દક્ષિણ કોરિયાને પુતિનની ચેતવણી- યુક્રેનને શસ્ત્રો ન આપો:જો આવું થશે તો અમે પગલાં લઈશું; રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે 19 જૂને સંરક્ષણ સોદો થયો હતો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દક્ષિણ કોરિયાને ચેતવણી આપી છે કે, જો દક્ષિણ કોરિયા રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને શસ્ત્રો આપે તો તે મોટી ભૂલ હશે. અગાઉ દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે, તે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેના નવા સંરક્ષણ સોદાને ધ્યાનમાં રાખીને યુક્રેનને શસ્ત્રો આપવાનું વિચારી રહ્યું છે. જેના જવાબમાં પુતિને આ વાત કહી. વિયેતનામની મુલાકાત દરમિયાન પુતિને પત્રકારોને કહ્યું હતું કે, જો તેઓ યુક્રેનને શસ્ત્રો આપશે તો અમને પણ એવા પગલા ભરવાની ફરજ પડશે. જે દક્ષિણ કોરિયાના વર્તમાન નેતૃત્વને ખુશ નહીં કરે. પુતિને કહ્યું- રશિયા ઉત્તર કોરિયાને હથિયાર આપી શકે
પુતિને એવી ચેતવણી પણ આપી હતી કે, જો અમેરિકા અને તેના સાથી દેશો યુક્રેનને હથિયાર આપવાનું ચાલુ રાખશે તો રશિયા ઉત્તર કોરિયાને હથિયારો આપવાનું ચાલુ રાખશે. પુતિને કહ્યું કે જે લોકો યુક્રેનને શસ્ત્રો આપી રહ્યા છે તેઓ એવા ભ્રમમાં છે કે તેઓ અમારી સાથે યુદ્ધ નથી કરી રહ્યા. પુતિને કહ્યું- દક્ષિણ કોરિયાએ ચિંતા કરવાની જરૂર નથી
પુતિને એવો પણ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના નવા સંરક્ષણ સોદા અંગે દક્ષિણ કોરિયાએ ચિંતા કરવાની જરૂર નથી. પુતિને કહ્યું કે, ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા વિરુદ્ધ કોઈ હુમલાની યોજના બનાવી રહ્યું નથી. આ સાથે પુતિને નાટો પર એશિયામાં રશિયા માટે "ખતરો પેદા કરવાનો" આરોપ લગાવ્યો. રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે નવો સંરક્ષણ સોદો
હકીકતમાં, બે દિવસ પહેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિન ઉત્તર કોરિયાના પ્રવાસે હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે નવા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ડીલ મુજબ હવે જો કોઈ દેશ નોર્થ કોરિયા કે રશિયા પર હુમલો કરશે તો તેને બંને દેશો પર હુમલો માનવામાં આવશે. આવી સ્થિતિમાં બંને દેશ સાથે મળીને લડશે. કિમ જોંગ ઉને નવા સંરક્ષણ સોદાને 'એલાયન્સ' નામ આપ્યું છે. ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના આ સંરક્ષણ સોદાથી દક્ષિણ કોરિયા નારાજ થઈ ગયું અને તેણે રશિયન રાજદૂત સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. દક્ષિણ કોરિયાએ આ કરારને રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ગણાવ્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ કરાર દક્ષિણ કોરિયાની સુરક્ષા માટે ખતરો છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન છે. આનાથી રશિયા-દક્ષિણ કોરિયાના સંબંધો પર નકારાત્મક અસર પડશે. પુતિનની 'ધમકી' બાદ દક્ષિણ કોરિયાની પ્રતિક્રિયા
આ પછી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચાંગ હો-જિને કહ્યું હતું કે, હવે તેમનો દેશ 'યુક્રેનને હથિયારો આપવા'ના મુદ્દા પર વિચાર કરી રહ્યો છે. જો કે, પુતિનની 'મજબૂત ટિપ્પણી' પછી, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે, તે યુક્રેનને શસ્ત્રો આપવાના વિકલ્પ પર વિચાર કરશે અને તેનું વલણ રશિયા આ મુદ્દાને કેવી રીતે જુએ છે તેના પર નિર્ભર રહેશે. સીએનએનના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયા પહેલાથી જ યુક્રેનને માનવતાવાદી સહાય અને હથિયારો આપી ચૂક્યું છે, પરંતુ અત્યાર સુધી તેણે યુક્રેનને ઘાતક હથિયારો આપવાનું ટાળ્યું છે. હકીકતમાં, દક્ષિણ કોરિયાની સત્તાવાર નીતિ યુદ્ધ લડતા દેશોને શસ્ત્રો આપવા પર પ્રતિબંધ મૂકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.