HAPPINESS Is the Highest form of Health….
આજના સમયનો સૌથી મોટો યક્ષ પ્રશ્ન...ખુશી ક્યાં મળશે…? એક સ્થળ પર આ પ્રશ્નનો ખૂબ જ સુંદર જવાબ લખેલો જોયો જે દરેક વ્યક્તિને અનુરૂપ છે જેમકે... “આપણી ખુશી પ્રેમ ભરેલા શબ્દો માં મળશે. આપણી ખુશી આપણી આખોમાં છલકે છે. આપણો ચહેરો ખુશીઓનો અરીસો હોય છે. આપણાં કર્મ આપણી ખુશીના ફળ હોય છે. આપણો પ્રેમ ભર્યો વ્યવહાર ખુશીનો દરવાજો હોય છે. આપણી ખુશીનું મખમલી ઘર આપણું દિલ હોય છે. આપણી ખુશીનું બીજ આપણાં મન માં અંકુરિત થાય છે. આપણી ખુશી આપણાં જીવનમાં પવિત્રતા દ્વારા પ્રવેશ કરે છે. તો આવો આપણાં મન ને પવિત્ર બનાવી ખુશી ને સદાકાળ માટે આપણી સાથી બનાવીએ.” હિન્દી ભાષામાં ઘણા રૂઢિપ્રયોગો ‘ખુશી’ માટે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે “ખુશી મેં ખગ્ગિયાં મારના”, “ખુશી જૈસી ખુરાક નહીં” વગેરે. જ્યારે વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષામાં ત્રણ શબ્દો ખૂબ પ્રચલિત થયા છે. જેમ કે હેલ્થ, વેલ્થ એન્ડ હેપિનેસ. જીવનમાં જેટલી હેલ્થ અને વેલ્થ જરૂરી છે એટલું જ હેપિનેસનું પણ મહત્વ છે. વિશ્વભરમાં કોવિડ જેવી મહામારીની અસર વિવિધ રીતે આજે આપણે અનુભવી રહ્યા છે. આ મહામારીએ આ ત્રણ વિષય હેલ્થ, વેલ્થ એન્ડ હેપિનેશ પર ખૂબ અસર કરી છે. પૂરા વિશ્વના વાયુમંડળને ડામાડોળ પણ કર્યું. આવી તો અનેક નાની મોટી આફતો રોજબરોજ સમાચારમાં આપણે જોઈ રહ્યા છે. અચાનક જ ના બનવાના અનેક બનાવો બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આજે સામાન્ય માણસને પણ અસર થઈ રહી છે. આજનો સમય એવો આવી ગયો છે કે વિશ્વના કોઈ પણ ખૂણે કાઇ સમસ્યા કે બનાવ બને તો તેની અસર વિશ્વના દરેક વ્યક્તિ પર થાય છે. નકારાત્મકતાની અગ્નિમાં બળી રહેલા સમાજમાં અનેક સમસ્યાઓનો સામનો કરી જીવન વ્યતીત કરનાર મનુષ્ય લાચાર અને વિવશતાથી જીવનપાયન કરી રહ્યો છે.
સંસારના દરેક ક્ષેત્રે મૂલ્યોનો અતિ હ્યાસ થઈ રહ્યો છે. વિકારોની અગ્નિમાં બળતો મનુષ્ય અનેક પ્રકારોના અભાવો માં જીવી રહ્યો છે. સંપત્તિનું અવમૂલ્યન થઈ રહ્યું છે. આવા સમયે સૌથી મોટો પ્રશ્ન થાય છે કે વિનાશી ધનને એકઠું કરવામાં મનુષ્ય અવિનાશી ધન કે જે અનાદિ અને વાસ્તવિક છે તેની મહત્તાની અવગણના કરી રહ્યા છે. જેમ કે પ્રેમ, શાંતિ, સુખ, આનંદ, જ્ઞાન, શક્તિ અને પવિત્રતા. દરેક મનુષ્ય આત્માના આ સાત અનાદિ ગુણો છે. આજે માણસ એવું સમજે છે કે રૂપિયા થકી બધુ જ ખરીદી શકાય છે. જ્યારે સાચું સુખ અને સાચી ખુશી એ કોઈ ખરીદી શકાય એવી વસ્તુ નથી. તો પછી સાચી ખુશી કઈ રીતે મળે અને તેનો સ્ત્રોત શું એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે.
શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાનુવાચ છે કે “મનમના ભવ, મધ્યાજી ભવ”. અર્થાત ભગવાન દ્વારા ઉચ્ચારેલા મહાવાક્ય કહે છે કે મન બુદ્ધિથી મને યાદ કરો. જ્યારે આપણે ઈશ્વરીય યાદ માં મગન થઈએ ત્યારે જે સુખ અને શાંતિની અનુભૂતિ કરીએ એ જ સાચું અતીન્દ્રિય સુખ છે. જીવનમાં સાચી ખુશી એ કોઈ રેડીમેઇડ મટિરિયલ નથી. આધ્યાત્મિકતા એક શ્રેષ્ઠ માધ્યમ છે એમ કહી શકાય. આજે આધ્યાત્મિકતાના અભાવે માણસ ભ્રમિત થઈ રહ્યો છે. શ્રીમત અને શ્રેષ્ઠ માર્ગ થી વિચલિત થયો છે. તેનું કારણ અતિઆધુનિકતાવાદનું આંધળું અનુકરણ છે. ધર્મ ભ્રષ્ટ અને કર્મ ભ્રષ્ટ મનુષ્ય સાચી ખુશીની અનુભૂતિ કઈ રીતે કરી શકે.
અવિરત ખુશ રહેનાર વ્યક્તિ તેના પરિવાર, પાડોશ, કાર્યસ્થળ અને આસપાસના વાતાવરણ પર પણ અસર ઉપજાવે છે. ખુશી એ એક સકારાત્મક ઉર્જા છે. જે વ્યક્તિના તન, મન, ધન, સંબંધ, સંપર્ક. સ્વપ્ન, સંકલ્પો અને સ્વાસ્થ્ય બધા ને અસર કરે છે. અત્યારે તો વિશ્વમાં ખુશ કઈ રીતે રહેવું તેના વિષયો પર અનેકો પ્રયાસો થઈ રહ્યા છે. અનેકો મનોવૈજ્ઞાનિકો તથા મોટિવેશનલ સ્પીકરો પણ આ વિષયો પર પુષ્કળ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. જે વર્તમાન સમયની જરૂરિયાત પણ છે. દિનપ્રતિદિન અણબનાવો અને આપઘાતોની સંખ્યાઓ પણ વધી રહી છે. મનુષ્ય અનેક મનોરોગોથી પીડાય રહ્યા છે. આથી જ નિષ્ણાતો કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવા પર વધૂ ભાર આપતા હોય છે.
ખુશી એક ઔષધિ છે. જવલ્લે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળે જે નિરંતર ખુશીની અવસ્થામાં રહેતા હોય. ખુશી એક એવો ખોરાક છે જે વ્યક્તિ ને હમેશા તંદુરસ્ત રાખે છે. કેવી પણ તનની બીમારી હોય કે પછી પરિસ્થિતી આવી પડી હોય તેનો સામનો કરવો સહજ બની રહે છે જે વ્યક્તિ નિરંતર ખુશી માં ડાંસ કરતાં રહે. ખુશનુમા ચહેરો કોને જોવો ન ગમે..... આમ ભગવાનુવાચ છે કે પ્રાણ ચલે જાયે લેકિન ખુશી ન જાયે. ખુશ રહેનાર વ્યક્તિ તેની આસપાસ એક સુંદર વાતાવરણનું નિર્માણ કરે છે. જેની અસર વ્યક્તિ અને પ્રકૃત્તિ પર પણ થાય છે. જેમાં નકારાત્મકતાની આવૃત્તિ નિમ્ન હોય છે. આથી જ ખુશ રહેનાર વ્યક્તિ બધાને આકર્ષે છે. તેનું આભામંડળ અદ્ભુત હોય છે.
આમ જેનું મન સ્વસ્થ હોય તેનું તન પણ સ્વસ્થ રહે છે. જેનું મન નબળું છે તેનું તન પણ તેને સાથ આપતું નથી. એટલે મન ખુશ તો તન ખુશ. આપણી ખુશી સંપૂર્ણ આપણાં પર જ નિર્ભર છે. બીજા આમ કરે તો હું ખુશ થઇશ, આ વસ્તુ મળે તો હું ખુશ થઇશ તે માન્યતા જ ખોટી છે. ખુશી એ આપણી આંતરિક શક્તિ છે. બસ જરૂરત છે ફક્ત જાગૃતતાની અને આપણી સાચી ઓળખની. સુખના સાગર પરમાત્માની યાદ દ્વારા દિવ્ય ખુશીની અનુભૂતિ થાય છે. બી. કે. શિવાની દીદી દ્વારા અનેકો હેપિનેસ ના વિષયો પર કાર્યક્રમો કરવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો તેનો લાભ પણ લેતા હોય છે. તેમના જીવનમાં સકારાત્મક પરીવર્તન પણ થયા છે. અધ્યાત્મિક, વ્યાવસાયિક અને ગૃહસ્થી દરેક લોકોને ખુશ રહેવાની ચાવી મળી છે. અગર તમે એવું દ્રઢતા પૂર્વક નક્કી કરો કે જીવનની દરેક પરિસ્થિતિઓમાં હું હમેશાં ખુશ જ રહીશ તો કેવી પણ પરિસ્થિતી તમને ડગમગાવી શકે નહીં. ખુશી એ આપણી અંદર સમાયેલી આંતરિક શક્તિ છે અને ઈશ્વરીય યાદ એ ખુશ રહેવાનુ શ્રેષ્ઠ સાધન છે.
આમ, ખુશી એ આરોગ્યનું સર્વોચ્ચ સ્વરૂપ છે. સુખની દિવ્ય અનુભૂતિ કરવા માટે લોકો કેટલી ભક્તિ કરતાં હોય છે. અનેકો પ્રયાસો કરવા છતાં પણ વંચિત રહી જતાં હોય છે. સુખના સાગર પરમાત્મા કહે છે કે સુખ તો મનુષ્ય આત્માનો અનાદિ ગુણ છે. એને બહાર ગોતવું એ સૌથી મોટી ભૂલ છે. આત્માના એ દિવ્ય ગુણ ને ઓળખી ને તેના સ્વરૂપ બનો. દરેક મનુષ્ય આત્મા સુખના સાગરની સંતાન હોવાના નાતે સુખ સ્વરૂપ છે. એ સ્વરૂપને ઓળખી અવિનાશી ખુશીના નશામાં રહીએ.
યુનાઈટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી માં ૧૨ જુલાઇ, ૨૦૧૨ ના રોજ ૨૦ માર્ચને International Day of Happiness ની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે ૨૦૨૩ ના International Day of Happiness ની થીમ હતી “ Be Mindful. Be Grateful. Be Kind. ” વર્તમાન સમયમાં International Day of Happiness નું મહત્વ ખુબજ રહેલું છે. આજે આખું વિશ્વ વિવિધ માનસિક રોગો તણાવ, ચિંતા, ક્રોધ, હતાશા વગેરેથી ગ્રસ્ત છે. લોકોની સુખાકારી માટે આ એક મહત્વનુ પગલું ગણી શકાય. વિશ્વના અનેક દેશો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પણ સરકારશ્રી દ્વારા નીતિઓ બનાવવામાં આવી છે. World Happiness Report ની આ વર્ષે ૧૦ મી વર્ષગાંઠ રહી છે. આ એક વૈશ્વિક સર્વેક્ષણ ડેટા રિપોર્ટ છે. જેમાં વિશ્વના ૧૫૦ થી વધુ દેશોના લોકો તેમના જીવનનું મૂલ્યાંક્ન કેવી રીતે કરે છે તે દર્શાવે છે. રોગચાળા અને યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે આવા રિપોર્ટ ખુબજ ઉપયોગી સાબિત થાય છે.
પંજાબ ઝોનના બીકે યૂથ વિંગ દ્વારા ખુશી ની ખૂબ જ સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે. જે આ પ્રમાણે છે....” ખુશી એક શક્તિ છે. ખુશી એક મંઝિલ છે. ખુશી એક ચિંતન છે. ખુશી એક સંબંધ છે. ખુશી એક ચહેરો છે. ખુશી એક પ્રેમ છે. ખુશી એક પરીક્ષા છે. ખુશી પ્રેમની ગંગા છે. ખુશી કર્મોનું ફળ છે. ખુશી પ્રેમનો છોડ છે. ખુશી આપણો શૃંગાર છે. ખુશી આપણું ચરિત્ર છે. ખુશી એક દવા છે. ખુશી આંતરિક શક્તિ છે.”
આમ, ખુશ રહેવા માટે સ્વની ઓળખ, સ્વ ના સ્વરૂપની ઓળખ, સ્વ ના સ્થાનની ઓળખ, સ્વ ના કર્તવ્યની ઓળખ, સ્વ ના રચનાકારની ઓળખ અને સ્વ ની વાસ્તવિક સમજની ઓળખ હોવી જરૂરી છે. એટલે જ કહેવાય છે કે ખુદકો દેખો ઓર ખુદાકો દેખો. ખુશ રહે ઓર ખુશીયાં બાટતે રહે...
લેખક :પ્રો. ડો. તૃપ્તિ છાંટબાર માંગરોળ
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.