મોંઘવારીએ માઝા મૂકી:ખાદ્યતેલ, ડુંગળી અને ઘઉંના વિક્રમી ઉત્પાદન છતાં ભાવમાં તોતિંગ વધારો
દેશમાં વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં સોયાબીન તેલ, ડુંગળી અને લોટ જેવી અત્યંત આવશ્યક ખાદ્યસામગ્રીના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. સોયાબીન તેલ તો માત્ર 13 દિવસમાં 30% મોંઘું થઈ ગયું છે. ડુંગળીના ભાવ માત્ર 4 મહિનામાં જ અઢી ગણા (20-25 રૂ.થી 60 રૂ. સુધી) વધી ગયા. લોટ છેલ્લા 6 મહિનામાં 7 રૂપિયાથી પણ વધુ મોંઘો થયો છે. દેશમાં આ વખતે 1.27 કરોડ ટન સોયાબીનના ઉત્પાદનનું અનુમાન છે. ગયા વર્ષે 1.25 કરોડ ટન જ હતું. એ જ રીતે રવી સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન 1.91 કરોડ ટન હતું. એ ગત રવી સિઝન કરતાં 27% વધુ છે. બીજી તરફ 23-24ની સિઝનમાં વિક્રમી 11.292 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું જે આ પહેલાં ક્યારેય આટલું ઉત્પાદન થયું નથી. 2022-23માં એ 11.05 કરોડ ટન હતું. એટલે કે અંદાજે 3% વધુ વધ્યું છે. વિક્રમી ઉત્પાદન છતાં મોંઘવારી વધવા પાછળનું મોટું કારણ સરકારી નિર્ણયો છે. મે મહિનામાં ખેડૂતોની માગણીને પગલે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરાયો હતો. ત્યાર પછી ડુંગળીના ભાવમાં તેજી શરૂ થઈ હતી. આ વખતે સોયાબીનનો પાક સારો હતો. શાકમાર્કેટમાં ખેડૂતોને ભાવ મળતો નહોતો. નારાજ ખેડૂતોએ આંદોલનનાં મંડાણ કર્યા ત્યારે સરકારે સોયાબીનના ટેકાના ભાવ વધારી ખરીદી શરૂ કરી. ખાદ્યતેલ પર આયાત કર સીધો 22% વધારી દીધો. પરિણામે ભાવમાં તેજી આવી. ઘઉંમાં આ વખતે સરકારે બે વર્ષથી ખાલી પડેલા ગોડાઉનો ભરવા માટે ટેકાના ભાવે જંગી ખરીદી કરી. મુક્ત બજારમાં ઘઉંની ઉપલબ્ધતા ઘટી તો નફાખોરોએ ભાવ વધારી દીધા. નાસિકના જિલ્લા ડુંગળી ઉત્પાદક ખેડૂત સંઘનાં નિવૃત્ત અધ્યક્ષ નિહારકરે કહ્યું કે રવી ઋતુમાં ડુંગળીનું ઉત્પાદન 1.91 કરોડ ટન થયું એ ગઈ વખત કરતાં 27% વધુ છે. આ સિઝનમાં ઉત્પાદન 2 કરોડ ટન પણ થાય તો સિઝનનું કુલ ઉત્પાદન 3.5 કરોડ ટન થઈ શકે છે. આ વિક્રમ ગણાશે. ડુંગળીની નિકાસની પરવાનગી મળ્યા પછી એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર લાસલગાંવમાં ભાવ 7-8 રૂ. જ વધ્યા છે. પણ દેશના બીજા ભાગોમાં ભાવ ગત વર્ષ કરતાં બેગણા (અંદાજે 60 રૂપિયા) થઈ ગયા છે. ખિસ્સા પર આ રીતે અસર: ખાદ્યતેલ ઝડપથી મોંઘું થયું એક્સપર્ટ: આયાતવેરો વધારો, પાકના યોગ્ય ભાવ આપો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.