TRP અગ્નિકાંડ: પૂર્વ ટીપીઓ સાગઠીયાની જામીન અરજી રદ
ટીઆરપી અગ્નિકાંડના ગુનામાં પૂર્વ ટીપીઓ સાગઠીયાની જામીન અરજી રદ થઈ છે. સાગઠીયાએ દોષનો ટોપલો મ્યુ. કમિશનર પર ઢોળ્યો હતો પણ સ્પે. પી. પી. ગોકાણીએ રેકોર્ડ સાથે દલીલો કરતા કોર્ટે જામીન અરજી ફગાવી હતી. ઉલ્લેખનીય છેકે, અગ્નિકાંડના 27 લોકોના જીવતા ભુંજાઇને મોત થયા હતા.
અગ્નિકાંડ કેસ અને એસીબીએ કરેલા કેસમાં રાજકોટ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ધનજી સાગઠિયાએ ચાર્જશીટ બાદની જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં કરી હતી. આ જામીન અરજીની સુનાવણીમાં સાગઠિયાએ પોતાનો બચાવ રજૂ કરતા દલીલ કરેલી કે, ટીઆરપી ગેમઝોનનું ડીમોલિશન મ્યુ. કમિશનરે ન કર્યું. મારી પાસે ડીમોલિશનના પાવર્સ નહોતા, કમિશનર પાસે ડીમોલિશનની સત્તા છે.
છતાં તેને આરોપી નથી બનાવાયા. અગ્નિકાંડના આ કેસમાં મને ખોટી રીતે ફસાવી દેવાયો છે. આ તરફ પૂરે પુરી તૈયારી સાથે કોર્ટ સમક્ષ સરકાર તરફે હાજર થયેલા સ્પે.પીપી તુષાર ગોકાણીએ વર્ષ 2008થી લઈ 2024 સુધીના સાગઠિયાએ કરેલા ડીમોલિશનના હુકમોનો રેકર્ડ રજૂ કરી દલીલ કરી કે, સાગઠિયાની જવાબદારી ફિક્સ છે. તેણે અગાઉ પણ આવી સ્થિતિમાં પોતાના સત્તા સ્થાનેથી આવા હુકમો કર્યા છે.
તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ગેરકાયદે બાંધકામ ટીપીઓ દૂર કરી શકે છે. જવાબદારીની ફેંકાફેંકી કરી સાગઠિયા બીજા પર જવાબદારી ઢોળી દઈ જામીન મેળવવા માંગે છે. એસીબીએ તેના પર કેસ કર્યો છે, જેમાં 23 કરોડની અપ્રમાણસર મિલકત થાય છે. આ આર્થિક લાભો આવા કિસ્સામાં સાગઠિયાએ મેળવી અપ્રમાણસર મિલકત ઉભી કરી છે.
વર્ષ 2008થી અનેક નોટિસો સાગઠિયાએ ફટકારી છે. શું આ બધી નોટિસો ખોટી છે? આ આરોપી સાગઠિયાએ પોતાનું ગુનાહિત કૃત્ય છુપાવવા અગ્નિકાંડના દિવસે રાતે એક વાગ્યે પોતાની ઓફિસે પહોંચી જુના રજિસ્ટરનો નાશ કરી નવા રજીસ્ટર બનાવેલ છે. પોતાનું કૃત્ય છુપાવવા આવી ગુનાહિત પ્રવૃત્તિ તેણે કરી છે. ખોટી મિનિટ્સ નોટ સાથે કોર્ટમાં હાજર રહી પોતાનો બચાવ કર્યો છે. જેથી તેની વિરુદ્ધ અન્ય એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
સ્પે.પીપીની દલીલો ધ્યાને લઈ કોર્ટે અગ્નિકાંડ કેસમાં સાગઠીયાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં ભોગ બનનાર વતી રાજકોટ બાર તરફથી એડવોકેટ સુરેશ ફળદુ અને અન્ય ભોગબનનાર પક્ષકાર વતી એડવોકેટ નરેન્દ્રસિંહ આર.જાડેજાએ લેખિત વાંધા રજૂ કર્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.