ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેરથી વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી
ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેરથી વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી
------
ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક વરસાદથી ખેડૂતોમાં આનંદની હેલી
------
ગીર સોમનાથ તા.૨૦: ગીર સોમનાથ જિલ્લામાં સતત બે દિવસથી ઇન્દ્રદેવ અવિરત કૃપા વરસાવી રહ્યા છે. જિલ્લામાં અવિરત મેઘમહેરથી સર્વત્ર નદી-નાળા છલકાયાં છે. જિલ્લામાં મેઘમહેરથી ગીરની ભૂમિએ જાણે લીલી ચાદર ઓઢી હોય એમ સોળે કળાએ પ્રકૃતિનું આહલાદક સૌદર્ય ખીલી ઉઠ્યું છે.
જિલ્લામાં વ્યાપક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેતરોમાં પાણી આવતા ચોમાસાની સિઝનની વાવણીની શરૂઆત થશે. લીલી વનરાજી છવાતાં પશુઓ માટે વ્યાપક ઘાસ-ચારો પણ ઉપલબ્ધ બનશે. વ્યાપક વરસાદથી જગતના તાતના હૈયે ઉમંગ છલકાઇ રહ્યો છે. આગામી વર્ષ સારૂ રહેશે તેવી આશાએ અઢારેય આલમમાં પ્રકૃતિની મહેરનો આનંદ છવાયો છે.
સોમનાથ દાદાના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોમાં પણ ગીર સોમનાથ જિલ્લાની હરિયાળી જોઇ મનમાં શાતા વળી રહી છે. વરસાદરૂપી પ્રસાદ ગીર સોમનાથ જિલ્લાએ ખોબલે-ખોબલે ઝીલ્યો છે. નદી-નાળા ભરપૂર થયા છે. ચેકડેમ અને બોરીબંધમાંથી પાણી ઉછાળા મારીને કલકલ નિનાદ કરતાં વહી રહ્યા છે. જેને સાંભળી કર્ણને પણ એક આનંદની અનુભૂતિ થાય તેવો આનંદ અને ઉલ્લાસ છવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.