સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ - At This Time

સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ


સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ

વિશ્વ શાંતિ અને કલ્યાણની કામના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતા પાર્વતીની પ્રતિવર્ષ નવરાત્રિમાં દૈનિક રાજોપચાર પૂજા કરાય છે...

જગતજનની માતા શક્તિની આરાધનાનો મહાપર્વ એટલે શારદિય નવરાત્રી, જ્યારે સમગ્ર વિશ્વમાં વસતા માતાના ભક્તો નવરાત્રીના નવ દિવસ અને રાત માતાની આરાધના કરતા હોય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ બિરાજે છે એ પ્રભાસતીર્થ કે જેનો શાસ્ત્રોમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઉલ્લેખ છે, જ્યાં માતા સરસ્વતીએ વડવાનલ અગ્નિ સમુદ્રમાં પધરાવેલ એવા પ્રભાસ તીર્થમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે નૌરત્રીના પ્રારંભ સાથે શ્રી સોમનાથ મંદિરની નિશ્ચિત પ્રણાલિકા અનુસાર શ્રી સોમનાથ મહાદેવ સાથે બિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી. નવરાત્રીના નવ દિવસ શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં મંદિરના પૂજારીશ્રીઓ દ્વારા 3.5થી 4 કલાકની રાજોપચાર મહાપૂજા કરવામાં આવશે. આદિ કાળમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા રાજોપચાર મહાપૂજા કરવામાં આવતી હતી. ત્યારે સોમનાથ મંદીરના પૂજારીશ્રીઓ દ્વારા વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે માતા પાર્વતી સૌનું કલ્યાણ કરે તેવી પવિત્ર ભાવનાથી મહાપૂજન કરવામાં આવ્યું હતું. ભકતો નવરાત્રીના પ્રથમ દિવસે માતા પાર્વતી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં બિરાજમાન માતા ત્રપુર સુંદરી અને માટે આંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

આ સાથે વિશેષ રૂપે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મનો લેપ લગાવીને તેમના પર માતા શક્તિની મુખાકૃતિ તૈયાર કરી મહાદેવને દેવી દર્શન શૃંગાર કરવામાં આવેલ. માતા શક્તિના સ્વરૂપમાં ભગવાન શિવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય થયા હતા.

આ સાથે જ શ્રી સોમનાથ મંદિર સમીપ બિરાજમાન માતા વાઘેશ્વરીના મંદિરે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા માતા વાઘેશ્વરી-જોગેશ્વરીના પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. આ તકે સ્થાનિક ભક્તો અને બાળાઓ આ પૂજન માં જોડાયા હતા અને માતાની આરાધના કરવા ભક્તિમય સંગીત સાથે ગરબે ઘૂમ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.