જામનગરમાં રક્ષાબંધન પર્વના રજાના દિવસે પણ વીજ તંત્ર માટે ભારે કસોટીનો દિવસ રહ્યો
- ગાજવીજ સાથે વીજળી ત્રાટકવા થી અનેક ફીડર ફોલ્ટમાં ગયા : મોડી રાત્રી સુધીની જહેમત લઈ કામગીરી પૂર્ણ કરાઇજામનગર તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગરમાં ગઈકાલે રક્ષાબંધનના તહેવારના રજાના દિવસે પણ વીજ તંત્ર માટે કસોટીનો દિવસ રહ્યો હતો, અને બપોરે ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ ફોલ્ટ થયો હતો, તેમજ ટ્રાન્સફોર્મર બળી ગયા હતા. વરસ્તા વરસાદે, અને ભેજ યુક્ત વાતાવરણમાં મોડીરાત્રી સુધી વિજ તંત્રએ કામગીરી આટોપી લઇ વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હોવાથી સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. જામનગર શહેરમાં ગઈકાલે રક્ષાબંધનના તહેવારના દિવસે પણ વીજ તંત્રને રજા રાખવાના બદલે ડબલ કામગીરી કરવાનો વારો આવ્યો હતો. ગઈકાલે બપોરે અચાનક ભારે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં વરસાદી વીજળી ત્રાટકવાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજ ફીડરોને નુકસાન થયું હતું. અથવા તો વીજ ફીડરો ફોલ્ટમાં ગયા હતા. પટેલ કોલોની સહિતના કેટલાક વિસ્તારોમાં નાગરિકોના રહેણાંક મકાનના ઇલેક્ટ્રિક ઉપકરણો પણ બળી ગયા ના અહેવાલો મળ્યા હતા. જામનગરના સેન્ટ્રલ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ખાસ કરીને વાલકેશ્વરી નગરી ફીડર અને સનસાઈન ફીડર વગેરેમાં બે ટ્રાન્સફોર્મર પણ ફોલ્ટમાં ગયા હોવાથી આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રજાના દિવસે પણ સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઇજનેર અજય પરમાર તેમજ એન.બી.કોલડિયા વગેરે ની રાહબરી હેઠળ તંત્રની સમગ્ર ટીમ વરસતા વરસાદે પણ કામે લાગી ગઈ હતી, અને રજાના દિવસોમાં સ્ટોર ખોલાવી નવા ટ્રાન્સફોર્મર તથા અન્ય વીજ ઉપકરણો વગેરેને કઢાવી લઈ જુદા જુદા એરિયામાં બંધ પડેલા ટ્રાન્સફોર્મરો વગેરે બદલીને રાત્રિના એકાદ વાગ્યા સુધીની જહેમત લઈને વીજ પુરવઠો પૂર્વવત બનાવી દીધો હતો. જેથી સ્થાનિક રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. ગઈકાલે રક્ષાબંધનના રજાના દિવસ માટે વીજ તંત્રની ભારે કસોટી થઈ હતી, અને વીજ તંત્રની ટીમની અથાગ મહેનતને લઈને વિજ પુરવઠો પૂર્વવત બની ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.