26મી નવેમ્બરે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવાની તૈયારી:બંધારણ દિવસના 75 વર્ષ પૂર્ણ થવા અંગે મોદી સરકાર નિર્ણય લઈ શકે છે
'બંધારણ બદલવા' અને 'બંધારણ બચાવવા' અંગે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો ચાલુ છે. આ દરમિયાન, નરેન્દ્ર મોદી સરકાર 26 નવેમ્બરે સંસદનું વિશેષ સંયુક્ત સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે. આ સત્ર બંધારણના પસાર થયાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને સમર્પિત કરવામાં આવશે, જે નવી સંસદમાં બોલાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું- સંસદનું શિયાળુ સત્ર સામાન્ય રીતે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં શરૂ થાય છે, પરંતુ 'બંધારણ દિવસના 75 વર્ષ'ના અવસર પર તેને એક સપ્તાહ વહેલું બોલાવી શકાય છે. 70મા બંધારણ દિવસ પર પણ શિયાળુ સત્રનો પ્રથમ દિવસ આ આયોજનને સમર્પિત હતો. સૂત્રોએ જણાવ્યું કે, રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં બંધારણ દિવસ પર સંયુક્ત સત્ર બોલાવવા અને શિયાળુ સત્રની તારીખો અંગે નિર્ણય લેશે. કેબિનેટ સમિતિ સંયુક્ત બેઠકના આયોજનનું ફોર્મેટ પણ નક્કી કરશે. શું આ કોઈ વિશેષ કાર્યક્રમ હશે કે સંયુક્ત સત્રમાં તમામ પક્ષો દ્વારા ચર્ચા માટે ખુલ્લું મુકવામાં આવશે, તેની રૂપરેખા હજુ સ્પષ્ટ નથી. 2 રાજ્યોની ચૂંટણીની તારીખો પર પણ નિર્ભર છે
સંસદના શિયાળુ સત્રની તારીખો નક્કી કરવી એ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમ પર પણ આધાર રાખે છે. ચૂંટણી પંચે બંને રાજ્યોની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી છે. પંચ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પણ કરી શકે છે. સંસદીય કાર્ય સાથે બંધારણ દિવસની ઉજવણી કરવાનો સરકારનો ઈરાદો એવા સમયે મહત્વપૂર્ણ છે જ્યારે સામાન્ય ચૂંટણીઓ બાદ પણ બંધારણને લઈને વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચેની લડાઈ ચાલી રહી છે. જાતિ ગણતરીની સાથે સાથે પછાત વર્ગોની અનામત બચાવવા અને વધારવાના મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, અનુસૂચિત જાતિઓમાં પેટા-શ્રેણીઓ બનાવવા અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયે પણ બંધારણ સાથે જોડાયેલી ચર્ચાને તેજ બનાવી દીધી છે. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ પસાર થયું હતું
બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ પસાર કર્યું હતું, જેને દેશ દ્વારા 26 જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને દર વર્ષે 26 નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે ઉજવવાના નિર્ણયની સૂચના આપી હતી. તેનો હેતુ નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા તરીકે આ દિવસની ઉજવણી કરવાનો છે. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ લાગુ કેમ ન થયુ?
આમ કરવા પાછળ એક ખાસ કારણ હતું, ખરેખરમાં 26 જાન્યુઆરી, 1930ના રોજ કોંગ્રેસે દેશની સંપૂર્ણ આઝાદીનો નારો આપ્યો હતો. આની યાદમાં બંધારણના અમલ માટે 26 જાન્યુઆરી, 1950 સુધી રાહ જોઈ. ખરેખરમાં, 1929માં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પ્રથમ વખત પૂર્ણ સ્વરાજના શપથ લેવામાં આવ્યા હતા. તે સત્રમાં, બ્રિટિશ સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે ભારતને 26 જાન્યુઆરી, 1930 સુધીમાં સાર્વભૌમ દરજ્જો આપવામાં આવે. ત્યારબાદ 26 જાન્યુઆરી, 1930ના રોજ પહેલીવાર પૂર્ણ સ્વરાજ અથવા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પછી, 15 ઓગસ્ટ, 1947 સુધી એટલે કે 26 જાન્યુઆરી, 1930 પછીના 17 વર્ષ સુધી 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દિવસના મહત્વને કારણે 26 જાન્યુઆરી 1950માં દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને તેને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.