અસામાજીક તત્ત્વો બેસી રહેતા હોવાની લોકોની રજૂઆતને પગલે પેટ્રોલીંગમાં ગયેલી પોલીસ પર હુમલો - At This Time

અસામાજીક તત્ત્વો બેસી રહેતા હોવાની લોકોની રજૂઆતને પગલે પેટ્રોલીંગમાં ગયેલી પોલીસ પર હુમલો


- લીંબાયત આર.ડી.ફાટકની બાજુમાં આવેલી રુદ્ર વિલા સોસાયટીની આજુબાજુ અસામાજીક તત્ત્વો દ્વારા થતી હેરાનગતિથી લોકો ત્રાસી ગયા હતા - પોલીસ સાથે માથાકૂટ કરી યુવાન અને તેના પરિવારે હુમલો કરતા પીએસઆઈને આંગળીમાં ઈજા થઈ : યુવાનના પિતાની ધરપકડ, યુવાન, તેની માતા સહિત ત્રણ ફરાર સુરત,તા.22 ઓગષ્ટ 2022,સોમવાર લીંબાયત આર.ડી.ફાટકની બાજુમાં આવેલી રુદ્ર વિલા સોસાયટીની આજુબાજુ અસામાજીક તત્ત્વો બેસી રહેતા હોવાની લોકોની રજૂઆતને પગલે પેટ્રોલીંગમાં ગયેલા લીંબાયત પોલીસના સર્વેલન્સ સ્ટાફ સાથે સ્થાનિક યુવાન અને તેના પરિવારજનોએ ઝઘડો કરી હુમલો કરતા પીએસઆઈને આંગળીમાં ઈજા થઈ હતી. તે દરમિયાન યુવાન, તેની માતા સહિત ત્રણ ફરાર થઈ ગયા હતા જયારે પોલીસે  યુવાનના પિતાની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત આર.ડી.ફાટકની બાજુમાં આવેલી રુદ્ર વિલા સોસાયટીની આજુબાજુ અસામાજીક તત્ત્વો બેસીને ઝઘડા કરી સામાન્ય પ્રજાને હેરાન કરતા હોવાની રજુઆત આજુબાજુના સામાજીક આગેવાનોએ કરતા લીંબાયત પીઆઈ ઝાલાએ તે વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી હતી.આથી ગત બપોરે 12.30 ના અરસામાં એએસઆઈ જનકસિંહ ભગવાનસિંહ સાળુકે અને કોન્સ્ટેબલ સાજણ કાનાભાઈ ખાનગી વાહનમાં ત્યાં પેટ્રોલીંગ કરતા હતા ત્યારે રુદ્ર વિલા સોસાયટીની સામે રોડ ઉપર કેટલાક લોકો ઉભા રહી ઝઘડો કરતા હોય બંને ત્યાં ગયા હતા અને પોતાની ઓળખ આપી વિખેરાઈ જવા કહેતા તમામ વિખેરાઈ ગયા હતા.જોકે, એક યુવાને તેમની પાસે આવી બોલો ક્યા હૈ, તુમ ઈધર કયું આયે? પૂછતાં એએસઆઈ જનકસિંહે ઓળખ આપતા તે યુવાને તુમ લોગ હરબાર યહાં કયું આ જાતે હો, તુમ્હારા રોજ કે નાટક હે, તુમ પોલીસવાલોકો સબક શીખાના પડેગા કહેતા પોલીસે તેની ઓળખ પૂછતાં રુદ્ર વિલા સોસાયટીમાં જ રહેતા વિક્કી ગુલાબ કોળીએ જો ઉખાડના હે ઉખાડ લો કહી પોલીસ સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરી લોકોને એકત્ર કર્યા હતા.થોડીવારમાં બે વ્યક્તિ અને એક મહિલા પણ ત્યાં આવ્યા હતા અને મેરે બેટે કે સાથ ક્યોં ઝઘડા કર રહે હો કહી મહિલાએ એએસઆઈ જનકસિંહનો હાથ પકડી ખેંચ્યો હતો. જયારે અન્યોએ કોન્સ્ટેબલ સાજણને ધક્કો મારી ઝપાઝપી લરી હતી. આથી જનકસિંહે પીએસઆઈ સોલંકીને ફોન કરી જાણ કરતા તે સ્ટાફ સાથે ત્યાં આવતા તેમની સાથે પણ ગાળાગાળી અને ઝઘડો કરતા પોલીસે તમામને પોલીસ ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવવા તજવીજ કરી તે સમયે વિક્કી, તેની સાથેનો અજાણ્યો અને મહિલા પીએસઆઇને ધક્કો મારી ભાગતા પીએસઆઈ સોલંકીને હાથની આંગળીમાં ઈજા થઈ હતી. પોલીસે સ્થળ પરથી વિક્કીના પિતા ગુલાબ દેવરામ કોળીની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.