કોન્ટ્રાકટર કાર ચાલકે મહિલાને ફંગોળી: ફરાર થવા જતા કાર પલ્ટી - At This Time

કોન્ટ્રાકટર કાર ચાલકે મહિલાને ફંગોળી: ફરાર થવા જતા કાર પલ્ટી


રાજકોટમાં પણ અમદાવાદ જેવુ તથ્ય કાંડ થતાં સહેજમાં અટકયું હતું. સાંઢીયા પુલ નજીક પુરપાટ ઝડપે આવેલ ગાંધીનગર પાર્સીગના નશામાં ધુત કાર ચાલકે રોડ નજીક એકટીવા પાર્ક કરી તેની ઉપર બેસેલ યુવતીને હડફેટે લેતાં યુવતી ફંગોળાઈન રોડ પર પટકાઈ હતી.જયારે કાર થોડે દુર જઈ ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી ગઈ હતી. કારમાંથી દારૂની બોટલ મળી પણ મળી હતી.
બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ નશાખોર કાર ચાલક અને કારમાં સવાર અન્ય શખ્સને કારમાંથી કાઢી પોલીસને જાણ કરતાં દોડી આવેલ ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે બંને શખ્સોની ધરપકડ કરી અલગ અલગ કલમ હેઠળ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે અકસ્માતમાં ઘવાયેલા મહિલાને સારવારમાં ખસેડાઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ્ટેબલ રણજીતભાઈ રામભાઈએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આશિષ નાનજી સાંકરિયા (ઉ.વ.33), (રહે.બાપા સીતારામ ચોક, સોરઠીયા વાડી પાછળ, મવડી) અને ફારૂક રજાક શાહમદાર (ઉ.વ.43),(રહે. હૈદરી ચોક, દૂધસાગર રોડ, ભગવતી સોસાયટી) નું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ મોડી રાતે એક વાગ્યાની આસપાસ જાગૃત નાગરિકે કંટ્રોલ રૂમમાં ફોન કરી જામનગર રોડ પર સંઢીયા પુલ પાસે એક કારચાલકે અકસ્માત સર્જી કાર પલ્ટી મારી ગઈ છે, તેવી જાણ ગાંધીગ્રામ પોલીસ મથકે થતાં તેઓ પીસીઆર વાનમાં ઘટના સ્થળે પહોંચતા સાંઢિયા પુલ પાસે એક કાર પલ્ટી મારેલ હાલતમાં જોવા મળેલ હતી.
કારમાં તપાસ કરતાં તેમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી. જ્યારે લોકોએ પકડેલા બંને આરોપી નશાની હાલતમાં હોય લથડીયા ખાતા હતાં. બંને આરોપીની ધરપકડ કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના બજરંગવાડી-2માં રહેતાં સુમીતકાર મનપ્રિતસિંહ ચૌધરી (ઉ.વ.32) ગઈ રાત્રિના 1.30 વાગ્યાની આસપાસ સાંઢીયા પુલ નજીક રેલ્વે કોલોની ગેટ પાસે રોડ નજીક પોતાનું એકટીવા પાર્ક કરી બેની પર બેઠા હતા.
જ્યારે અન્ય એક ફરિયાદમાં અકસ્માતમાં ઘવાયેલ મહિલા સુમિતકૌર (ઉ.વ.32) ના પતિ મનપ્રિતસિંહ ભગવાનસિંહ ચૌધરી (રહે. રેલનગર, બજરંગવાડી) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાનું એક્ટિવા લઈ પત્ની સાથે બહાર ચક્કર મારવા નીકળ્યા હતાં. ત્યારે સાંઢિયા પુલ નજીક આવેલ બજરંગ પાન નામની દુકાને તેઓ વસ્તુ લેવા માટે ગયાં હતાં
તેમના પત્ની રોડ પર રાખેલ એક્ટિવા પર બેસેલ હતાં ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલ કાર નં. જીજે-18-બીજે-3399 ના ચાલકે એક્ટિવને હડફેટે લેતાં તેઓના પત્ની રોડ પર ફંગોળાયા હતાં અને તેણીને ઇજા પહોંચી હતી. બાદમાં કાર ચાલકે કાર ભગવતા કાર થોડે દુર ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી ગઈ હતી. બાદમાં તેઓ ઈજાગ્રસ્ત તેની પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ હતાં.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.રાણેની રાહબરીમાં પીએસઆઈ એન. બી.ડોડીયા અને બજરંગવાડી ચોકીના હેડ કોન્સ્ટેબલ ખોડુભા સહિતના સ્ટાફે આરોપીની પૂછપરછ કરતાં આશિષ સાંકરિયા બાંધકામ કોન્ટ્રકટર છે અને ફારૂક શાહમદાર નોનવેજની લારી ચલાવતો હોવાનું ખુલ્યું હતું.
શહેરના સાંઢીયાપુલ નજીક કારચાલકે અકસ્માત સર્જતાં એકટીવા સવાર યુવતીને હડફેટે લિધી હતી.બાદ કાર પણ પલ્ટીમારી જતાં લોકોના ટોળેટોળા ઉમટયા હતા.તેમજ કાર સવાર સુધી રોડ પર જ પડેલી હોવાથી રોડ પર મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો
આરોપી આશિષ સાંકરિયા રાજકોટ અને મુંબઈમાં બાંધકામ કોન્ટ્રકટનું કામ કરે છે. તે બે દિવસ પેહલાં મુંબઈથી રાજકોટ આવ્યો હતો. ત્યારે દૂધસાગર રોડ પર રહેતો તેનો મિત્ર ફારૂક શાહમદારને મળવા કાર લઈ તેની નોનવેજની લારી પર ગયો હતો. જ્યાંથી બંને મિત્રો માધાપર ચોકડી નજીક ગયાં હતા. જ્યાંથી બંને જમવા માટે દૂધસાગર રોડ પર જવા નીકળ્યા ત્યારે દારૂ પીતા-પીતા કારમાં જઈ રહ્યા હતાં ત્યારે દારૂના નશામાં ભાન ભૂલેલા આશિષ સાંકરિયાએ અકસ્માત સર્જ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસે બંને આરોપી વિરૂદ્ધ કારમાંથી દારૂની બોટલ મળતાં પ્રોહિબિશનની કલમ હેઠળ તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત સર્જવાની કલમ હેઠળ ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવમાં દોડી ગયેલ ગાંધીગ્રામ પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી આરસી બુક મળી આવી હતી. જેમાં કાર નં.જીજે.18.બીજે.3399 હોવાનું ખુલ્યું હતું. તેમજ અંદરથી મળેલ આર.સી.બુકમાં કારનો માલિક અલ્પેશ રતીભાઈ ગોંડલીયા (રહે. જૂનાગઢ) હોવાનું ખુલ્યું હતું. આરોપીની પૂછપરછમાં તે કાર આરોપી આશિષ સાંકરીયાની હોવાનું ખુલ્યું હતું અને કાર નામ ટ્રાન્સફર કરાવેલ ન હોવાનું જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.