પૂજા ખેડકરની માતા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં:ખેડૂતોને ધમકાવી જમીન પચાવી પાડવાનો આરોપ; પિતા વચગાળાના જામીન પર
UPSC પસંદગીને લઈને વિવાદોમાં ફસાયેલી IAS તાલીમાર્થી પૂજા ખેડકરની માતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. પુણે પોલીસે તેને સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. મનોરમા પર ખેડૂતોને પિસ્તોલથી ધમકાવવા અને જમીન હડપ કરવાનો આરોપ છે. 2023માં મનોરમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં મનોરમા એક ખેડૂતને જમીન બાબતે પિસ્તોલ બતાવીને ધમકી આપી રહી છે. 18 જુલાઈના રોજ પોલીસે તેને રાયગઢના મહાડમાં એક હોટલમાંથી ધરપકડ કરી હતી. તે અહીં કેબ ડ્રાઈવર સાથે લોજમાં રોકાઈ હતી. તેણે ડ્રાઈવરને પોતાનો પુત્ર ગણાવ્યો હતો. મનોરમાએ લોજમાં રૂમ બુક કરવા માટે નકલી આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. અગાઉ 19 જુલાઈએ સેશન્સ કોર્ટે આ જ કેસમાં પૂજા ખેડકરના પિતા દિલીપ કોંડિબા ખેડકરને 25 જુલાઈ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. ખેડકર પરિવારનો દાવો- ખેડૂતોએ તેમની જમીન કબજે કરી લીધી
ખેડકર પરિવારે પુણેના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. જો કે, તેણે દાવો કર્યો હતો કે તેનો એક ભાગ ખેડૂતોએ કબજે કરી લીધો છે. આ કારણે મનોરમા તેના સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં પહોંચી અને ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકાવી. વીડિયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહી છે કે જમીન તેના નામે છે. પૂજાના પિતા સામે ખુલ્લી તપાસની માગણી આ દરમિયાન પૂજાના પિતા અને નિવૃત્ત અધિકારી દિલીપ ખેડકરની મુશ્કેલીઓ પણ વધી રહી છે. પુણે એન્ટી કરપ્શન બ્યુરોએ કથિત અપ્રમાણસર સંપત્તિ કેસમાં દિલીપ ખેડકર સામે ખુલ્લી તપાસની માગ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, તેમને આ અંગે એક અરજી મળી છે. પુણે એસીબીએ એસીબી હેડક્વાર્ટર પાસેથી સૂચનાઓ માગી છે, કારણ કે એસીબીના નાસિક વિભાગમાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં દિલીપ ખેડકરની પહેલેથી જ તપાસ ચાલી રહી છે. ગ્રામજનોએ કહ્યું- પૂજાની માતાએ જમીન કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોનો આરોપ છે કે ખેડકર પરિવારે બાઉન્સરની મદદથી પડોશી ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને તેમને ધમકી આપી. ખેડૂત કુલદીપ પાસલકરે દાવો કર્યો હતો કે મનોરમા બળજબરીથી તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, પુણેના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે 12 જુલાઈના રોજ જણાવ્યું હતું કે, આ ઘટના ગત વર્ષે 5 જૂને ધડાવલી ગામમાં બની હતી. ત્યાર બાદ ખેડૂતો વતી ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ફરિયાદમાં પિસ્તોલનો કોઈ ઉલ્લેખ નહોતો. પુણે પોલીસે કહ્યું- અમે તપાસ કરી રહ્યા છીએ કે મનોરમા પાસે પિસ્તોલનું લાઇસન્સ છે કે નહીં. UPSCએ પૂજા વિરુદ્ધ FIR નોંધાવી
UPSC એ પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી છે. UPSCએ આરોપ લગાવ્યો છે કે પૂજાએ પોતાની ઓળખ બદલીને UPSC દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા વિરુદ્ધ બનાવટી, છેતરપિંડી, આઈટી એક્ટ અને ડિસેબિલિટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.