ચંદ્ર પર ભારતીયને મોકલવાની તૈયારીઓ શરૂ:અમદાવાદ PRLના ડાયરેક્ટરે કહ્યું, આના માટે ટેકનોલોજી ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે - At This Time

ચંદ્ર પર ભારતીયને મોકલવાની તૈયારીઓ શરૂ:અમદાવાદ PRLના ડાયરેક્ટરે કહ્યું, આના માટે ટેકનોલોજી ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે


ભારતના લોકો માટે સારા સમાચાર છે. સ્પેસ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓએ ભારતીયને ચંદ્ર પર મોકલવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટેનું ટેકનોલોજીનું કામ શરૂ થઈ ગયું છે. આ વાતની પુષ્ટિ ઈસરોની બેકબોન ગણાતી PRL (ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી)ના ડાયરેક્ટરે કરી છે. 54 વર્ષ પહેલાં અમેરિકન માનવીએ ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો. આ ઘટનાના 70 વર્ષ પછી ચંદ્ર પર મૂકનારો કોઈ હશે તો એ ભારતીય હશે. PRLના ડાયરેક્ટરે શું કહ્યું?
અમદાવાદમાં આવેલી ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી (PRL)ના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, માણસ જીજ્ઞાસુ રહ્યો છે. કાંઈને કાંઈ કરતો રહે છે એટલે દૂરના ભવિષ્યમાં માર્સ પર જીવન શક્ય બને પણ ખરું પણ ચંદ્ર પર તો માણસ નજીકના ભવિષ્યમાં જ એટલે 20થી 50 વર્ષની અંદર સેટલમેન્ટ કરશે. એ ચંદ્ર પર રહેતો હશે.
કેન્દ્ર સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ઈસરોને કહ્યું છે કે, 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ થાય તે પહેલાં ભારતીય માનવ ચંદ્ર પર ડગલું માંડી ચૂક્યો હશે. તેની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ચૂકી છે. ઘણું બધું ટેકનોલોજી ડેવપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ એક લાંબી પ્રક્રિયા છે. કેટલાય વર્ષોની તૈયારી પછી આ કાર્ય શક્ય બને છે. ભારતીય સ્પેસ સ્ટેશન 2035માં અવકાશમાં જ તૈયાર થઈ જશે!!
ઈસરોના ચેરેમન એસ.સોમનાથે થોડા સમય પહેલાં એસ્ટ્રોનોમિકલ સોસાયટીની કોન્ફરન્સમાં પણ ભારતીયને ચંદ્ર પર મોકલવાની માહિતી આપી હતી. તેમણે કહેલું કે, ઈસરો 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન (BAS) બનાવી લેશે અને 2040 સુધીમાં આપણે એક ભારતીયને ચંદ્ર પર મોકલી શકીએ તેવી ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે. ચંદ્ર પર માણસ લઈ જનારું ભારતીય સ્પેસ સ્ટેશન પાંચ અલગ-અલગ ભાગોને જોડીને બનાવવામાં આવશે. ભારતીય સ્પેસ સ્ટેશનને અલગ અલગ ભાગોમાં લોન્ચ કરવામાં આવશે અને અવકાશમાં એકસાથે જોડવામાં આવશે. તેના પહેલા ભાગને LVM3 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તેનું પ્રથમ લોન્ચ 2028માં થશે. આ માટે અલગથી દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે, જેને મંજૂરી માટે સરકારને મોકલવામાં આવશે. ભારતીય અવકાશયાત્રી 2040માં ચંદ્ર પર પગ મૂકે તેવું પ્લાનિંગ થઈ રહ્યું છે. 2026માં નાસા વ્યક્તિને ચંદ્ર સુધી મોકલશે, ચંદ્ર ઉપર નહીં !!
નાસા 54 વર્ષ પછી ચંદ્ર સુધી એસ્ટ્રોનોટ્સને મોકલશે. આર્ટેમિસ-2 મિશન હેઠળ 2026માં ચાર એસ્ટ્રોનોટ્સ ચંદ્રની આસપાસ પરિક્રમા કરીને પૃથ્વી પર પાછા આવશે. આ ક્રૂમાં પહેલીવાર એક મહિલા અને આફ્રિકન (અશ્વેત)-અમેરિકન એસ્ટ્રોનોટ્સ પણ સામેલ હશે. અપોલો મિશનના 54 વર્ષથી વધુ સમય પછી કોઈ માણસ ચંદ્ર સુધી જશે. કોચ તરીકે ક્રિસ્ટીના હેમોકને આ 10 દિવસના ચંદ્ર મિશન માટે નિષ્ણાત તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આ પહેલાં ક્રિસ્ટિનાએ સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. મૂન મિશન દરમિયાન અવકાશયાત્રીઓ ચંદ્ર પર પગ નહીં મૂકે. આ એક ફ્લાયબાય મિશન છે જેના હેઠળ અવકાશયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરીને પાછા આવશે. એપોલો પછી નાસા આર્ટેમિસ નામના રોકેટમાં માણસોને મોકલશે. નાસાએ જે બે યાન એપોલો અને આર્ટેમિસ નામ આપ્યા છે તેની પાછળનું કારણ છે. ગ્રીક માઈથોલોજીમાં જોડિયાં ભાઈ બહેન છે. એપોલોને સૂર્યના ભગવાન અને આર્ટેમિસને ચંદ્રનાં દેવી કહેવામાં આવે છે. એટલે અમેરિકાએ તેના પહેલા ચંદ્ર મિશનનું નામ અપોલો રાખ્યું હતું અને હવેના મિશનને આર્ટેમિસ નામ આપ્યું છે. પહેલીવાર નિલ આર્મસ્ટ્રોન્ગ ચંદ્ર પર ઉતર્યા હતા
20 જુલાઈ 1969, આ તે તારીખ છે જ્યારે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઈતિહાસ રચ્યો હતો. એપોલો મૂન મિશન હેઠળ પહેલીવાર માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો. નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ અવકાશયાત્રી હતા, જેમણે ચંદ્ર પર પહોંચતાંની સાથે જ પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવી લીધું હતું. તેમના પછી, તેમના સાથી બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ઉતર્યા હતા. આ સ્પેસ મિશનમાં ત્યારે 25 બિલિયન ડોલર એટલે કે આજના હિસાબે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નાસાની રચના અમેરિકામાં 29 જુલાઈ, 1958ના રોજ થઈ હતી અને માત્ર 11 વર્ષ બાદ સ્પેસ એજન્સીએ રેકોર્ડ બનાવ્યો હતો. આર્મસ્ટ્રોન્ગ ચંદ્રની સપાટી પર અઢી કલાક રોકાયા હતા
દુનિયાભરના લોકોના હૃદયના ધબકારા ત્યારે વધવા લાગ્યા જ્યારે નીલ આર્મસ્ટ્રોન્ગ ચંદ્ર પર પહોંચવાની તૈયારીમાં હતા. 20 જુલાઈ, 1969ની સાંજે 4.17 કલાકે સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકોને નીલ આર્મસ્ટ્રોંગનો સંદેશ મળ્યો. આ સંદેશમાં આર્મસ્ટ્રોંગે કહ્યું, 'અમે ઉતર્યા છીએ.' આ સાથે આખું અમેરિકા આનંદથી રસ્તા પર ઉમટી પડ્યું હતું. ચંદ્રની સપાટી પર પગ મૂકતાં આર્મસ્ટ્રોંગે કહ્યું, 'આ એક માણસ માટે એક નાનું પગલું છે, પરંતુ સમગ્ર માનવજાત માટે એક વિશાળ છલાંગ છે.' આના થોડા સમય બાદ બઝ એલ્ડ્રિન પણ ચંદ્રની સપાટી પર ઉતર્યા હતા. બંને લગભગ અઢી કલાક ત્યાં રોકાયા. તેણે ચંદ્રની સપાટી પર અમેરિકન ધ્વજ પણ લગાવ્યો હતો. આ પછી કેટલાક ફોટોગ્રાફ લેવામાં આવ્યા અને સંશોધન માટે સપાટી પરથી ખડક અને માટી એકત્ર કરવામાં આવ્યા હતા. ચંદ્ર પર એક ડઝન માણસો જઈ આવ્યા છે; 380 કિલો ખડક ને માટી લાવ્યા છે
જુલાઈ 1969થી ડિસેમ્બર 1972 વચ્ચે અલગ અલગ છ એપોલો સ્પેસ મિશનમાં 12 જેટલા માણસો ચંદ્ર પર જઈ આવ્યા છે. આ તમામ અમેરિકન છે. આ અવકાશ યાત્રીઓ અલગ અલગ છ સ્થળોએથી 380 કિલોથી વધુ ચંદ્રના ખડક અને માટી ભેગી કરીને અભ્યાસ માટે પૃથ્વી પર લાવ્યા છે. દરેક દેશોને ચંદ્ર પર કેમ પહોંચવું છે?
ચંદ્ર પર પહોંચવાનો ખર્ચો તોતિંગ થાય. 54 વર્ષ પહેલાં નાસાએ માણસને ચંદ્ર પર મોકલ્યો હતો ત્યારે આટલા વર્ષો પહેલાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચો થયો હતો. અત્યારના સમયમાં કેટલો ખર્ચો થાય તે વિચારો તો પણ આંખો પહોળી થઈ જાય. અમેરિકા, ચીન, જાપાન, રશિયા અને ભારત આ પાંચ દેશ તો ચંદ્ર પર પહોંચવાની હોડમાં છે જ, પણ આવું કેમ? માત્ર સિદ્ધિ કે પ્રસિદ્ધિ માટે નહીં. ચંદ્ર પર યાન મોકલવું કે માનવ મોકલવા એ એક પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ જ છે. ચંદ્ર પર જવા કોઈ એક દેશ એક રૂપિયાનું રોકાણ કરે તો આવનારા સમયમાં 100 રૂપિયાનો ફાયદો થાય. એક રૂપિયા સામે 100 રૂપિયા મળે. એટલે બધા દેશોને ચંદ્ર પહોંચવું છે.
એનું કારણ જાણીએ. એક તો ચંદ્ર પર પાણીની સંભાવના છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ભાગમાં પાણી હોવાની પુષ્ટિ થઈ છે. આ પાણી ને ઓક્સિજનના મિશ્રણથી રોકેટનું ઈંધણ બનાવી શકાય છે. મંગળ પર જનારું સ્પેસ ક્રાફ્ટ ચંદ્ર પર ઉતરીને આ ઈંધણ લઈ શકશે. એટલે ચંદ્ર પર થોડીવાર રોકાઈ, પેટ્રોલ પુરાવીને મંગળ તરફ આગળ વધી શકાશે. ખેતીમાં પાણી મદદરૂપ થઈ શકે છે. ચંદ્ર પર પાણી હોવાથી માણસ સેટલમેન્ટ કરી શકે છે.
બીજું કારણ છે, કિંમતી ધાતુઓની સંભાવના. ચંદ્રની ઉજ્જડ અને નિર્જન સપાટીની નીચે સોનું, પ્લેટીનમ, ટાઈટેનિયમ અને યુરેનિયમ જેવી કિંમતી ધાતુઓ હોઈ શકે છે. નોન-રેડિયો એક્ટિવ હિલિયમ ગેસ પણ અહીં મોટા પ્રમાણમાં મળી રહે તેમ છે. એવું પણ અનુમાન છે કે, ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી દુર્લભ ધાતુઓ ચંદ્ર પરથી કાઢવામાં આવશે. ચંદ્ર પર જવા માટેના આંતરરાષ્ટ્રીય નિયમો શું હોય છે?
1967ની યુનાઈટેડ નેશન્સની સ્પેસ સમજૂતી અનુસાર, કોઈપણ દેશ અવકાશના કોઈપણ ભાગ પર દાવો કરી શકે નહીં. 1979ના યુનાઈટેડ મૂન એગ્રીમેન્ટ જણાવે છે કે જગ્યાનો ઉપયોગ વ્યાવસાયિક રીતે થવો જોઈએ નહીં. જો કે અમેરિકા, ચીન અને રશિયાએ તેના પર હસ્તાક્ષર કર્યા નથી. અમેરિકા તેના અર્ટેમિસ એકોર્ડને પ્રમોટ કરી રહ્યું છે, તેના હેઠળ વિવિધ દેશો ચંદ્રના રિસર્ચનો ઉપયોગ કરી શકે છે. રશિયા અને ચીને કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. કારણ કે તેમની દલીલ એવી છે કે અમેરિકાને અવકાશ પર નિયમ બનાવવાનો કોઈ અધિકાર નથી. સરળ શબ્દોમાં કહીએ તો, યુનાઈટેડ નેશન્સે અવકાશ માટે ચોક્કસ કેટલાક ઔપચારિક નિયમો બનાવ્યા છે પરંતુ મહાસત્તાઓ પોતાનું કામ કરી રહી છે. તેઓ જાણે છે કે જે અવકાશમાં પોતે પહોંચી જશે અને તેનો જ કંટ્રોલ રહેશે. અમેરિકાની આ દોડમાં ભારત સૌથી મોટું હરિફ બની ગયું છે. મંગળ પર વસવાટની વાતો થાય છે, તેમાં કેટલું તથ્ય?, ડો. ભારદ્વાજ શું કહે છે?
PRLના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજે કહ્યું હતું કે, મંગળ પર પહોંચવું સહેલું છે પણ ત્યાં રહેવું મુશ્કેલ છે. કારણ કે પહેલી વાત તો એ કે, માર્સથી પૃથ્વીનું અંતર એટલું વધારે છે કે ત્યાં એક તરફ જવામાં જ આઠ મહિનાથી વર્ષનો સમય લાગી શકે. આવવા- જવાનો સમય દોઢથી બે વર્ષ જેટલો થઈ શકે. એટલે એક તો સ્પેસ શિપમાં બેસીને સળંગ લાંબો સમય ટ્રાવેલ કરવું પડે. બીજું એ કે તમે ત્યાં પહોંચી જશો તો રહેશો કેવી રીતે? કોલોની કેવી રીતે બનાવી શકાય? માનો કે ત્યાં કાંઈ પણ થાય તો તમે તરત પાછા કેવી રીતે ફરી શકશો, એ સિસ્ટમ હોવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.