પ્રિયંકા ગાંધીએ વાયનાડથી ઉમેદવારી નોંધાવી:કહ્યું- 35 વર્ષ પિતા, માતા, ભાઈ માટે પ્રચાર કર્યો, પહેલીવાર હું મારા માટે સમર્થન માંગી રહી છું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ રોડ શો બાદ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભાઈ રાહુલ ગાંધી, માતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ- અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યાં હતાં. પ્રિયંકાએ નોમિનેશન પહેલાં કહ્યું- જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે મેં 1989માં પહેલીવાર મારા પિતા માટે પ્રચાર કર્યો હતો. ત્યારથી આ 35 વર્ષ માતા અને ભાઈ માટે મત માગ્યા. હવે પહેલીવાર હું મારા માટે સમર્થન માગી રહી છું. પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપે નાવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકાના નોમિનેશન અંગે નાવ્યાએ કહ્યું- પ્રિયંકા વાયનાડમાં 7 દિવસ રોકાશે, પરંતુ હું પૂરાં 5 વર્ષ કામ કરીશ. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોમિનેશન પહેલાં તેઓ રોડ શો કર્યો છે. પ્રિયંકા સાથે રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ હાજર હતા. રોડ શો બાદ પ્રિયંકા ફોર્મ ભર્યુ હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને યુપીની રાયબરેલી લોકસભા બેઠક પરથી જીત્યા હતા. બાદમાં તેમણે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલી પસંદ કરી અને વાયનાડ છોડી દીધી. કેરળમાં બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી પણ છે. પાર્ટીએ બંને બેઠક માટે ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. રાહુલે કહ્યું- હું વાયનાડની મુલાકાત કરતો રહીશ
વાયનાડ સીટ છોડતી વખતે 17 જૂને રાહુલે કહ્યું હતું - વાયનાડ અને રાયબરેલી સાથે મારો ગાઢ સંબંધ છે. હું છેલ્લાં 5 વર્ષથી વાયનાડથી સાંસદ હતો. હું લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી ચૂંટણી લડશે, પરંતુ હું વાયનાડની મુલાકાત કરતો લઈશ. રાયબરેલી સાથે મારો જૂનો સંબંધ છે, મને ખુશી છે કે મને ફરીથી તેમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, પરંતુ એ એક મુશ્કેલ નિર્ણય હતો. વાયનાડ સીટ છોડ્યા બાદ રાહુલે ત્યાંના લોકોને પત્ર પણ લખ્યો હતો. પત્રમાં તેમણે વાયનાડ સીટ છોડવા પાછળની પોતાની પીડા અને ત્યાંના લોકો તરફથી મળેલા પ્રેમ વિશે લખ્યું હતું. તેમણે લખ્યું છે કે પાંચ વર્ષ પહેલાં જ્યારે હું તમને મળ્યો ત્યારે હું તમારા માટે અજાણ્યો હતો, છતાં તમે મારા પર વિશ્વાસ કર્યો. પ્રિયંકાએ કહ્યું- હું વાયનાડને રાહુલની કમી અનુભવવા નહીં દઉં રાહુલની જાહેરાત બાદ પ્રિયંકાએ કહ્યું હતું- મને વાયનાડનું પ્રતિનિધિત્વ કરવામાં ખૂબ જ આનંદ થશે. હું વાયનાડને તેમની (રાહુલ ગાંધીની) કમી અનુભવવા નહીં દઉં. હું સખત મહેનત કરીશ. હું દરેકને ખુશ કરવા અને એક સારી પ્રતિનિધિ બનવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. રાયબરેલી અને અમેઠી સાથે મારો ઘણો જૂનો સંબંધ છે, એને ભૂલી શકાય એમ નથી. હું રાયબરેલીમાં મારા ભાઈને પણ મદદ કરીશ. અમે રાયબરેલી અને વાયનાડ બંને જગ્યાએ હાજર રહીશું. મતદાન ક્યારે થશે? 15 ઓક્ટોબરે ચૂંટણીપંચે 48 વિધાનસભા મતવિસ્તાર અને બે સંસદીય બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે આ પેટાચૂંટણીઓ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થશે, જેમાં કેરળની 47 વિધાનસભા બેઠક અને વાયનાડ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે તેમજ બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરના રોજ થવાનું છે, જે દરમિયાન ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક માટે મતદાન થશે અને ત્યાર બાદ 23 નવેમ્બરે મતગણતરી થશે, પરિણામ જાહેર કરવામાં આવશે. વ્યક્તિ એકસાથે બે ગૃહનો સભ્ય ન બની શકે
બંધારણ હેઠળ કોઈ વ્યક્તિ એકસાથે સંસદ અથવા બંને ગૃહ અથવા સંસદ અને રાજ્ય વિધાનસભાના બંને ગૃહોના સભ્ય ન બની શકે તેમજ તે એક ગૃહમાં એક કરતાં વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. બંધારણની કલમ 101 (1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 68 (1) હેઠળ, જો કોઈ જનપ્રતિનિધિ 2 બેઠક પરથી ચૂંટણી જીતે છે, તો તેણે ચૂંટણી પરિણામ જાહેર થયાના 14 દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની રહેશે. જો કોઈ બેઠક ન છોડે તો તેની બંને બેઠક ખાલી થઈ જાય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી:NCP અજિત જૂથની પ્રથમ યાદી જાહેર, ડેપ્યુટી CM અજિત પવાર બારામતીથી મેદાનમાં; નવાબ મલિકનું નામ નહીં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે NCP (અજિત પવાર જૂથ)એ બુધવારે પ્રથમ યાદી જાહેર કરી હતી. એમાં 38 ઉમેદવારનાં નામ જાહેર કરાયાં છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે. જ્યારે છગન ભુજબળ યેવલા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીના નેતા દિલીપ વાલસે પાટીલ અંબેગાંવ બેઠક પરથી ચૂંટણી લડશે. અજિત પવારની એનસીપીએ કાગલ સીટ પરથી હસન મુશ્રીફને ટિકિટ આપી છે જ્યારે ધનંજય મુંડે પરલી સીટ પરથી ચૂંટણી લડશે. આ યાદીમાં મોટા નેતાઓમાં સામેલ નવાબ મલિક અને સના મલિકના નામ નથી. બારામતી લોકસભા બેઠક શરદ પવારની પરંપરાગત બેઠક રહી છે. આ વખતે તેમની પુત્રી સુપ્રિયા સુલે અહીંથી જીત્યા હતા. સુપ્રિયાએ લોકસભા ચૂંટણીમાં અજિત પવારની પત્ની સુનેત્રા પવારને હરાવ્યા હતા. અગાઉ મંગળવારે મોડીરાત્રે શિવસેના (શિંદે જૂથ)એ 45 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે કોપરી પચપાખાડીથી ચૂંટણી લડશે. જ્યારે મંત્રી ઉદય સામંતને રત્નાગિરિથી ટિકિટ આપવામાં આવી છે. મહાયુતિએ અત્યારસુધીમાં 182 નામની જાહેરાત કરી છે, જેમાં ભાજપના 99, શિવસેના (શિંદે જૂથ)ના 45 અને અજિત જૂથના 38 ઉમેદવારનાં નામ સામેલ છે. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.