વડોદરા: આજવા રોડ ચામુંડા નગરમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણીની મુશ્કેલી મુદ્દે મોરચો: માટલા ફોડી વિરોધ
વડોદરા,તા.6 જુલાઈ 2022,બુધવારછેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળવાની સમસ્યાથી કંટાળેલા આજવા રોડ ચામુંડા નગરના રહીશોએ કોર્પોરેશનની વોર્ડ કચેરી ચાર ખાતે માટલા ફોડી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. આમ, ચોમાસાની ઋતુ દરમિયાન પણ સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો કકડાટ જોવા મળ્યો છે.વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા ચામુંડા નગર 02 ના રહીશોનો મોરચો આજે કોર્પોરેશનની વોર્ડ કચેરી 04 ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેમણે તંત્ર વિરુદ્ધ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી માટલા ફોડી જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. અને મળે છે તો દૂષિત મળે છે જેના કારણે 500 રૂપિયા પ્રતિ ટેન્કર પાણી ખરીદી બે વર્ષથી જીવન ગુજારી રહ્યા છે. બાજુની સોસાયટીમાં પાણી ભરવા જઈએ તો ત્યાં પણ કકડાટ થાય છે. અગાઉ અનેક વખત રજૂઆત કરી છે હવે કોઈ પણ ભોગે અમારી સમસ્યા દૂર કરી આપે તો સારું છે. સવારે ઊઠે એટલે ચા નાસ્તો નહીં કરવાનો પરંતુ બેડા લઈને નીકળી પડવાનું. આવી પરિસ્થિતિ વચ્ચે અમે દિવસો પસાર કરી રહ્યા છે. આમ ભારે આક્રમકતા સાથે અધિકારીઓને અપશબ્દો બોલી માટલાના ટુકડા અધિકારીઓના ટેબલ પર મૂક્યા હતા. જે નાસીપાસ થયેલા રહીશોની વેદનાને વાચા આપે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.