શાળામાં પ્રવેશ માટે ગુણવત્તાયુકત ગરીબ બાળકો જ મળી રહેતા નથી, મહાત્મા ગાંધી સ્કૂલનો હાઇકોર્ટ સમક્ષ લૂલો બચાવ - At This Time

શાળામાં પ્રવેશ માટે ગુણવત્તાયુકત ગરીબ બાળકો જ મળી રહેતા નથી, મહાત્મા ગાંધી સ્કૂલનો હાઇકોર્ટ સમક્ષ લૂલો બચાવ


અમદાવાદ,તા.10 ઓગષ્ટ 2022,બુધવારશહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૨૦ ટકા પ્રમાણે ગરીબ અને જરૃરિયાતમંદ બાળકોને પ્રવેશ અપાતો નહી હોવા અંગેની જાહેરહિતની રિટમાં મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરી એવો લૂલો બચાવ કરાયો છે કે, શાળામાં પ્રવેશ માટે ખરેખર તો ગુણવત્તાયુકત ગરીબ બાળકો જ મળી રહેતા નથી. આશ્ચર્યની વાત એ છે કે, ખુદ અમ્યુકો સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા પણ આ જવાબને સમર્થન અપાયુ હતું. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી ઓકટોબર માસમાં રાખી હતી.ખુદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે પણ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના જવાબને સમર્થન કરતાં આશ્ચર્યમહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રજૂ કરાયેલા જવાબી સોંગદનામા મારફતે એવો બચાવ રજૂ કરાયો હતો કે, શાળાએ દર વર્ષે તેની ૨૦ વિદ્યાર્થીઓની બેચમાં ચાર વિદ્યાર્થીઓને અનામત વર્ગમાં પ્રવેશ આપવો જરૃરી છે. મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે, જેના લીધે ઇન્ટરનેશનલ સ્કૂલની અંગ્રેજી માધ્યમની શાળામાં આવા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. જો કે, શાળા અને સ્કૂલ બોર્ડ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં ગુણવત્તાયુકત લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ  પ્રવેશ માટે મળતા નથી. જો કોઇ ગરીબ બાળકને આ શાળામાં પ્રવેશ જોઇતો હોય અને તેને પ્રવેશ ના અપાયો હોય તેવું કયારેય બન્યુ નથી તેવો બચાવ પણ સ્કૂલ દ્વારા કરાયો હતો. સ્કૂલે વધુમાં જણાવ્યુ કે, શાળા દ્વારા અમ્યુકો સ્કૂલ બોર્ડની શાળાના બાળકો માટે ૨૦ ટકા બેઠકો અનામત છે, જયારે આરટીઇ કાયદા હેઠળ ૨૫ ટકા બેઠકો પર ગરીબ બાળકોને મફત પ્રવેશ આપવાનો હોય છે. જો આમ થાય તો કુલ ૪૫ ટકા બેઠકો પર પ્રવેશ મફત આપવો પડે અને શાળા બંધ કરવી પડે. શાળા અમ્યુકોના ૨૦ બાળકોના કવોટાને સમાવિષ્ટ કરી આરટીઇ હેઠળ ૨૫ ટકા બેઠકો પર ગરીબ બાળકોને પ્રવેશ આપવા માંગે છે. દરમ્યાન ખુદ અમ્યુકોના સ્કૂલ બોર્ડે પણ જવાબ રજૂ કરી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી રજૂ કરાયેલા જવાબને સમર્થન આપવામાં આવ્યું હતું. સ્કૂલ બોર્ડ દ્વારા જણાવાયું કે, ઘણીવાર આ શાળામાં પ્રવેશ માટે હોશિયાર વિદ્યાર્થીઓ પૂરતા પ્રમાણમાં મળતા નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.