નેકસા કાર શો-રૂમના સેલ્સમેને ગ્રાહકો પાસેથી ડાઉનપેમેન્ટ મેળવી રૂ.5.37 લાખની ઉચાપત કરી
ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલપંપની બાજુમાં આવેલ પરફેકટ રી-ટ્રેડર્સ નેકસા કાર શો-રૂમના સેલ્સમેને ગ્રાહકો પાસેથી ડાઉનપેમેન્ટ મેળવી શો-રૂમમાં જમાં ન કરાવી રૂ.5.37 લાખની ઉચાપત કરી વિશ્વાસઘાત કરતાં માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલપંપની બાજુમાં આવેલ પરફેકટ રીટ્રેડર્સ પ્રા.લી. નામના નેકશાના શો-રૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરનાર નીખીલેશભાઇ અશોકભાઇ ગોહેલ(ઉ.વ. 31 રહે. વર્ધમાનનગર મેઇન રોડ અરાઇઝ વન એપાર્ટમેન્ટ ફલેટ નં.801, ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પની સામે) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમસિંહ જગતસિંહ ઠાકુર (રહે. મોચીનગર-6 શેરી નં.2 પ્રજાપતી હાર્ડવેરની પાસે ગાંધીગ્રામ) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે આઇપીસી કલમ 408 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફરીયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ઉપરોકત શો-રૂમમાં જુલાઇ-2023 થી નોકરી કરે છે. તેમની કામગીરી શો-રૂમમાં રહેલ નવી કારનુ વેચાણ કરવાની છે અને તેમની ટીમમાં 15 માણસો કામ કરે છે. જે પૈકી આરોપી વિક્રમસિંહ ઠાકુર છેલ્લા એક વર્ષથી તેમની ટીમમાં કામ કરતો હતો અને તેનુ કામ શો-રૂમમાં આવતા નવા કસ્ટમરને નવી કાર બતાવીને સેલ્સ કરવાનું હોય છે.
તેમજ ગ્રાહક સાથે ડિલ થયાં બાદ તેઓ પાસેથી ડાઉન પેમેન્ટ પણ પોતે લેતો હતો. ફરજ દરમિયાન તેણે કસ્ટમરને વેચાણથી આપેલ કારના ડાઉન પેમેન્ટ તથા એસેસરીઝના પેમેન્ટ તરીકે આવેલ રકમમાંથી થોડી થોડી રકમ પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી કંપનીમાં જમા કરી ન હતી. તા.24/08/2023 થી તા.30/11/2023 સુધીમાં તેણે કંપનીમાં કસ્ટમર પાસેથી આવેલ ડાઉન પેમેન્ટ તથા એસેસરીઝ પેમેન્ટ તરીકે આવેલ રકમ પૈકી કટકે કટકે કુલ રૂ. 5,37,460 ની રકમ પોતાના અંગત ખર્ચમાં ઉપયોગ કરી કંપનીમાં જમા નહીં કરાવી ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ,આરોપી વિક્રમસિંહ ઠાકુર મૂળ ઉત્તારખંડનો વતની છે. તેના પિતા રાજકોટની એક હોટલમાં નોકરી કરે છે.વિક્રમસિંહ અહીં છેલ્લા એકાદ વર્ષથી નોકરી કરતો હતો. આરોપી ડાઉન પેમેન્ટની રકમ ગ્રાહક પાસેથી લઇ તેમાંથી 50 હજારથી લઇ લાખ જેટલી રકમ કાઢી લેતો મેઇન શો-રૂમમાં હિસાબ ચારેક દિવસ બાદ આપવાનો હોય તે પહેલા તે અન્ય ગ્રાહક પાસેથી રકમ મેળવી જમા કરાવી દેતો હતો.
પરંતુ ગત ડિસેમ્બર માસ પૂર્વે તેના લગ્ન હોય જેથી તેણે 15 દિવસની રજા રાખી હતી. આ દરમિયાન રોલીંગ અટકી જતાં તેના કરતુતનો ભાંડાફોડ થયો હતો. આરોપીએ અંદાજિત આઠ ગ્રાહકોની ડાઉન પેમન્ટની રકમ કંપનીમાં જમા ન કરાવી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપીએ બે માસમાં રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી. પણ રકમ ન ચુકવતા અંતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.