગાડી ગયાનું જાણવા મળ્યું હોય ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.