એક કા ડબલ’ની લાલચ આપી ફોટોગ્રાફર સાથે રૂ.૫ લાખની છેતરપિંડી
યુનિવર્સિટી રોડ, ઝવેરચંદ મેઘાણી ટાવરમાં રહેતા ફોટોગ્રાફરે યાજ્ઞિક રોડ, માધવ કોમ્પ્લેક્સમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામની કંપનીમાં પોતાના પાંચ લાખ રોક્યા હતા છે.પૈસાનું ગઠિયો ફૂલેકું ફેરવી નાખતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ફોટોગ્રાફરની પત્નીને તેમના સાથે છેતરપીંડી થયાની જાણ થતા તેણીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ યુનિવર્સિટી રોડ,ઝવેરચંદ મેઘાણી ટાવરમાં રહેતા મહેશભાઇ મોહનભાઇ પરમાર નામના ફોટોગ્રાફરે યાજ્ઞિક રોડ, માધવ કોમ્પ્લેક્સમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામની ઓફિસ ધરાવતા પલક પ્રફુલ્લ કોઠારી નામના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલા તે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં એડવાઇઝરી તરીકે નોકરી કરતા હતા. ત્યારે કંપનીના મેનેજર શેખર બાજપાઇએ મારા મિત્રની પેઢીમાં રોકાણ કરવાથી ઘણો ફાયદો થશે તેવી વાત કરી હતી.
જેથી પોતાની પાસે રૂ.5 લાખ હોય અને રોકાણ કરવું હોવાનું જણાવતા તેઓ રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસે લઇ ગયા હતા. જ્યાં પલક સાથે ઓળખાણ કરાવી હતી. બાદમાં રોકાણ કરવા માટે પલક કોઠારીને રૂ.5 લાખનો ચેક આપ્યો હતો.
જેથી પલક કોઠારીએ અઠવાડિયા બાદ એગ્રીમેન્ટ કરવાની વાત કરી હતી. ત્યાર બાદ પલક કોઠારીની ઓફિસે જઇ ત્યાંથી મંગળા મેઇન રોડ પરના વકીલ પાસે લઇ ગયા હતા. ત્યાં રૂ.300ના સ્ટેમ્પ પેપરમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં ટ્રેડિંગ કરી પ્રોફિટ તથા રોકાણ 11 મહિના માટેનું એગ્રીમેન્ટ કરાયું હતું. બાદમાં લાંબા સમય પછી પણ એગ્રીમેન્ટ મુજબનું કંઇ નહિ થતા પલક કોઠારી કોઇને કોઇ બહાના બતાવી વાત ઉડાડી દેતો હતો. બાદમાં તેને ઓફિસ બંધ કરી દીધી હતી. એગ્રીમેન્ટ સમયે પલક કોઠારીએ આપેલો ચેક વસૂલવા નાખતા તે રિટર્ન થયો હતો. દરમિયાન ગઇકાલે ફરી પલકને ફોન કરતા સાંજે રૂબરૂ મળવાનું બહાનું બતાવ્યું હતું. બાદમાં તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો. આમ પલક કોઠારીએ છેતરપિંડી કરી હોવાનું પત્ની ભાવનાને ખબર પડતા તેને ગઇકાલે જલદ લિક્વિડ પી લેતા હોસ્પિટલ ખસેડાઇ હતી. અંતે પલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.