જામજોધપુર પંથકથી કતલખાને લઈ જવાતી બે ભેંસ તથા ચાર પાડરડાને પોલીસે બચાવ્યા
જામનગર,તા.27 ઓગષ્ટ 2022,શનિવારજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગિંગણી ગામ પાસેથી એક બોલેરો જીપમાં કતલખાને લઈ જવાતા બે ભેસ અને ચાર પાડરડા સહિતના છ પશુઓને જામજોધપુર પોલીસે બચાવી લીધા છે, અને પાંજરાપોળમાં મોકલી દેવાયા છે. પોલીસે એક વાહન સાથે ઉપલેટાના કપાઈ શખ્સની અટકાયત કરી છે. આ દરોડાની વિગતે એવી છે કે જામજોધપુરના અનાજ કરિયાણાના વેપારી સચિન રજનીકાંતભાઈ ચોટાઈને ધ્યાનમાં આવ્યું હતું, કે એક બોલેરો જીપમાં ભેંસો સહિતના મુક પશુઓને દોરડેથી બાંધીને ભરવામાં આવ્યા છે, અને કતલખાને લઈ જવાતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે તરત જ પોલીસ મથકનો સંપર્ક સાધતાં જામજોધપુરના પોલીસે હેડ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ જેઠવાની ટુકડી ગીંગણી ગામ પાસે દોડી આવી હતી. જ્યાં વાહનની તલાસી લેતાં અંદર બે ભેંસ તથા ચાર પાડરડા કે જેઓને ખીચોખીચ ભરેલા હતા, અને તેઓને ખોરાક પાણીની પણ કોઈ સગવડતા અપાઇ ન હતી. પોલીસે ચારેય મૂંગા પશુઓને વાહનમાંથી ઉતારી લઈ પાંજરાપોળમાં મોકલી દેવાયા છે, અને પશુઓને બચાવી લીધા છે. આ ઉપરાંત બોલેરો પીકપ વેનના ચાલક ઉપલેટા ગામના હનીફસા ઇબ્રાહીમશા ફકીરની અટકાયત કરી લઈ વાહન કબજે કર્યું છે, અને તેની સામે જામજોધપુર પોલીસ મથકમાં પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમ ૧૧ ડી., ઈ., એફ., અને એચ. મુજબ ગુનો નોધ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.