B.Edના સેમ.1ના વિદ્યાર્થીઓને સેમ.2 નું પેપર આપી દીધું, ફરિયાદ કરી તો કહેવાયું કે ‘ગમે તે લખી નાખો’ બાદમાં તમામને પાસ પણ કરી દેવાયા
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પેપરમાં છબરડો છતાં તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનું કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ અને બી.કોમ સેમેસ્ટર-5ના પેપર ફૂટ્યા બાદ હવે જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીનું પણ પેપર કૌભાંડ બહાર આવ્યું છે. 15 ફેબ્રુઆરી-2022માં લેવાયેલી બી.એડ સેમેસ્ટર-1ની હિન્દી વિષયની પરીક્ષામાં પહેલા સેમેસ્ટરને બદલે બીજા સેમેસ્ટરના કોર્સનું પેપર વિદ્યાર્થીઓને આપી દેવાયું હતું. વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવતા જ તેઓએ સુપરવાઈઝર અને ત્યારબાદ ડીન, પરીક્ષા નિયામક અને કુલપતિ સુધી વાત પહોંચતા છબરડો બહાર આવ્યો હતો.
ત્યારબાદ આ છબરડો બહાર ન આવે અને વિવાદ ન થાય તે માટે વિદ્યાર્થીઓને પેપરમાં ગમે તે વિગતો લખી નાખવા જણાવાયું હતું. વિદ્યાર્થીઓ પહેલા સેમેસ્ટરના હતા, બીજા સેમેસ્ટરના કોર્સ વિશે પણ તેઓ અજાણ હોવા છતાં વિદ્યાર્થીઓએ પેપરમાં ગમે તે લખ્યું. આશ્ચર્યજનક વાત એ છે કે આ પેપરમાં તમામ વિદ્યાર્થીઓને કશું નહીં આવડતું હોવા છતાં તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા. બી.એડ સેમેસ્ટર-1ની પરીક્ષા આપનાર કુલ અંદાજિત 108 વિદ્યાર્થીઓમાંથી 80% વિદ્યાર્થીઓને 35માંથી 35 માર્ક આવ્યા હોવાનુ પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર કૌભાંડ ડીન, પરીક્ષા નિયામક અને કુલપતિએ દબાવી દીધું હતું પરંતુ હાલ બહાર આવી જતા જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ચર્ચા જાગી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.