'પંચાયત'ના 'પ્રહલાદ ચા'એ સ્ટેશન ઉપર રાતો વિતાવી:ખોરાકમાં ખૂબ જ મરચું નાખતો, જેથી જલદી પેટ ભરાઈ જાય, કોરોનામાં પિતાના નિધનથી ભાંગી પડ્યો - At This Time

‘પંચાયત’ના ‘પ્રહલાદ ચા’એ સ્ટેશન ઉપર રાતો વિતાવી:ખોરાકમાં ખૂબ જ મરચું નાખતો, જેથી જલદી પેટ ભરાઈ જાય, કોરોનામાં પિતાના નિધનથી ભાંગી પડ્યો


'પંચાયત' નો પ્રહલાદ ચા એટલે કે ફૈસલ મલિક. છેલ્લા કેટલાક દિવસોથી આ નામની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આખરે ચર્ચા કેમ ન થાય, કારણ કે પંચાયત'ની ત્રીજી સિઝનમાં પોતાની ગંભીર એક્ટિંગથી બધાનાં દિલમાં જગ્યા બનાવી લીધી છે. 'ગેંગ્સ ઓફ વાસેપુર' જેવી ફિલ્મમાં થોડી મિનિટોનો રોલ કરનાર ફૈસલ મલિકને આજે કોઈ ઓળખની જરૂર નથી. જોકે તેની સફળતાની જર્ની બિલકુલ સરળ નહોતી. આ માટે તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના સંઘર્ષની કહાની જાણવા અમે મુંબઈના અંધેરી-વેસ્ટ, યારી રોડ પર આવેલા તેના ઘરે પહોંચ્યા હતા. અમે ડોરબેલ વગાડી તો તેણે જ દરવાજો ખોલ્યો હતો. હાય-હેલો થયું, તેણે કહ્યું પહેલા નાસ્તો કરો, પછી ઇન્ટરવ્યૂ કરીશું. ફૈસલે કહ્યું કે તેઓ અમારી રાહ જોતા હતા અને જ્યારે અમે આવીએ ત્યારે સાથે નાસ્તો કરીશું. તેણે અમને ડાઇનિંગ ટેબલ પર બેસાડ્યા. ખાવા માટે ઘણું બધું હતું, તેથી અમને ખબર ન હતી કે ક્યાંથી શરૂઆત કરવી. નાસ્તો કર્યા બાદ ઇન્ટરવ્યૂની શરૂઆત કરી હતી. ઇન્ટરવ્યૂની શરૂઆતમાં ફૈસલે કહ્યું- મુંબઈ આવ્યા પછી અમને રહેવા અને ખાવાની સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો. ખાવાના પૈસા નહોતા. કોઈક રીતે એક સમયે એક જમવાની વ્યવસ્થા જ થઇ શકતી હતી. ભોજનમાં મરચું વધુ નાખી દેતા હતા, તેથી વધારે પાણી પી શકાય અને ઓછું ખાઈએ તોપણ પેટ ભરાઈ જાય. તેણે જણાવ્યું- ફિલ્મોમાં આવતાં પહેલાં તે એક ટીવી ચેનલમાં વીડિયો-એડિટર તરીકે કામ કરતો હતો. તેને 20-20 કલાક કામ કરવાનું કહેવામાં આવતું હતું. એકવાર પગ તૂટ્યો છતાં પણ કામ તો ચાલુ જ હતું. તો ચાલો... સાંભળીએ ફૈસલના સંઘર્ષની વાર્તા તેના જ શબ્દોમાં… ફિલ્મો જોતો તો પરિવારજનો મારતાં હતાં
ફૈસલ ​​મલિકનો જન્મ ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં થયો હતો. પોતાના બાળપણના દિવસો વિશે ફૈસલે વાત કરતાં કહ્યું, 'અન્ય બાળકોની જેમ મારું બાળપણ પણ સામાન્ય હતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મોટો થઈને એક્ટર બનીશ. હા, મને ફિલ્મો જોવી બહુ ગમતી હતી, પણ મારા પરિવારના સભ્યોને મારી આ આદત બિલકુલ પસંદ ન હતી. આ કારણથી હું છૂપી રીતે ફિલ્મો જોતો હતો. ઘણી વખત મારી ચોરી પકડાઈ જતી અને મને ખૂબ માર પડતો હતો. ઘણી વખત માર ખાધા પછી પણ ફિલ્મો જોવાનું બંધ કર્યું નહીં. ગ્રેજ્યુએશન (B.Sc.) પૂર્ણ કરતાં પહેલાં જ ફૈસલ મુંબઈ જઈને એક્ટર બનાવવા માગતા હતા, પરંતુ તેના પરિવારના સભ્યો તેના નિર્ણયના વિરુદ્ધમાં હતા. આ બાબતે પરિવારજનો સાથે ભારે બોલાચાલી થઈ હતી. પછી આ સ્થિતિમાં મોટા ભાઈએ ફૈસલનો સાથ આપ્યો અને ફૈસલને મુંબઈ તેમના મિત્ર પાસે મોકલી દીધો. બાદમાં માતા અને પિતાએ પણ સાથ આપવાનું શરૂ કર્યું. સંઘર્ષ શું છે, એ મને મુંબઈ પહોંચ્યા પછી ખબર પડી
આ જર્ની વિશે ફૈસલ કહે છે, 'હું 22 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો હતો. અહીં તે BKC (મુંબઈનો વિસ્તાર)માં ભાઈના મિત્રના ઘરે રહેતો હતો. શરૂઆતમાં બધાને લાગે છે કે મુંબઈ આવ્યા પછી અમિતાભ બચ્ચન બની જવાશે. જોકે અહીં રહ્યા પછી અસલિયત ખબર પડે છે. મુંબઈ પહોંચ્યા પછી મેં કિશોર નમિત કપૂર એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગ કોર્સ કરવાનું શરૂ કર્યું. જો કે માત્ર 3 મહિના પછી મને સમજાયું કે આ મોટે ભાગે સરળ કાર્ય બિલકુલ સરળ નથી. ફી ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવી પડી. ઘરેથી વધુ પૈસાની માગણી કરવી યોગ્ય ન લાગી. આ કારણે મેં અમુક કામ કરવાનું નક્કી કર્યું. પહેલો પગાર મહિને માત્ર 700 રૂપિયા
ફૈસલે જણાવ્યું હતું કે જ્યારે તે મુંબઈ આવ્યો ત્યારે અબ્બુ તેને માસિક ખર્ચ મોકલતા હતા, પરંતુ મુંબઈનો ખર્ચ અલાહાબાદની સરખામણીમાં ઘણો વધારે હતો, તેથી લાંબા સમય સુધી તેના પિતા પર બોજ બનવા માગતો નહોતો, તેથી તેણે કમાવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, 'સૌપ્રથમ, મેં સહારા ઈન્ડિયામાં ટેપ લોગિન તરીકે કામ કર્યું, જે સામાન્ય રીતે ઈન્ટર્ન દ્વારા કરવામાં આવે છે. અહીં મને સૌથી નીચલા લેવલની નોકરી મળી. આ કામ દરમિયાન મારે કલાકો સુધી સખત મહેનત કરવી પડી અને સેંકડો વીડિયો ટેપમાંથી ચોક્કસ પ્રકારના વિઝ્યુઅલ્સ કાઢવા પડ્યા. પછી થોડા સમય પછી મેં રાત્રે એક મિત્રની મદદથી એડિટિંગ શીખવાનું શરૂ કર્યું. 2-3 મહિનામાં આખું કામ શીખી લીધું હતું. એક દિવસ મેં જાતે પ્રોમો કટ કર્યો, એડિટ કરીને સરને બતાવ્યો. મારું કામ જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા અને ટેપ ચોંટાડવાને બદલે મને પ્રોમોનું કામ મળ્યું. મારા પહેલા પગારની વાત કરીએ તો મને દર મહિને 700 રૂપિયા મળતા હતા, પછી મને 1300 રૂપિયા અને બાદમાં 3200 રૂપિયા પ્રતિ માસ મળવા લાગ્યા. સહારામાં કામ કર્યા બાદ ઝી સિનેમા અને સ્ટાર વનમાં પણ કામ કર્યું. જ્યારે 20 ફૂટ ઉપરથી નીચે પડ્યો ત્યારે પગ તૂટ્યો
ફૈસલે કહ્યું- તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હતો. એટલા માટે કે તે ઓફિસમાં 5-6 દિવસ સુધી સતત કામ કરતો હતો. એક દિવસ તેનો આ જુસ્સો તેના માટે જબરજસ્ત બની ગયો. આ ઘટના એ સમયે બની હતી, જ્યારે તે એક પ્રોજેક્ટમાં એસોસિયેટ પ્રોડ્યુસર તરીકે કામ કરી રહ્યો હતો. અહીં તેને 20 કલાક કામ કરવું પડ્યું. એક દિવસ તે ઘણા કલાકો સુધી સતત કામ કરતો હતો. ત્યાર બાદ તે 20 ફૂટની ઊંચાઈ પર ગયો અને કેમેરામાં સીન જોવા લાગ્યો. તે 20 ફુટ ઉપર હતો તેની પણ નોંધ લીધી ન હતી અને પછી અચાનક તે નીચે પડી ગયો. આ અકસ્માતમાં તેનો પગ પણ તૂટી ગયો હતો. જોકે તેણે આની તેના કામ પર અસર થવા દીધી નથી. દવાખાને જઈને પ્લાસ્ટર લગાવ્યા પછી રાત્રે ફરી કામ પર આવી ગયો હતો. જમ્યા વગર ઘણી રાત વિતાવી, રસ્તા પર અને સ્ટેશન પર પણ સૂવાનો વારો આવ્યો
સામાન્ય સ્ટ્રગલર્સની જેમ ફૈસલને પણ મુંબઈમાં જમવાની અને રહેવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું, 'જ્યારે પૈસાની અછત હતી ત્યારે હું બચત કરી શકું એ માટે આખો દિવસ ખાધા વગર પસાર કરતો હતો. તે પોતાના ભોજનમાં મરચું વધુ ખાતો અને પુષ્કળ પાણી પીતો. આમ કરવાથી વ્યક્તિ ઓછું ખાઈ છે છતાં પણ પેટ ભરાઈ જાય છે. ભાઈના મિત્રના ઘરે બહુ લાંબો સમય રહી શક્યો નહિ. સ્થિતિ એવી બની હતી કે ઘણી રાતો રસ્તા પર વિતાવવી પડી હતી. સ્ટેશનો પર પણ સૂવું પડ્યું. અનુભવની દૃષ્ટિએ આ બધી બાબતો બહુ મહત્ત્વની છે. 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં લાઇન પ્રોડ્યુસર હતો, નસીબથી આ રોલ મળ્યો
એડિટિંગ ફિલ્ડમાં જોડાયા પછી ફૈસલે એક્ટિંગમાં જવાનું બિલકુલ વિચાર્યું નહોતું, પરંતુ એક સંયોગે તેને એક્ટિંગ સાથે પરિચય કરાવ્યો. ફૈસલ ​​કહે છે, 'હું અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં લાઇન પ્રોડ્યુસર હતો. બહુ મુશ્કેલીથી અલાહાબાદમાં માત્ર 4 દિવસના શૂટિંગ માટે લોકેશન ફાઈનલ કરવામાં આવ્યું. ફિલ્મમાં ઈન્સ્પેક્ટર ગોપાલ સિંહનું પાત્ર ભજવનારી વ્યક્તિ શૂટિંગના પહેલા દિવસે આવ્યો નહોતો. પછી મને આ રોલ કરવા માટે કહેવામાં આવ્યું. શરૂઆતમાં મને લાગતું હતું કે 1-2 સીનમાં મારો રોલ હશે, તેથી મેં સંમતિ આપી. પાછળથી ખબર પડી કે આ પાત્રમાં લાંબી સ્ક્રીન સ્પેસ છે. એ દિવસે એક રસપ્રદ ઘટના પણ બની. જે વ્યક્તિ આ રોલમાં હતી તે મારા કરતાં થોડી પાતળી હતી. પ્રોડક્શન ટીમે એ મુજબ યુનિફોર્મ તૈયાર કર્યા હતા. જો બીજા યુનિફોર્મથી વ્યવસ્થા કરી હોત તો શૂટિંગમાં મોડું થઈ ગયું હોત. મજબૂરીમાં મેં કોઈક રીતે એ યુનિફોર્મ પહેર્યો, પરંતુ પેન્ટ ફાટી ગયું. એને ફરીથી ટાંકા કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ મારો શોટ પૂર્ણ થયો હતો. ફૈસલે જણાવ્યું- ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' પછી તેને માત્ર પોલીસ ઓફિસરના રોલ જ મળતા હતા. તેણે એક કે બે ઓફર સ્વીકારી હતી, પરંતુ ખરાબ સ્ટોરીલાઇનને કારણે એમાંથી મોટા ભાગની ઓફર ફગાવી દીધી હતી. આ પછી ફૈસલ 2-3 ફિલ્મ અને 4-5 સિરીઝમાં જોવા મળ્યો હતો. 'પંચાયત'માં પ્રહલાદ ચાના પાત્ર માટે ઘણું વજન વધારવું પડ્યું
ત્યાર બાદ ફૈસલને 'પંચાયત' સિરીઝ મળી, જેના કારણે તે દરેક ઘરમાં પ્રહલાદ ચા તરીકે પ્રખ્યાત થઈ ગયો. 'પંચાયત'ની ત્રીજી સિઝનમાં ફૈસલે એક અલગ જ છાપ છોડી છે. પ્રહલાદ ચાનું પાત્ર જે છેલ્લી બે સિઝનમાં મજાક કરતો હતો એ આ સિઝનમાં લોકોને રડાવી દેશે. ફૈસલે છેલ્લે જણાવ્યું હતું કે સિરીઝના ડિરેક્ટર દીપક કુમાર મિશ્રાએ પ્રહલાદ ચાનું પાત્ર તેમને ધ્યાનમાં રાખીને લખ્યું હતું. આ રીતે તે એવો એક્ટર હતો, જેનું સિરીઝ માટે પ્રથમ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું, બાકીના બધાને પાછળથી કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ રોલમાં આવવા માટે તેણે બોડી ટ્રાન્સફોર્મેશન પણ કર્યું છે. આ વિશે તેણે કહ્યું, 'કોઈ મેક-અપ વગેરે નહોતો. આ રોલ માટે મેં ઘણું વજન વધાર્યું છે. દિવસમાં માત્ર બે કલાક જ સૂતો હતો. આ કારણે મારું વજન ઘણું વધી ગયું છે. મેં મેક-અપ વગેરે લગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ મને તેમાં એવો અહેસાસ થતો નહોતો. કોરોનામાં પિતાના નિધનથી ભાંગી પડ્યો
'પંચાયત'ની ત્રીજી સિઝનમાં ફૈસલનું પાત્ર પહેલાં કરતા થોડું વધારે ગંભીર છે, કારણ એ છે કે ફૈસલનો ઓન-સ્ક્રીન પુત્ર બીજી સિઝનમાં મૃત્યુ પામે છે. તે આ વિશે કહે છે, 'મૃત્યુ એક કડવું સત્ય છે. આવું દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતું જ હોય ​​છે. કોરોના દરમિયાન મારા પિતાનું અવસાન થયું. મારા નજીકના મિત્રો પણ ગુજરી ગયા. 'પંચાયત'માં ઈમોશનલ સીન શૂટ કરતી વખતે હું તેમનો વિચાર કરતો હતો. કદાચ આ કારણે એક્ટિંગ તદ્દન સ્વાભાવિક લાગે છે. મેં જે કંઈ કર્યું છે એ બધું મેં જાતે જ કર્યું છે. મારી અંદરથી જે કંઈ બહાર આવી રહ્યું હતું ે સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યું હતું. આ કહેતાં ફૈસલ થોડો ભાવુક થઈ ગયો હતો. આગામી પ્રોજેક્ટ અંગે ફૈસલે કહ્યું- તે 3-4 ફિલ્મ અને 2-3 વેબસિરીઝમાં જોવા મળશે. 'જો તેરા હૈ વો મેરા', 'સબ ફર્સ્ટ ક્લાસ' જેવી ફિલ્મોનાં નામ આ યાદીમાં સામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.