મનપાની નકલી વેરા પહોંચ આપી ગઠિયો કારખાનેદારના રૂ.77000 લઈ છુમંતર - At This Time

મનપાની નકલી વેરા પહોંચ આપી ગઠિયો કારખાનેદારના રૂ.77000 લઈ છુમંતર


મનપાની નકલી વેરા પહોંચ આપી ગઠિયો કારખાનેદારના રૂ.77000 લઈ છુમંતર થઈ ગયો હતો. કારખાનાને સીલ મારી દેશું તેવી ચીમકી આપી ગઠિયો કળા કરી ગયો હતો. મનપાની કચેરીએ તપાસ કરતા છેતરપીંડીનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં અરજી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ, શહેરના આહીર ચોક પાસે શ્રધ્ધાનગરમાં રહેતા કારખાનેદાર અરવિંદભાઈ ગોરધનભાઇ મોલિયાએ જણાવ્યું કે, તેઓ અટીકા ફાટક પાસે ન્યુ પરમેશ્વર - 1માં રાજહંસ ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ચલાવે છે. અહીં તે ઘરઘંટી અને તેના સ્પેર પાર્ટ્સ બનાવવાનું કામ કરે છે.
રાજકોટ મહાનગર પાલિકામાંથી અગાઉ તેને જાણ કરાઇ હતી કે તેમના કારખાનાનો વેરો 1.પ6 લાખ જેટલો થઇ ગયો છે. આ અંગે હપ્તા કરી દેવાની ચર્ચા ચાલુ હતી. તે દરમ્યાન 24 ફેબ્રુઆરી આસપાસ આશરે 25 થી 30 વર્ષ સુધીનો એક યુવાન તેના કારખાને આવે છે અને વેરા બતાવી તાત્કાલીક 80 હજાર રૂપિયા ભરી દેવા કહે છે. જોકે અરવિંદભાઇ પાસે રૂપિયા ન હોવાથી તેઓ કોઇ ચુકવણું કરતા નથી.
બીજા દિવસે આ યુવાન 80 હજાર ભરાઇ ગયા હોય તેવી પહોંચ લઇ અરવિંદભાઇ પાસે આવે છે અને જો આજે ને આજે વેરો નહીં ભરે તો કારખાનુ મોટા સાહેબ આવીને સીલ કરી જશે તેવી ચીમકી આપતા અરવિંદભાઇએ પોતાની પાસે રહેલા 77 હજાર રૂપિયા આ શખ્સને ચુકવી દીધા હતા. આ યુવાન બીજા રૂપિયા પછી આવીશ તેમ કહીને ગયો હતો.જે પછી અરવિંદભાઇએ કોર્પોરેશનમાં તપાસ કરાવતા તેમનો તમામ વેરો બાકી હોવાનું જાણવા મળેલ. અધિકારીએ કહ્યું કે અમારા ખાતામાં આવા કોઇ પૈસા જમા થયા નથી. જેથી છેતરપીંડી થયાનું ખ્યાલ આવતા અનિલભાઇએ ભકિતનગર પોલીસ મથકમાં અરજી આપી હતી. હાલ આ મામલે પોલીસે સીસીટીવીના આધારે પૈસા લઇ જનાર ગઠીયાની ઓળખ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.