રાજ્ય સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા વડોદરા દોડી આવ્યા
*રાજ્ય સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા વડોદરા દોડી આવ્યા*
*વડોદરામાં રાહત અને બચાવ માટે આર્મીની વધુ ત્રણ કુમુક, એનડીઆરએફ ટીમોની મદદ લેવાઇ*
*વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે વડોદરા શહેરમાં સર્જાયેલી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા તમામ મદદ કરાઇ છે*
*ફસાયેલા લોકો માટે એક લાખ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે*
વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ઘૂસી જવાના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના બે મંત્રી, શ્રી ઋષિકેશભાઇ પટેલ અને શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા આજે અહીં દોડી આવ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત-બચાવની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આપત્તિની આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેરને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી હોવાનું બન્ને મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
સમુહ માધ્યમો સાથે વાતચિતમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીનું પાણી તેની આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયું છે. દેવ ડેમ અને આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક સતત થઇ છે અને આ બન્ને જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું છે. શહેરની સ્થિતિને ધ્યાને રાખીને વડોદરા મહાપાલિકા તંત્ર દ્વારા આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાવ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારમાં દસદસ ફૂટ પાણી ભરાયા છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, હાલમાં રાહત અને બચાવની કામગીરીને રાજ્ય સરકાર દ્વારા અગ્રતા આપવામાં આવી રહી છે. આ માટે આર્મીની ત્રણ કુમુક અને એનડીઆરએફ તથા એસડીઆરએફની વધુ ટૂકડીઓ જરૂરી સંસધાનો દ્વારા વડોદરા મોકલવામાં આવ્યા છે. જરૂરિયાત ના હોય તેવા નજીકના જિલ્લામાંથી પણ એનડીઆરએફને બોલાવવામાં આવી છે. આ કારણે બચાવની કામગીરી વધુ ઝડપથી થઇ શકશે.
શ્રી પટેલે જણાવ્યું કે, વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. ૧૨૦૦થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા એક લાખથી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. વિપત્તિની આ ઘડીમાં લોકોનો સહયોગ પણ આવશ્યક છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે. પૂરની સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી સતત ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આપત્તિના સમયે હરસંભવ મદદ કરવામાં આવે છે.
આ પૂર્વે બન્ને મંત્રીશ્રીઓ દ્વારા વડોદરા મહાપાલિકાના નિયંત્રણ કક્ષની મુલાકાત લેવામાં આવી હતી.
સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કેયુરભાઈ રોકડિયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મેયર શ્રીમતી પિન્કી બેન સોની, સ્થાયી સમિતિ ચેરમેન ડો. શાહ, અગ્રણી શ્રી વિજયભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા, કલેક્ટર શ્રી બિજલ શાહ, એમજીવીસીએલના એમડી શ્રી તેજસ પરમાર, અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા, એસપી શ્રી રોહન આનંદ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.