મ્યુનિસિપલ કમિશ્નર બંગલા પાસે મહિલા કારચાલકે અકસ્માત સર્જયો : બે વાહનો અને વૃધ્ધને હડફેટે લીધા
વાહન ચાલકો પ્રતિદિન બેફામ બની રહ્યા છે અને પુરપાટ ઝડપે વાહનો ચલાવી સામાન્ય લોકોને હડફેટે લઈ જીવલેણ અકસ્માતો સર્જી રહ્યા છે તેમજ રોડ પર રહેલા વાહનોને પણ ઠોકરે ચડાવી વાહનોનું કચ્ચરઘાણ કાઢી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
મ્યુનિ.કમિશ્નરના બંગલા પાસે બેકાબૂ બનેલ મહિલા કારચાલકે અકસ્માત સર્જી બે વાહનોને હડફેટે લઈ પગપાળા જતા વૃધ્ધને પણ ઠોકરે ચડાવતા વૃધ્ધને સામાન્ય ઈજા પહોંચી હતી. જો કે બનાવમાં સમાધાન થઈ જતા હાલ સુધી કોઈ ગુન્હો નોંધાયો ન હતો.
પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે યાજ્ઞિક રોડ નજીક આવેલ મ્યુનિ. કમિશ્નર બંગલા પાસેથી પુરપાટ ઝડપે પસાર થયેલ એક કાર બેકાબૂ બની હતી. બેકાબૂ થયેલ કારચાલકે રોડ પર રહેલ બે વાહનોને હડફેટે લઈ કચડી નાખ્યા હતા. તેમજ ત્યાંથી પગપાળા જતા વૃધ્ધને પણ ઠોકરે ચડાવતા વૃધ્ધ રોડ પર પટકાયા હતા.
તેઓને ઈજા પહોંચતા સારવારમાં પણ ખસેડાયા હતા. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર કારચાલકની તપાસ કરતા તે કાર એક મહિલા ડ્રાઈવીંગ કરતી હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માતના કચડાયેલા વાહનચાલકો અને કાર ચાલક વચ્ચે સમાધાન થઈ જતા હાલ પુરતી કોઈ ફરીયાદ નોંધવામાં આવી ન હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં છાસવારે નબીરાઓ પોતાના વાહનો બેફામ દોડાવી અકસ્માત સર્જી રહ્યા છે. દિવાળી સમયે પણ નશામાં ધૂત ફોરચ્યુનર ચાલકે કોટેચા ચોક પાસે અકસ્માત સર્જી અનેક વાહનોને હડફેટે લીધા હતા. ઉપરાંત અનેક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વાહન ચાલકો સામાન્ય લોકોની જીંદગીની કિંમત શુન્ય ગણી વાહન પુરપાટ ચલાવી રહ્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.