ધ્રાંગધ્રા તાલુકા સરવાળ ગામે દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી - At This Time

ધ્રાંગધ્રા તાલુકા સરવાળ ગામે દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી


- રૂ. 17 લાખથી વધુનો દારૂ અને ૨૫ લાખથી વધુનો મુદામાલ ઝડપાયોસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકા સરવાળ ગામે દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી હતી. તેના પગલે બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસને જોઇ દારૂ સગેવગે કરનારા તત્વો છૂમંતર થઇ ગયા હતાં. જો કે પોલીસે સ્થળ ઉપરથી રૂ. ૧૭ લાખથી વધુનો દારૂ અને ૨૫ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ ગામે હીતરાજસિંહ પ્રવિણસિંહ પરમાર અને તેનો ભાઈ કેવલસિંહ પ્રવિણસિંહ પરમાર પોતાના સાગરીતો મારફત ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી ગામના સ્મશાન તથા પાણીની ટાંકી પાસે પડતર ખરાબામાં દારૂનું કટીંગ કરી અન્ય વાહનો મારફત દારૂની હેરાફેરી કરવાનું ષડયંત્ર થવાનું હોવાની બાતમી એલ.સી.બીની ટીમને મળી હતી. તેના આધારે પોલીસ કાફલાએ દરોડો પાડયો હતો. ત્યારે બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે રૂા.૧૭,૪૬,૬૦૦ની કિંમતની ૧૬૯૨૬ બોટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દરોડા દરમ્યાન આરોપીઓ હાજર મળી ન આવતા પોલીસે દારૂનો જથ્થો, આઈશર, મહિન્દ્ર બોલેરો તથા એક કાર, પુંઠાના બોક્ષ, બે મોબાઈલ વિગેરે મળી કુલ રૂા.૨૫,૯૭,૬૦૦નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.